Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિન્દી ફિલ્મ જગતની બેજોડ જોડી - મોહમ્મદ રફી અને આર. ડી. બર્મન

' તમને મોહમ્મદ રફી ગમે કે કિશોરકુમાર?  નૌશાદ ગમે કે આર. ડી. બર્મન?  જવાબ સ્પષ્ટ છે: કિશોરકુમાર અને આર. ડી. બર્મન. પણ આ જવાબનો અર્થ કંઈ એવો ન થાય કે મને મોહમ્મદ રફી અને નૌશાદ ગમતા નથી. સંગીતનું કામકાજ ફૂડ...
હિન્દી ફિલ્મ જગતની બેજોડ જોડી   મોહમ્મદ રફી અને આર  ડી  બર્મન

'

Advertisement

તમને મોહમ્મદ રફી ગમે કે કિશોરકુમાર?  નૌશાદ ગમે કે આર. ડી. બર્મન?  જવાબ સ્પષ્ટ છે: કિશોરકુમાર અને આર. ડી. બર્મન. પણ આ જવાબનો અર્થ કંઈ એવો ન થાય કે મને મોહમ્મદ રફી અને નૌશાદ ગમતા નથી.

સંગીતનું કામકાજ ફૂડ જેવું છે. વરસાદી સાંજે ગુજરાત કૉલેજનાં દાળવડાં ખાવાનું મન થયું હોય તો કોઈ ગમે એટલાં સ્વાદિષ્ટ વાટી દાળનાં ખમણ ઑફર કરે તો પણ નહીં ખાઈએ. સવારના પહોરમાં ઓસવાલના ફાફડાજલેબી ખાવા મળે તો? એને બદલે કદાચ એનાથી વધુ સ્વાદિષ્ટ ફાફડા-જલેબી મળે તો ય ન ભાવે. આનો અર્થ શું એવો થયો કે ફાફડા-જલેબી કે વાટી દાળનાં ખમણ પ્રત્યે અણગમો છે? ઑન ધ કોન્ટ્રરી, એ પણ એટલાં જ ભાવે છે જેટલાં ઈડલી અને દાળવડાં ભાવે છે  પણ આ તો જેવો જ્યારે મૂડ.

Advertisement

મુંબઈમાં કોરોના પહેલાં શિયાળામાં આઠ પ્રહરનો કાર્યક્રમ ષણ્મુખાનંદ ઑડિટોરિયમમાં યોજાતો. સુવિખ્યાત સંગીત માર્તંડ પંડિત જસરાજજીનાં સુપુત્રી દુર્ગા જસરાજ અને એમના સાથીઓના આમંત્રણથી ભારતના ટોચના સંગીતકારો ચોવીસ કલાક (આઠ પ્રહર) સુધી નોનસ્ટોપ ચાલતા આ કાર્યક્રમમાં ભાગ લેવા આવતા. તેજસ્વી નવોદિતો પણ આવતા. એ માહોલમાં ધારો કે કોઈ કહે કે ચાલો કિશોરકુમારનું ઓ સાથી રે, તેરે બિના ભી ક્યા જીના સાંભળીએ કે પંચમદાના અવાજમાં દુનિયા મેં લોગોં કો સાંભળીએ તો આપણે ના જ પાડવાના છીએ. પંડિત શિવકુમાર શર્મા, ઉસ્તાદ ઝાકિર હુસૈનકે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના માહોલમાં કિશોરકુમાર અને આર.ડી.ને પ્રવેશ નહીં મળે. ઈવન પરવીન સુલતાનાજી સ્ટેજ પર ઠુમરી ગાતાં હોય ત્યારે આર.ડી.એ જ કંપોઝ કરેલું અને પરવીનજીએ ગાયેલું હમેં તુમ સે પ્યાર કિતના સાંભળવાને બદલે કંઈક જુદી ચીજ સાંભળવાની ઈચ્છા થશે.

માહોલ અને મૂડ. આ ફેક્ટર નક્કી કરે છે કે આ ઘડીએ તમને શું ખાવાની ઈચ્છા છે, શું ગાવાની ઈચ્છા છે. ખાવાનું ડાઈનિંગ ટેબલ પર, ગાવાનું બાથરૂમમાં.

Advertisement

આજે  મોહમ્મદ રફીનો મૂડ છે અને દિલ-દિમાગમાં નૌશાદ નહીં પણ આર. ડી. બર્મનનો માહોલ છે. પિતા સચિન દેવ બર્મન માટે તો રફીસા’બે ગાયું અને કેટલું યાદગાર ગાયું : યહ મહલો યે તખ્તોં, દેખી ઝમાને કી યારીથી લઈને દિન ઢલ જાયેં, ક્યા સે ક્યા હો ગયા, તેરે મેરે સપને અને ગુન ગુના રહે હૈ ભંવરે સુધીનાં ડઝનબંધ સુપરહિટ અને આજે પણ ઝણઝણાવી મૂકે એવાં ગીતો આ જોડીએ આપ્યાં.

