Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુનિયા સમક્ષ ભારતનું એક અલગ સ્વરુપ ઉપસી રહ્યું છે

આખી દુનિયામાં એક સમયે ભારતની ઓળખ મરી, મસાલા અને તેજાનાનો ભંડાર ધરાવતા દેશ તરીકેની હતી. અંગ્રેજો ગયા એ પછી આખી દુનિયામાં ભારતને સાપ અને મદારીઓના દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની આખી દુનિયામાં એક જુદી છાપ ઉપસી રહી છે. પરંપરાગત દુશ્મન દેશ પાકિસ્તાન પણ આપણી વિદેશનીતિના વખાણ કરે છે. પાકિસ્તાનને દુનિયાના અનેક દેશો કોઈ ને કોઈ મુદ્દે ધમકાવે છે. પાકિસ્તાનના તતà
દુનિયા સમક્ષ ભારતનું એક અલગ સ્વરુપ ઉપસી રહ્યું છે
આખી દુનિયામાં એક સમયે ભારતની ઓળખ મરી, મસાલા અને તેજાનાનો ભંડાર ધરાવતા દેશ તરીકેની હતી. અંગ્રેજો ગયા એ પછી આખી દુનિયામાં ભારતને સાપ અને મદારીઓના દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની આખી દુનિયામાં એક જુદી છાપ ઉપસી રહી છે. પરંપરાગત દુશ્મન દેશ પાકિસ્તાન પણ આપણી વિદેશનીતિના વખાણ કરે છે. પાકિસ્તાનને દુનિયાના અનેક દેશો કોઈ ને કોઈ મુદ્દે ધમકાવે છે. પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઈમરાન ખાને જાહેરમાં કહેલું કે, કોઈની હિંમત છે ભારતને કંઈ કહી જાય? 
હજુ ગઈકાલની વાત છે. સંયુક્ત રાષ્ટ્રમાં નેધરલેન્ડના રાજદૂતે ભારતની ટીકા કરી કે, યુક્રેન રશિયાના યુદ્ધને લઈને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જે વોટિંગ થયું એમાં ભારતે ગેરહાજર રહેવું નહોતું જોઈતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટી એસ ત્રિમૂર્તિએ ટ્વીટ કરીને નેધરલેન્ડના રાજદૂતને સ્પષ્ટ ચોપડાવી દીધું કે, અમારે શું કરવું એની સલાહ તમે અમને ન આપો. હજુ થોડાં દિવસો પહેલાં અમેરિકામાં ટુ પ્લસ ટુ મિટીંગ બાદ થયેલા પ્રેસ બ્રિફીંગમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરના સ્પષ્ટ જવાબ બદલ આખી દુનિયામાં તેમની વાહવાહ થયેલી. અમેરિકાની ધરતી ઉપર જઈને અમેરિકાને મોઢામોઢ ચોપડાવી દેવા સુધીનું સ્થાન ભારતે મેળવ્યું છે. ભારતની વિદેશ નીતિ અને ભારતની પડોશી દેશોને મદદની દુનિયાના તમામ દેશોએ નોંધ લીધી છે.  
મૂળભૂત રીતે ભારત વસુધૈવ કુટુંબકમમાં માનનારો દેશ છે. ભગવાન શ્રીકૃષ્ણના મેનેજમેન્ટનો વરેલો દેશ છે. આપણને આપણાં પડોશીઓની કિંમત છે અને એમની ચિંતા પણ છે. ભારતના મેનજેમેન્ટની અને વિદેશમાં કરાઈ રહેલી મદદની ચારેકોરથી વાહવાહી થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના અધિકારીઓએ અમૃતસરની મુલાકાત લીધી. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના અધિકારીઓને આશ્ચર્ય એ વાતનું છે કે, ભારતે દસ હજાર ટન ઘઉંની નિકાસ અફઘાનિસ્તાનને કરી તે ઘઉંની ગુણવત્તા જાળવણી, એનો સંગ્રહ યોગ્ય રીતે કરીને અને સહીસલામત ટ્રાન્સપોર્ટેશન કરીને 1007 કિલોમીટર દૂર અફઘાનિસ્તાન કઈ રીતે પહોંચાડ્યા. આગામી દિવસોમાં ભારત પચાસ હજાર ટન ઘઉં અફઘાનિસ્તાનને મોકલવાનું છે. આ વ્યવસ્થા જોવા અને જાણવા માટે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના અધિકારીઓ સેંડ્રો બનલ, ફિલિપો જુનીનો, સ્ટેફની હર્ડ, અમિત વઢેરા અને શ્રુતિ અમૃતસરની મુલાકાતે આવ્યા હતા. આખી દુનિયામાં ઘઉંની ડિમાન્ડ વધી રહી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રની આ ટીમની મુલાકાત ખૂબ જ મહત્ત્વની છે. થોડાં સમય પહેલા જ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત આખી દુનિયાને જરુરી ઘઉંની ડિમાન્ડ પૂરી કરી શકે એમ છે. અમને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન બસ એકવાર કહીને તો જુએ. આ વાતની આખી દુનિયામાં નોંધ લેવાઈ છે.  
