CID Crime : હવાલા રેકેટ ચલાવતી આંગડીયા પેઢીઓ કેમ રડારમાં ?
CID Crime : ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) માંથી મહિને કરોડો રૂપિયા કમાતા બુકીઓ છેલ્લાં બે દસકથી ગુજરાત સહિત દેશભરમાં કાર્યરત છે. ભૂતકાળમાં સટ્ટા બેટિંગની રકમ પાકિસ્તાનમાં બેસેલાં ડૉન દાઉદ ઈબ્રાહીમ (Don Dawood Ibrahim) પાસે હવાલાથી જતી હોવાનો દાવો કરતી ગુજરાત પોલીસ (Gujarat Police) એક પણ કેસ સાબિત કરી શકી નથી. જ્યારથી ઑનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગ (Online Betting) શરૂ થયું છે ત્યારથી મહિને કરોડો રૂપિયા દુબઈ (Dubai) જૉજિયા (Georgia) અને UK સુધી પહોંચે છે. ભાડાના બેંક એકાઉન્ટ થકી ચાલતી કરોડો-અબજો રૂપિયાની હેરાફેરીમાં આંગડીયા પેઢીના સંચાલકોની ભૂમિકા હોવાની શંકાના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમોએ (Team CID Crime) અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડી કરોડોની રોકડ અને સોનું કબજે કર્યું છે. એક સાથે આટલાં બધા દરોડા પાછળ ક્ષત્રિય આંદોલન (Kshatriya Andolan) તથા બેનંબરી ચૂંટણી ફંડના તાર શોધવાની એક ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે.
આંગડીયા પેઢીઓ વર્ષોથી પાડે છે હવાલા
વર્ષોથી કરોડો-અબજો રૂપિયાના હવાલાનું કામ કરતી આંગડીયા પેઢીઓ પૈકી ચોક્કસ પેઢીઓને સીઆઈડી ક્રાઈમે (CID Crime) નિશાના પર લીધી છે. અમદાવાદ-સુરતમાં આંગડીયા પેઢીઓ પર આવેલી તવાઈ પાછળ બુકીઓની કાળી કમાણી દેશ બહાર પગ કરી જતી હોવાનું મુખ્ય કારણ છે. કેટલાંક આંગડીયા (Angadia) માત્રને માત્ર બેનંબરી રૂપિયા દેશ બહાર મોકલવાનું જ કામ કરે છે. આ હકિકત રાજ્ય પોલીસની મોટાભાગની એજન્સીઓ જાણે છે. કારણ કે, આ પેઢીઓ સાથે IPS અધિકારીઓ પરોક્ષ રીતે જોડાયેલા છે.
આંગડીયા માલિકોની સ્થિતિ થઈ કફોડી
આંગડીયા પેઢીઓમાં થતાં રોકડના બેનંબરી વ્યવહારોનો આંકડો ખૂબ મોટો હોય છે. પેઢીઓમાં બુકીઓ ઉપરાંત મોટાપાયે કર ચોરી કરતા ડબ્બા ટ્રેડિંગ, રિયલ એસ્ટેટ (Real Estate) બુલીયન (Bullion) સહિતના ધંધાર્થીઓના ખાતાઓ હોય છે. કેટલાંક IT, DRI સહિતની એજન્સીઓથી બચવા કૉડ નેમનો ઉપયોગ કરતા હોય છે. કૉડ નેમ કોનું છે ? તેની જાણકારી આંગડીયા પેઢીના સંચાલકો સિવાય કોઈને હોતી નથી. CID Crime ના અધિકારીઓની ટીમ આઠેક જેટલી આંગડીયા પેઢીના માલિકોની પૂછપરછ શરૂ કરી કૉડ નેમની જાણકારી મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે.
ચૂંટણી અને આંદોલનમાં કોણે ફંડ આપ્યું ?
લોકસભા ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ CID Crime ના વ્યાપક દરોડાને લઈને જુદીજુદી વાતો ચર્ચામાં છે. દરોડાઓ પાછળનો હેતુ હજી સુધી સત્તાવાર રીતે પોલીસે મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યો નથી. "જો અને તો"ની વાતો વચ્ચે ક્ષત્રિય આંદોલનમાં આર્થિક મદદ કોણે-કોણે કરી છે અને વિરોધીઓને કોણે ચૂંટણી ફંડ આપ્યું છે તેની તપાસ સરકારના ઇશારે થઈ રહી છે. રાજ્ય વ્યાપી પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) માં પણ પોલીસે આંગડીયાઓના વ્યવહારો તપાસી મદદ કરનારાઓને શોધી કાઢી સબક શિખવાડ્યો હતો. આ વખતે પણ ક્ષત્રિય આંદોલનની પાછળ રહેલાં ચહેરાઓ શોધવા આંગડીયાઓની એન્ટ્રી તપાસવાનું પોલીસે શરૂ કર્યું હોવાની વાતો સામે આવી રહી છે.
આ પણ વાંચો : Ex IAS : રાષ્ટ્રીય પાર્ટીને કરોડો રૂપિયાનું ફંડ આપનારા પૂર્વ અધિકારી આફતમાં
આ પણ વાંચો : BJP નેતાઓ સાથે ફોટા પડાવનારા મહાઠગે ભાજપને પણ ના છોડી ?
આ પણ વાંચો : SMC એ ગુજરાતમાં નશો ઠાલવતા આશુને નેપાળ બોર્ડર પરથી પકડ્યો