LOC છતાં બુકી પાર્થ દોશીને એરપોર્ટથી બહાર કાઢનાર પ્રવીણ ઠક્કર કોણ ?
LOC : બુકી બજારના મોટા માથા મહાદેવ (Bookie Mahadev) અને રાકેશ રાજદેવ (Rakesh Rajdev) સાથે સંકળાયેલા પ્રવીણ ઠક્કરે અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ કરેલો ખેલ ભારે ચર્ચામાં છે. કોઈ આરોપી અથવા આક્ષેપિત સામે લુક આઉટ સર્ક્યુલર (Look Out Circular) જારી થયો હોવા છતાં તે બિનધાસ્ત બનીને એરપોર્ટની બહાર આવી જાય તો શું સમજવું ? આવી જ એક ઘટના દસેક દિવસ પહેલાં અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘટી. દેશભરમાં કદાચ આ પહેલી ઘટના હશે કે, LOC હોવા છતાં એક બુકી ઈમિગ્રેશન અને કસ્ટમ્સ ચેનલ પાર કરીને એરપોર્ટની બહાર નીકળી ગયો હોય. SMC ના આરોપી બુકી પાર્થ દોશીને એરપોર્ટની બહાર લઈ આવવાની ક્ષમતા ધરાવતો પ્રવીણ ઠક્કર કોણ છે. વાંચો આ અહેવાલમાં...
કેમ પાર્થ માટે LOC જારી કર્યો ?
માધવપુરા ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) અને ડબ્બા ટ્રેડિંગના કેસની તપાસમાં SMC એ એક વર્ષમાં અનેક આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. સમગ્ર મામલાની તપાસ દરમિયાન દુબઈ સ્થિત પાર્થ દોશીએ પકડાયેલા આરોપી ધવલ સોમાભાઇ પટેલને સટ્ટા બેટિંગ માટે માસ્ટર આઈડી આપ્યા હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં પાર્થ દોશીને આરોપી દર્શાવવામાં આવ્યો હતો. જો કે, પાર્થ ઘણાં વર્ષોથી દુબઈ રહેતો હોવાથી સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર. જી. ખાંટે (PI R G Khant) ગત 1 ફ્રેબુઆરીના રોજ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરાવ્યો હતો. જેના આધારે પાર્થ દોશીનો અમૃતસર એરપોર્ટ પોલીસ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે કબજો મેળવી ધરપકડ કરી હતી. અત્રે નોંધનીય છે કે, અમદાવાદના માધવપુરામાંથી પકડાયેલા 2 હજાર કરોડના સટ્ટા તેમજ ડબ્બા ટ્રેડિંગના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) અત્યાર સુધીમાં પાર્થ સહિત કુલ 35 આરોપીઓની ધરપકડ કરી છે.
એરપોર્ટ પર મચી હતી દોડધામ
ગત 12 જુલાઈના રોજ ઈન્ડિયન પાસપોર્ટ પર દુબઈથી અમૃતસર એરપોર્ટ (Amritsar Airport) આવેલા પાર્થ દોશી લુકઆઉટ નોટિસ હોવા છતાં આસાનીથી ઈમિગ્રેશન - કસ્ટમ્સ એરિયા વટાવી બહાર નીકળી ગયો હતો. અચાનક ઈમિગ્રેશનના સિનિયર અધિકારીના ધ્યાને મામલો સામે આવતાં એરપોર્ટ સિક્યુરિટી સ્ટાફ અને ઈમિગ્રેશનના અધિકારી દોડતા થઈ ગયા હતા. એક તબક્કે તો ઈમિગ્રેશન અધિકારીના હોશ ઊડી ગયા હતા. એરપોર્ટની બહાર વાહનની રાહ જોઈ રહેલો પાર્થ દોશી મળી આવતા સૌના શ્વાસ નીચે બેઠાં હતાં.
LOC હોય તો શું પ્રક્રિયા થાય ?
જેના નામે લુક આઉટ સર્ક્યુલર જારી થયો હોય તેવા આરોપી કે શકમંદને દેશની બહાર જતા કે આવતા ઈમિગ્રેશન ચેક પોસ્ટ (Immigration Check Post) પર અટકાવવામાં આવે છે. પાસપોર્ટ નંબર અને નામના આધારે જારી કરાયેલો LOC હોય તેવા શખસને જે-તે એરપોર્ટ, બંદર, રેલવે અને Land Check Post પર અટકાવી દેવામાં આવે છે. અટકાવી દેવાયેલા શખસનો કબજો સ્થાનિક પોલીસને અપાય છે અને લુક આઉટ નોટિસ (Look Out Notice) જારી કરાવનાર તપાસ એજન્સી/પોલીસને જાણ કરી તેને સત્તાવાર રીતે સોંપવામાં આવે છે.