પુત્ર રાહુલ દેવ બર્મને 1961માં પોતાની પહેલી જ ફિલ્મ ‘છોટે નવાબ’માં રફીસા’બ પાસે બે ગીત ગવડાવ્યાં અને એ પછી પંચમદાની સૌપ્રથમ સુપરડુપર હિટ ફિલ્મ ‘તીસરી મંઝિલ’ (1966)માં બંને સોલો અને ચારેય ડ્યુએટમાં રફીસા’બઃ તુમને મુઝે દેખા હોકર મહેરબાન, દીવાના મુઝસા નહીં ઇસ અંબર કે નીચે અને આશા ભોસલે સાથેનાં ચાર યુગલગીતઃ ઓ હસીના ઝુલ્ફોંવાલી, ઓ મેરે સોના રે સોના, આજા આજા મૈં હૂં પ્યાર તેરા અને દેખિયે સાહિબોં વો કોઈ ઔર થી.

‘તીસરી મંઝિલ’ રિલીઝ થઈ તે વખતે આર.ડી. કેટલા વર્ષના? સત્યાવીસ. અને રફીસા’બ? બેંતાલીસ. બંને વચ્ચે એક આખી જનરેશન જેટલો તફાવત. પણ ટ્યુનિંગ કેવું જબરજસ્ત? ‘તીસરી મંઝિલ’ની સફળતામાં ડિરેક્ટર વિજય આનંદનો જેટલો મોટો ફાળો હતો એટલો જ ફાળો આર. ડી. બર્મનના સંગીતનો પણ ખરો અને અફકોર્સ એક જબરજસ્ત ટીમને ભેગી કરીને એ સૌને સતત ઇન્સ્પાયર કરતા રહેતા પ્રોડ્યુસર નાઝિર હુસૈનને પણ ઇક્વલ જશ મળે.

રફી-પંચમની જોડીએ ‘બહારોં કે સપને’ (1967)માં પણ સાથે કામ કર્યું પણ એ પિક્ચરનું જે સૌથી જાણીતું ગીત છે તે મન્નાડે-લતા મંગેશકરવાળું : ચુનરી સમ્હાલ ગોરી, ઊડી ઊડી જાય રે. 1969ના ‘પ્યાર કા મૌસમ’માં રફીસા’બે આર. ડી. માટે ‘ની સુલતાના રે’ અને ‘…ખુશ નઝારે’—આ બે ગીતો ઉપરાંત સદાબહાર ‘તુમ બિન જાઉં કહાં’ ગાયું જેમાં મેન્ડોલિન ગુજરાતી વાદક કિશોર દેસાઈએ વગાડ્યું છે. ‘તુમ બિન’નું એક વર્ઝન કિશોરકુમારે પણ ગાયું. રફીસા’બના ચાહકોને રફીએ ગાયેલું અને કિશોરદાના ચાહકોને કિશોરકુમારે ગાયેલું ગીત નૉર્મલી ગમતું હોય છે. આપણને બેઉ વર્ઝન ગમે છે- ડિપેન્ડ્સ ઑન મૂડ અને માહોલ.

1970માં આવેલી આર.ડીની ‘ધ ટ્રેન’માં રફીએ એક સોલો અને એક ડ્યુએટ ગાયાં: ગુલાબી આંખેં જો તેરી દેખી અને ની સોનિયે. મેરી જાન મૈંને કહામાં પંચમદાનો સુપરબ્રાન્ડ બની ચૂકેલો અવાજ આશાજી સાથે સાંભળવા મળ્યો.

‘ધ ટ્રેન’ પછી આવેલી ‘કારવાં’ (1971)માં પણ રફીસા’બે પંચમ માટે ‘ચડતી જવાની’ ડ્યુએટમાં લતાજી સાથે અને ‘ગોરિયા કહાં તેરા દેશ’માં આશાજી સાથે ગાયું. ‘કારવાં’નું આખું આલબમ વખણાયું. જે સૌથી આયકોનિક ગીત બન્યું તે- પિયા તૂ અબ તો આ જા. આશાજી-પંચમદાની એનર્જીમાં પડદા પરની હેલનજીની ઊર્જા જો ન ઉમેરાઈ હોત તો ગીતમાં કંઈક ખૂટે છે એવું લાગતું હોત.

