Sunita Williams: સુનિતા વિલિયમ્સની અવકાશયાત્રા જેવી જ થ્રીલિંગ સ્ટોરીવાળી હોલીવૂડની 5 બ્લોકબસ્ટર્સ ફિલ્મ
- અવકાશ હોલીવૂડ ડાયરેક્ટર્સનો હંમેશા પસંદગીનો વિષય રહ્યો છે
- ઈન્ટરસ્ટેલર, ગ્રેવિટી, આર્માગેડન વગેરે અત્યંત લોકપ્રિય હોલીવૂડ ફિલ્મો છે
- બોલીવૂડમાં પણ રોકેટ્રી અને મિશન મંગલ જેવી ફિલ્મો દ્વારા આ વિષય ખેડવાનો પ્રયત્ન કરાયો છે
અમદાવાદઃ આજે સમગ્ર વિશ્વમાં સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને સાથી અંતરિક્ષયાત્રીઓનું અવકાશમાંથી ધરતી પર સફળ ઉતરાણ થયું તે ઘટના છવાઈ ગઈ છે. અવકાશ હંમેશા ધરતી પર રહેતા માનવીઓ માટે જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. તાજેતરના કેટલાક વર્ષોમાં બોલીવૂડમાં રોકેટ્રી, મિશન મંગલ જેવી ફિલ્મો બની છે. જો કે હોલીવૂડમાં વર્ષોથી અવકાશ પર આધારિત હોય તેવા વિષયોવાળી અનેક ફિલ્મો બની છે. જેમાંથી આપણે 5 બ્લોકબસ્ટર ફિલ્મો વિશે વાત કરીએ.
આર્માગેડન(Armageddon):
1998માં બનેલ આ ફિલ્મ હોલીવૂડના પ્રખ્યાત ડાયરેક્ટર માઈકલ બે દ્વારા ડીરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં એક ડ્રિલિંગ ટીમને એસ્ટ્રોઈડ પર ડ્રિલ કરવા માટે મોકલવામાં આવે છે. જેનો અવકાશયાત્રા સાથે ન્હાવા નીચોવાનો કોઈ સંબંધ હોતો નથી. આ ફિલ્મમાં પિતા અને પુત્રીની લાગણી અને ડ્રિલર્સનું જીવન કેવું હોય છે તે સુપેરે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નાસાના ડાયરેક્ટરના પાત્રને ઘણું ફૂટેજ આપવામાં આવ્યું છે.
ગ્રેવિટી(Gravity):
વર્ષ 2013માં આવેલ ફિલ્મમાં એક મહિલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની જેમ અવકાશમાં ફસાઈ જાય છે. આ મહિલા અવકાશયાત્રીને પડતી મુસિબતો અને સમસ્યાઓને સુપેરે વર્ણવવામાં આવી છે. મહિલા અવકાશયાત્રીનો રોલમાં સેન્ડ્રા બુલોક નામની અભિનેત્રીએ જીવ રેડી દીધો છે. આ ફિલ્મને આલ્ફાન્સો ક્યુરોન નામના ડાયરેક્ટરે ડાયરેક્ટ કરી છે.
ઈન્ટરસ્ટેલર(Interstellar):
આ ફિલ્મ 2014માં રિલીઝ થયેલી એક સાયફાય ફિલ્મ છે. જેમાં અવકાશ યાત્રા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં, પૃથ્વી પર ભવિષ્યમાં થનારા દુકાળ અને વિનાશ દર્શાવવામાં આવ્યા છે. અવકાશયાત્રીઓનું એક જૂથ પૃથ્વીના લોકો માટે એક નવા ગ્રહની શોધમાં અવકાશમાં જાય છે. જો તમે અવકાશ પ્રેમી છો તો તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ. આ ફિલ્મનું ડીરેક્શન મહાન ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલાન દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં મેથ્યુ મેકકોનાગી, એન હેથવે, જેસિકા ચેસ્ટાઈન, બિલ ઈરવિન, એલેન બર્સ્ટિન અને માઈકલ કેઈન મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.
ધ માર્શિયન(The Martian):
આ ફિલ્મ 2015ની સાયન્સ ફિક્શન ફિલ્મ છે જેનું નિર્દેશન રિડલી સ્કોટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મેટ ડેમને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં મંગળ ગ્રહ પર એક અવકાશયાત્રીના ટકી રહેવા માટેના સંઘર્ષ અને તેને પૃથ્વી પર પાછા લાવવાના નાસાના પ્રયાસો દર્શાવવામાં આવ્યા છે. જેમાં અવકાશમાં બટાકા ઉગાડવાનો પ્રયોગ બહુ ઈન્ટરેસ્ટિંગ છે. તેમાં જેસિકા ચેસ્ટેન, જેફ ડેનિયલ્સ, ક્રિસ્ટન વિગ, ચિવેટેલ એજીઓફોર વગેરે પણ છે.
સ્પેસમેન(Spaceman):
આ ફિલ્મ 2024ની અમેરિકન સાયન્સ ફિક્શન ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન જોહાન રેન્ક દ્વારા કરવામાં આવ્યું છે અને જે કોલ્બી ડે દ્વારા લખવામાં આવી છે. તે જારોસ્લાવ કાલ્ફરની 2017ની નવલકથા સ્પેસમેન ઓફ બોહેમિયા પર આધારિત છે. એડમ સેન્ડલર, કેરી મુલિગન, કુણાલ નૈયર, લેના ઓલિન, ઇસાબેલા રોસેલિની અને પોલ ડેનો અભિનીત, આ ફિલ્મ એક અવકાશયાત્રીની વાર્તા કહે છે જેને સૌરમંડળના કિનારે મિશન પર મોકલવામાં આવે છે જે એક એવા પ્રાણીને મળે છે જે તેને પૃથ્વીની ઘણી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ તે બોલિવૂડનું સૌથી ખરાબ ચુંબન હતું, Hum Tum ના સ્ટાર્સે કર્યો ખુલાસો