ભારત હવે એક એવો દેશ છે જેની નોંધ લીધા વગર દુનિયાને ચાલવાનું નથી. અમેરિકા હવે ભારતને ખખડીને નથી કહી શકતું કે દબાણ પણ નથી કરી શકતું. હવે ભારત કોઈ દેશની કઠપૂતળી તો નથી જ બની રહ્યું. યાદ કરો કોવિડના સમયમાં ભારતે આખી દુનિયામાં વેક્સીન મોકલી હતી. ભારતે દુનિયાના સો દેશોને અઢાર કરોડ વેક્સીનના ડોઝ એક્સપોર્ટ કર્યા છે. 64 લાખથી વધુ ડોઝ ભારતે ભેટ સ્વરુપે ગરીબ દેશોને આપ્યા છે. ભારતે દુનિયાના અનેક દેશોમાં બે કરોડથી વધુ પીપીઈ કીટ મોકલી હતી અને ચાર કરોડથી વધુ માસ્ક મદદ સ્વરુપે અનેક દેશોમાં મોકલ્યા હતા.   
પડોશી દેશ શ્રીલંકા હજુ કટોકટી સામે લડી રહ્યો છે. ત્યાં ડીઝલ, ગેસથી માંડીને નાનામાં નાની જરુરિયાત ભારતે પૂરી પાડી છે. નેપાળને મદદ કરવાની હોય કે, ભૂતાનને ભારત હંમેશાં એક મજબૂત સાથીદાર બનીને પડોશના દેશો સાથે ઊભું રહ્યું છે. માલદીવમાં કટોકટી સર્જાઈ ત્યારે ભારતે લશ્કરી મદદ પણ કરી છે. આજે પણ ભારતની આર્મી ત્યાં ફરજ બજાવે છે. ભારતની નીતિની અને ભારતની દુનિયાના દેશોને મદદની વાહવાહી થઈ રહી છે.  
અફઘાનિસ્તાનને માનવીય ધોરણે ભારત તરફથી જે મદદ થાય છે તેના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કોમોડીટી એક્સપર્ટ સ્ટેફની હર્ડે બે મોઢે વખાણ કર્યાં છે. તાલિબાનોનું શાસન આવ્યું એ પહેલાં અફઘાનિસ્તાનના વીસ રાજ્યોમાં ભારત વિકાસના કામો કરી રહ્યું હતું. રોડ, રસ્તા, ડેમ, યુનિવર્સિટી, સંસદભાવનથી માંડીને ભારતે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ પણ તૈયાર કરી હતી. તાલિબાનોનું શાસન આવ્યું ત્યારે ભારતે ત્યાં પોતાનું કામ બંધ કરી દીધું. તાલિબાનો હજુ પણ ભારતને વિનંતી કરે છે કે, તમે આવીને બાકીના પ્રોજેક્ટ્સ પૂરા કરો. વળી, ભારતના ઘઉંના ટ્રકોને  બોર્ડર પરથી પાકિસ્તાનમાં પ્રવેશ નહીં મળે એવી અવળચંડાઈ સામે ભારતે અલગ રસ્તો કાઢ્યો હતો. ભારતે અફઘાનિસ્તાન મોકલવાના ઘઉં પહેલા ઈરાન મોકલ્યા અને બાદમાં રોડમાર્ગે અફઘાનિસ્તાન મોકલ્યા. ભારતની આ ઉમદા ભાવનાની આખી દુનિયામાં નોંધ લેવાઈ રહી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનું ડેલિગેશન આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને ભારતની મુલાકાતે આવ્યું હતું. ભારતની વિદેશ નીતિ અને પડોશી રાષ્ટ્રોની મદદ કરવાની ભાવના આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. એટલે જ આજે ભારતની છાપ એક મજબૂત રાષ્ટ્રની સાથોસાથ સ્પષ્ટ, સ્વચ્છ અને ઉમદા છબીવાળી  બની ગઈ છે.
Advertisement
Tags :
Advertisement

.