‘તીસરી મંઝિલ’ અને ‘કારવાં’ પછી ફરી એક વાર નાસિર હુસૈને આર. ડી. બર્મન સાથે હાથ મેળવ્યા. ‘બહારોં કે સપને’ અને ‘પ્યાર કા મૌસમ’માં પણ પ્રોડ્યુસર-મ્યુઝિક ડાયરેક્ટરની આ જ જોડીએ સાથે કામ કર્યું હતું. ‘યાદોં કી બારાત’ (1973) ફિલ્મ માત્ર આ જોડી માટે જ નહીં, ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ માટે સ્મરણોનો વરઘોડો પુરવાર થઈ. સલીમ-જાવેદની કરિયર જબરજસ્ત શૂટઅપ થઈ એટલું જ નહીં, સુપરસ્ટાર ધર્મેન્દ્ર ઉપરાંત વિજય અરોરા અને તારિક જેવા ટમટમતા સિતારાઓનાં પણ નસીબ ચમકી ગયાં. સાવ નાનકડી ભૂમિકામાં દેખાતા સત્યેન કપ્પુ હાથમાં આઠ નંબર અને નવ નંબરના બે જૂતાં લઈને લિન્કિંગ રોડથી કોલાબા સુધીની જાણીતી જૂતાંની દુકાનોમાં ફરે છે એવો નાનકડો કોલાજ પણ દર્શકોના મગજમાં છવાઈ ગયો. ટાઈટલ સોન્ગમાં રફીસા’બનો અવાજ હતો, કિશોરદાનો પણ હતો. ચુરા લિયા હૈ તુમને જો દિલની શરૂઆત શેમ્પેઈનના બે ગ્લાસ ટકરાવીને થઈ પણ જે અવાજ ગૂંજ્યા કરે છે તે આશાજીના મુખડા બાદ અંતરો વટાવ્યા પછી એન્ટર થતો રફીસા’બનો અવાજ.

આ જ પ્રોડ્યુસર-મ્યુઝિક ડાયરેક્ટર 1977માં હમ કિસી સે કમ નહીં લઈને આવ્યા. રફીસા’બને ‘ક્યા હુઆ તેરા વાદા’ માટે ફિલ્મફેર મળ્યો. આ ઉપરાંત એમણે સોલો ‘ચાંદ મેરા દિલ’, ‘યે લડકા હાય અલ્લા’ ડ્યુએટ અને ‘હૈ અગર દુશ્મન’ની કવ્વાલીમાં પણ અવાજ આપ્યો. રફીસા’બને પ્લેબેક સિંગર તરીકેનો જે એકમાત્ર નૅશનલ અવોર્ડ મળ્યો તે આ ફિલ્મ માટે(ફિલ્મફેર તો અડધો ડઝન મળ્યા).

રફી-પંચમની જોડીનું છેલ્લું યાદગાર ચલચિત્ર ‘શાન.’ રફીએ ‘જાનુ મેરી જાન’માં કિશોર, આશા અને ઉષા મંગેશકર સાથે ગાયું અને ‘નામ અબ્દુલ હૈ મેરા’ પણ ગાયું.

પણ સૌથી વધારે યાદગાર ગીત બન્યું તે ‘યમ્મા યમ્મા યે ખૂબસૂરત શમા.’ આર. ડી. બર્મન સાથે રફીએ ગાયેલું આ એકમાત્ર ગીત. આ ગીતનું રેકોર્ડિંગ થાય એ પહેલાં જ રફીસા’બ દુનિયા છોડીને જતા રહ્યા. દિવસ હતો 31 જુલાઈ, 1980. ઉંમર માત્ર 56 વર્ષ. રફીસા’બે આ ગીતનું રિહર્સલ કર્યું હતું તેનું રેકોર્ડિંગ હતું. મહાન ગાયકને અંજલિ આપવા મહાન સંગીતકારે એ રફ વર્ઝનને ફાઈનલ રેકોર્ડિંગમાં સામેલ કરી દીધું. ‘શાન’ 1980ના ડિસેમ્બરમાં રિલીઝ થઈ.
રફીની જેમ આર.ડી. પણ 1994માંનાની વયે જતા રહ્યા-માત્ર 54 વર્ષની ઉંમરે.

મહાન લોકો, મહાન કાર્યો કરીને નાની ઉંમરે જતા રહે છે ત્યારે હૃદય ચિરાઈ જતું હોય છે. આશ્વાસન એટલું રહે છે કે એમણે કરેલા કામને દાયકાઓ પછી પણ યાદ કરીને આપણે ખૂબ ઊંડી શાતા મળતી હોય છે.

બસ આજ કી રાત હૈ ઝિંદગી
કલ હમ કહાં તુમ કહાં,
કબ ક્યા હો જાયે કિસ કો ખબર આના ચલે ઝૂમકર.
યે ઝિંદગી એક લંબી સફર, પલ ભર કે સબ હમસફર.
એક રાત કે મેહમાન સબ યહાં,
કલ હમ કહાં તુમ કહાં.
રહ જાયેગા યાદોં કા ધુઆં
કલ હમ કહાં તુમ કહાં? – આનંદ બક્ષી

આ પણ વાંચો : અંગ્રેજોની માફી માંગવાના આરોપની હકીકત, વીર સાવરકરે અંગ્રેજોને લખેલો પત્ર વ્યૂહરચનાનો એક ભાગ હતો

Tags :
Advertisement

.