CHAITRA NAVRATRI 2025: આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 8 દિવસની છે, 30 માર્ચથી થઈ રહ્યો છે પ્રારંભ
- વર્ષ 2025ની ચૈત્રી નવરાત્રિ માત્ર 8 દિવસની રહેશે
- આ વર્ષે પાંચમની તિથિનો ક્ષય
- માતાજીના મંદિરોમાં ચૈત્રી નવરાત્રિની તૈયારીઓ શરૂ
અમદાવાદઃ આ વર્ષે ચૈત્ર નવરાત્રિ તા. 30મી માર્ચના રોજ કળશ સ્થાપનાથી શરૂ થશે. વર્ષ 2025માં ચૈત્ર નવરાત્રિ માત્ર 8 દિવસની રહેશે. આ વર્ષે પાંચમની તિથિનો ક્ષય હોવાથી આ ઘટના ઘટી છે. આ વર્ષે મા દુર્ગાની પૂજા ફક્ત 8 દિવસ માટે કરવામાં આવશે. પ્રથમ દિવસે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. તેમજ સમગ્ર નવરાત્રિ દરમિયાન મા જગદંબાના વિવિધ સ્વરૂપોની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવશે.
પાંચમની તિથિનો ક્ષય
દર વર્ષે ચૈત્ર નવરાત્રિ નવ દિવસ ઉજવવામાં આવે છે પરંતુ વર્ષ 2025માં ચૈત્ર મહિનામાં પાંચમની તિથિનો ક્ષય હોવાથી આ વર્ષે નવરાત્રિ 9ને બદલે 8 દિવસ ઉજવવામાં આવશે.
ચૈત્રી નવરાત્રીને લઈને મંદિરોમાં તૈયારી
ચૈત્રી નવરાત્રિ સંદર્ભે અંબાજી, પાવાગઢ, ચોટીલા, કચ્છમાં માતાના મઢ સહિત માતાજીના દરેક નાના-મોટા મંદિરોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન આ મંદિરોમાં વિધિ પૂર્વક પૂજા કરવામાં આવશે.
માતાજીનું હાથી પર આગમન
આ વર્ષે માતા દુર્ગા હાથી પર સવાર થઈને ધરતી પર આવશે. આ એક શુભ સંકેત માનવામાં આવે છે, હાથી પર માતાનું આગમન સુખ અને સમૃદ્ધીમાં વધારો કરે છે. આ શુભ પ્રસંગે દેવી દુર્ગાની પૂજા અર્ચના કરીને ભક્તો પોતાના મનોરથો પૂર્ણ કરી શકે છે.
કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત
ચૈત્ર નવરાત્રિ પર કળશ સ્થાપન સાથે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. ઘટ સ્થાપન માટે શુભ સમય 30 માર્ચ 2025ના રોજ સવારે 6.13 થી 10.22 કલાક સુધીનો છે. તેમજ ચૈત્ર નવરાત્રિના પ્રારંભના દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12.01થી 12.50 કલાક સુધી રહેશે. આ શુભ સમયે વ્યક્તિએ કળશ(ઘટ) સ્થાપિત કરીને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ.
આ પણ વાંચોઃ Self-esteem : હું કરું... હું કરું... એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે!