Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગંગા દશેરાના દિવસે કરો આ કામ, ગંગા સ્નાન જેટલું મળશે પુણ્ય

આમ જોવા જઈએ તો ગંગા નદીને એટલી પવિત્ર નદી માનવામાં આવે છે કે તેમા સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળતી હોવાનું કહેવાય છે, અને હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીનું અનેકગણું મહત્વ દર્શાવાયું છે. સનાતન ધર્મમાં પવિત્ર ગંગા નદીનો મહિમા અપરંપાર...
09:25 PM May 29, 2023 IST | Vishal Dave

આમ જોવા જઈએ તો ગંગા નદીને એટલી પવિત્ર નદી માનવામાં આવે છે કે તેમા સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળતી હોવાનું કહેવાય છે, અને હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીનું અનેકગણું મહત્વ દર્શાવાયું છે. સનાતન ધર્મમાં પવિત્ર ગંગા નદીનો મહિમા અપરંપાર છે. તેવી જ રીતે મહર્ષિ ભૃગુજીએ પોતાના પવિત્ર ગ્રંથ શ્રી ભૃગુ સંહિતા દ્વારા ગંગા દશેરા અને નિર્જલા એકાદશીના દિવસે વિવિધ શુભ કાર્યો થકી મુશ્કેલીના ઉપાયો જણાવ્યા છે. કથા અનુસાર, ભગવાન શ્રી રામના ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા અયોધ્યાના રાજા દિલીપના પુત્ર ભગીરથને કપિલ મુનિના શ્રાપથી ભસ્મ થઇ ગયેલા તેમના પૂર્વજોના મોક્ષ માટે ગહન તપસ્યાના પ્રભાવ હેઠળ માતા ગંગાને પૃથ્વી પર લાવવાનો શ્રેય આપવામાં આવે છે. જ્યારે ગંગાજી વૈકુંઠ લોકથી પૃથ્વી પર આવ્યા અને ભગવાન શંકરે ગંગાના વેગને નિયંત્રિત કરવા માટે તેમને પોતાની જટાઓમાં સમાવી લીધા હતા. ત્યારથી તે દિવસને ગંગા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે અને જે દિવસે ગંગાજી શિવ જટાઓમાંથી બહાર આવ્યા અને પૃથ્વી પર ઉતર્યા તેને ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે.

દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમના દિવસે ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 30 મે, 2023ને મંગળવારના રોજ આ તહેવાર ઉજવવામાં આવશે. જો કે દશમી તિથિ 29 મે, 2023ના રોજ રાત્રે 11.50 વાગ્યે શરૂ થશે અને 30 મે, 2023ના રોજ બપોરે 1.09 વાગ્યે સમાપ્ત થશે. પરંતુ ઉદયા તિથિના કારણે ગંગા દશેરાનો તહેવાર 30 મેના રોજ સૂર્યોદયથી બપોરે 1.09 વાગ્યા સુધી જ ઉજવવાનું જણાવવામાં આવ્યું છે. દશમી તિથિનો પણ એક અર્થ છે કે દસ દિશામાં વિસ્તરતું. માન્યતા છે કે દશમીના દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે, તેના પ્રભાવથી કર્મ કરનાર વ્યક્તિને જે આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેના ફળસ્વરૂપે તે વ્યક્તિ દરેક જગ્યાએ સફળતાનો સ્વાદ ચાખે છે.

મહત્વનું છે કે, ગંગા દશેરા પછી બીજા જ દિવસે નિર્જળા એકાદશીનો તહેવાર પણ આવે છે. આ વર્ષે નિર્જળા એદાદશી 31 મે 2023ના રોજ ઉજવવામાં આવશે. એકાદશી તિથિ 30 મે, 2023 ના રોજ બપોરે 1.09 વાગ્યે શરૂ થશે અને 31 મે, 2023 ના રોજ બપોરે 1.47 વાગ્યે સમાપ્ત થશે. જો કે નિર્જળા એકાદશીનો તહેવાર 31 મે 2023ના રોજ સૂર્યોદયથી બપોરે 1.47 વાગ્યા સુધી ઉજવવામાં આવશે.   

કહેવાય છે કે, આ બંને દિવસોમાં પવિત્ર નદીઓ અથવા તળાવોમાં સ્નાન કરવું જોઈએ. જો તમે કોઇ પવિત્ર સ્થાન પર જઈ શકતા નથી તો તમારે ઘરના ટબમાં પાણી લઇને તેમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરવું જોઈએ. ગંગા દશેરાના દિવસે દાન પુણ્યનું ખૂબ મહત્વ છે. આ દિવસે જે કોઈ પણ ઠંડુ દૂધ, શરબત, ભોજન, ભંડારા, સાધુઓને દાન વગેરે આપે છે તે આ વિશ્વ અને પરલોક બંનેની સેવા કરી રહ્યો છે. જે વ્યક્તિ એઠાં વાસણો સાફ કરવાનું કામ કરે છે તે પોતે કરેલાં પાપો ધોવે છે. આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યોથી કેટલાય યજ્ઞો સમકક્ષ પુણ્ય પ્રાપ્ત થાય છે.

Tags :
BathingGangaGanga Dussehravirtue
Next Article