ભરૂચના હર્ષ ઉપાધ્યાયે બોલિવૂડની મ્યુઝિક દુનિયામાં બનાવી નવી ઓળખ
- બોલિવૂડમાં ચમક્યો ભરૂચનો સિતારો!
- હર્ષ ઉપાધ્યાયની સફળતા: રિયાલિટી શોથી બોલિવૂડ સુધીનો સફર
- હર્ષ ઉપાધ્યાય: રેમો ડિસૂઝાની નવી ફિલ્મ માટે મ્યુઝિક ડાયરેક્ટર
Harsh Upadhyay in Bollywood : મૂળ ભરૂચના હર્ષ ઉપાધ્યાય આજે બોલિવૂડમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી રહ્યા છે. રેમો ડિસૂઝાની આગામી ફિલ્મ માટે 12 ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તેમણે જ તૈયાર કર્યું છે. છેલ્લા 16 વર્ષમાં હર્ષે અનેક રિયાલિટી શો અને મ્યુઝિક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. અજય દેવગણની આગામી ફિલ્મ 'સન ઓફ સરદાર 2' અને કાજોલની 'માં' સિરીઝમાં પણ તેમના ગીતો સાંભળવા મળશે. એક ઇન્ટરવ્યૂમાં હર્ષે પોતાની કારકિર્દી વિશે જણાવ્યું હતું.
હર્ષની સંગીત સફર : ભરૂચથી મુંબઈ સુધીનો પ્રવાસ
હર્ષે કહ્યું કે, "હું મૂળ ભરૂચનો છું, પરંતુ છેલ્લા 16 વર્ષથી મુંબઈમાં રહું છું. મુંબઈએ મને બીજા સપનાં જોનારાઓની જેમ સ્વીકાર્યો છે. મારી મ્યુઝિક ફિલ્ડની સફર વડોદરામાં એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન કેટલાક ડાન્સર મિત્રો માટે મ્યુઝિક રિમિક્સ કરવાથી શરૂ થઈ હતી. તેઓનું એક રિયાલિટી શોમાં સિલેક્શન થતાં મારા મ્યુઝિકને પણ સ્થાન મળ્યું. તેઓ મારા રિમિક્સ શોમાં પરફોર્મ કરવા માટે ઉપયોગમાં લેતા હતા. શોના મેકર્સને મારા રિમિક્સ પસંદ આવતાં તેમણે મને બીજી સિઝનમાં કામ કરવાની ઓફર આપી. આ ઓફર મારા માટે એક તક સાબિત થઈ." વધુમાં તેમણે કહ્યું કે, "કંઈક કરી બતાવવાના જુસ્સા સાથે હું રિયાલિટી શોમાં મ્યુઝિક કમ્પોઝ કરવા માટે મુંબઈ પહોંચ્યો. મેં આ રિયાલિટી શોમાં મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે કામ શરૂ કર્યું. બીજી સિઝન પૂરી થયા પછી મેં શોમાં મ્યુઝિક આપતી કંપની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સમયની સાથે હું કામ શીખતો ગયો અને ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે મારી ઓળખ બનાવી. આ દરમિયાન જ કોરિયોગ્રાફર રેમો સરે મને એવોર્ડ અને ફિલ્મના મ્યુઝિક બનાવવા માટે બોલાવ્યો."
રેમો ડિસૂઝા સાથે નવી ઊંચાઈઓ સર કરી
આગળ તેમણે કહ્યું કે, "રેમો સરને મારું કામ પસંદ આવતાં તેમણે મને તેમની ફિલ્મોમાં મ્યુઝિક આપવા માટે બોલાવ્યો. તેમની ફિલ્મ 'એબીસીડી', 'એબીસીડી 2' અને 'સ્ટ્રીટ ડાન્સર' માટે મ્યુઝિક બનાવવાની તક મળી. આ સિવાય વિશાલ-શેખર, સ્નેહા ખંડવલકર અને શાશ્વત સચદેવના નાના-નાના પ્રોજેક્ટ્સ માટે પણ મ્યુઝિક કમ્પોઝર તરીકે કામ કરવાની તક મળી." હર્ષે વધુમાં કહ્યું કે, "વર્ષ 2023ના જાન્યુઆરીમાં રેમો સરનો ફોન આવ્યો અને તેમણે કહ્યું, 'તું મારી આવનારી ફિલ્મ 'બી હેપ્પી' માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરીશ.' જોકે આ વખતે મારી ઈચ્છા ગીતો કમ્પોઝ કરવાની હતી અને રેમો સરે મારી ઈચ્છા પૂરી કરી. મેં તેમને 'બી હેપ્પી' માટે 28 દિવસમાં 6 ગીતો તૈયાર કરીને આપ્યા. પછી બીજા 6 ગીતો પણ મેં જ તૈયાર કર્યા. આ ફિલ્મનો આખો જ પ્રોજેક્ટ મને મળ્યો અને ફિલ્મ માટે મ્યુઝિક ડાયરેક્ટર તરીકેની ભૂમિકા ભજવી."
મુંબઈમાં હર્ષના નવા પ્રોજેક્ટ્સ અને મોટા સપનાં
વધુમાં તેમણે કહ્યું કે, "મુંબઈ એક એવું શહેર છે જ્યાં દરરોજ નવો દિવસ છે. મને ખબર જ ન પડી કે અહીં 16 વર્ષ વીતી ગયા. હું મુંબઈ ઊંઘવા માટે નહોતો આવ્યો. તેથી મેં દિવસના 24 કલાક કામ કર્યું. જેના પરિણામે 'બી હેપ્પી' ફિલ્મ પછી મને અજય દેવગણની 'સન ઓફ સરદાર 2' અને કાજોલની 'માં' ફિલ્મમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કામ મળ્યું. હાલ હું 4-5 પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. મને આશા છે કે લોકોને મારું કામ પસંદ આવશે.
આ પણ વાંચો : મેલબોર્ન કોન્સર્ટમાં Neha Kakkar ને ચાહકોની માફી માંગવી પડી, જુઓ Video