નિવૃત પોલીસકર્મીનો પુત્ર કેવી રીતે બન્યો લિસ્ટેડ બુટલેગર...
સ્ટેટ મોનીટરિંગ સેલે વર્ષ 2017થી પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી નાગદાન પ્રભુદાન ગઢવીની
હરિયાણા ખાતેથી ધરપકડ કરી લીધી છે. બુટલેગર નાગદાન ગઢવી પર 31 ગુનાઓ નોંધાયેલા
છે. જેમાંથી 16 ગુનાઓમાં
વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે અને મોટાભાગના પ્રોહિબિશનના ગુના ગુજરાતમાં આચરેલા
છે. આરોપી નાગદાન ગઢવીની દારૂના ધંધામાં પ્રવેશની જો વાત કરવામાં આવે તો એક
અકસ્માતના લીધે આવી ગયેલા ખર્ચાને પહોંચી વળવા માટે થઈને દારૂના ધંધામાં પ્રવેશી
ગયો હતો...
સૌરાષ્ટ્રથી કચ્છ સુધી દારૂની હેરાફેરી કરતો હતો
મૂળ વઢવાણના સુરેન્દ્રનગર જિલ્લાનો રહેવાસી અને ધોરણ આઠ
સુધીનો અભ્યાસ કર્યા બાદ નિવૃત પોલીસ કર્મચારીનો પુત્ર નાગદાન ગઢવી ટ્રક ડ્રાઇવર
તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી પરંતુ આ ટ્રક ડ્રાઇવિંગમાં એક દિવસ અકસ્માત
નડી જતા નાગદાન ગઢવીના બંને પગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેની સારવાર માટે આર્થિક રીતે
પહોંચી વળવા માટે થઈને નાગદાન ગઢવીએ દારૂની ખેપ મારવાની શરૂઆત કરી દીધી.. ધીમે
ધીમે વડોદરાના કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી માટે નાગદાન ગઢવી કામ કરતો થઈ ગયો અને
એક સમયે એવો આવ્યો કે નાગદાન ગઢવીએ સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી દારૂની હેરાફેરીમાં
પોતાનો એક્કો જમાવી દીધો. સૌરાષ્ટ્ર પંથકનો એક પણ જિલ્લો બાકી નહીં હોય કે જેમાં
નાગદાન ગઢવી દારૂની હેરાફેરી નહીં કરી હોય. ધીમે ધીમે એક પછી એક 32 જેટલા
પ્રોહિબિશનના ગુના તેના નામે નોંધાઈ ચૂક્યા ત્યારે આવા લિસ્ટેડ બુટલેગરની સ્ટેટ
મોનિટરિંગ સેલ દ્વારા હરિયાણામાંથી ધરપકડ કરી લેવામાં આવતા દારૂનો ધંધો કરનારા
બુટલેગરોમાં સ્ટેટ મોનીટરીંગનો ફફડાટ વ્યાપી ગયો છે...
પાંચ વર્ષથી ગુજરાત પોલીસ વિભાગના ચોપડે વોન્ટેડ
બુટલેગર ઝડપાયો કેમનો...
સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિયુક્ત થયેલા બે સિનિયર
અધિકારીઓના સ્ટ્રોંગ બાતમીદારોના નેટવર્કના લીધે આજે ગુજરાત પોલીસના ચોપડે છેલ્લા
પાંચ વર્ષથી વોન્ટેડ એવો આરોપી નાગદાન ગઢવી હરિયાણાના ગુરુગ્રામ રાજ્યમાંથી ઝડપાઈ
ચૂક્યો છે. એક તરફ ગુજરાતની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલમાં કડક છાપ ધરાવતા એક એસપી
કક્ષાના અધિકારી અને સ્ટ્રોંગ બાતમીદારોનું નેટવર્ક ધરવાનરા એક ડીવાયએસપી કક્ષાના
અધિકારીની નિમણૂક બાદ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ચલાવનારા ગુનેગારોની અંદર
ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત ગુજરાતની અંદર એવા કેટલાક લિસ્ટેડ બુટલેગરો છે
કે આ બંને અધિકારીઓની સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિમણૂક થતા ની સાથે જ તેમણે પોતાનો
ધંધો પણ બદલી નાખ્યો હોવાનું સંભળાઈ રહ્યું છે. તેજ રીતે નાગદાન ગઢવી પણ છેલ્લા
પાંચ મહિનાથી ધંધો બંધ કરીને હરિયાણા ખાતે પોતાની સારવાર કરાવી રહ્યો હતો અને તેવા
જ સમયે સ્ટેટ મોનિટરિંગ સેલના આ અધિકારીઓને મળેલી બાતમીના આધારે સતત બે દિવસ સુધી
ઓપરેશન હાથ ધરીને નાગદાન ગઢવીને હરિયાણાના ગુરુગ્રામ રાજ્યમાંથી તેના મકાનમાંથી જ દબોચી
લેવામાં આવ્યો છે. ત્યારે હવે નાગદાન પ્રભુદાન ગઢવીની હવે સ્ટેટ મોનિટરિંગ સેલની
કસ્ટડીમાં મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવશે અને ગુજરાતમાં સરહદી વિસ્તારો મારફતે જે
દારૂ લાદવામાં આવે છે તેની એક એક લાઈનો આગામી સમયમાં બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય
છે કે નાગદાન ગઢવી સ્ટેટ મોનિટરિંગ સેલની ખાતેદારી પચાવી શકે છે કે નહીં તે તો
કદાચ આવનારો સમય જ બતાવશે.