LOC છતાં પાર્થને કોણે બહાર કાઢ્યો ?
Dubai થી ભારત આવી રહેલાં પાર્થ દોશીની સાથે ફલાઈટમાં બુકી પ્રવીણ ઠક્કર ઉર્ફે પિન્ટુ (Pravin Thakkar Bookie) પણ સાથે હતો. સૂત્રો પાસેથી મળેલી હકિકત અનુસાર પિન્ટુ ડીસાએ શંકર જલંધર ઉર્ફે ભાઇજી નામના ખૂબ મોટા ગજાના સ્થાનિક બુકીની મદદ લીધી હોવાની વાતો સામે આવી રહી છે. ઈમિગ્રેશન વિભાગ (Immigration Department) માં ગોઠવણ ધરાવતા બુકીના ઇશારે પાર્થ દોશીને કાઉન્ટર પર રોકવાના બદલે પાસપોર્ટમાં ડિપાર્ચરનો સિક્કો મારી જવા દેવાયો હતો. દુબઈથી આવેલા પાર્થ દોશીનો મોબાઈલ ફોન પણ પોલીસને હાથ લાગ્યો નથી. સૂત્રોના જણાવ્યાનુસાર પિન્ટુ ડીસા પાર્થનો મોબાઈલ ફોન લઈને ચાલ્યો ગયો છે. અત્રે નોંધનીય છે કે, લુક આઉટ સરક્યુલર હોય તે શખસને ઈમિગ્રેશન કાઉન્ટર પર જ રોકી દેવામાં આવે છે અને LOC જારી કરાવનાર જે-તે તપાસ એજન્સી-ઑથોરિટીને જાણ કરવામાં આવે છે.
નામ પ્રવીણ ઠક્કર સટ્ટા બજારમાં પિન્ટુ ડીસા
બનાસકાંઠા જિલ્લાના ડીસાનો રહેવાસી પ્રવીણ ઠક્કર એકાદ દસકા અગાઉ ક્રિકેટ સટ્ટા બેટિંગના બેનંબરી ધંધા માટે અમદાવાદ સ્થાયી થયો હતો. પ્રવીણ ઉર્ફે પિન્ટુ ડીસા ક્રિકેટ સટ્ટા બેટિંગ અને સ્પોટ ફિક્સિંગના કેસોમાં જેલના સળિયા પણ ગણી ચૂક્યો છે. બુકી બજારમાં પ્રવીણ પિન્ટુ ડીસા (Pintu Deesa Bookie) તરીકે ઓળખાય છે. વર્ષ 2013 આઈપીએલ સ્પોટ ફિક્સિંગ (IPL Spot Fixing) ના ચકચારી કેસમાં પિન્ટુ ઠક્કરની દિલ્હી પોલીસ (Delhi Police) ધરપકડ કરી ચૂકી છે. આ ઉપરાંત દેશના મોટાગજાના એક બુકીએ કરેલા મેચ ફિક્સિંગ કેસમાં પણ પ્રવીણ ઠક્કર ઉર્ફે પિન્ટુ અને બુકી જીતુ જૈન (Jitu Jain Bookie) ની જોડીના નામ મુંબઈ પોલીસ (Mumbai Police) ના ચોપડે ચઢ્યા છે. નવેક વર્ષ અગાઉ અમદાવાદમાં આનંદનગર પોલીસે (Anandnagar Police) કરેલા ક્રિકેટ સટ્ટા કેસમાં પકડાયેલા પ્રવીણ ઉર્ફે પિન્ટુ અને અમદાવાદના બુકી જીતુ જૈન ઉર્ફે જીતુ થરાદ (Jitu Tharad Bookie) ની ભાગીદારી સામે આવી હતી.
આ પણ વાંચો -Sex Racket : સૌરાષ્ટ્રમાં યુવકનો આપઘાત, અમદાવાદના કાફે માલિક સહિત 3ની ધરપકડ
આ પણ વાંચો -Montu Namdar : ભાજપ કાર્યકરના ફરાર હત્યારાને કોણે કરી આર્થિક મદદ ?
આ પણ વાંચો -GST Scam : બુકીઓ, આંગડીયા પેઢીઓ અને હવાલા ઓપરેટરોના "અચ્છે દિન" ખતમ ?