ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લક્ષ્મીજીની ઉપાસનાનો દિવસ ધનતેરસ રાજ્યના બાંધકામ શ્રમિકો માટે અન્નપૂર્ણા મહોત્સવ બન્યો

અહેવાલ - સંજય જોશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગરીબ, વંચિત અને સમાજના નાનામાં નાના માનવીને આરોગ્ય, આવાસ, આવક અને અભ્યાસ માટેની અનેક સફળ યોજનાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય મંત્ર સાથે આપી છે. મુખ્યમંત્રી...
03:15 PM Nov 10, 2023 IST | Hardik Shah

અહેવાલ - સંજય જોશી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગરીબ, વંચિત અને સમાજના નાનામાં નાના માનવીને આરોગ્ય, આવાસ, આવક અને અભ્યાસ માટેની અનેક સફળ યોજનાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય મંત્ર સાથે આપી છે. મુખ્યમંત્રી રાજ્યના બાંધકામ શ્રમિકોને પાંચ રૂપિયાના નજીવા દરે ભરપેટ ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ૧૫૫ નવા કેન્દ્રોનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.

ઊદ્યોગ તથા શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત આ અવસરે મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓએ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગરીબો, વંચીતો, પીડિતો અને છેવાડાના માનવીઓના હિતોને વરેલી સરકાર છે. તેમણે દરેક યોજનાઓમાં અંત્યોદય ઉત્થાનનો ભાવ કેન્દ્રસ્થાને રાખ્યો છે. એટલું જ નહીં, યોજનાઓ જેમના માટે બની છે તે લાભાર્થીઓ સુધી ૧૦૦ ટકા સફળતાપૂર્વક યોજના પહોંચે તેવો સેચ્યુરેશનનો વિચાર પણ તેમની પ્રેરણાથી સાકાર થઈ રહ્યો છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

Cm ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનએ કોરોના કાળમાં કોઈ ગરીબને ભૂખ્યા ન સૂવું પડે તેની ચિંતા કરીને સૌને અન્ન પહોંચાડ્યું હતું. આરોગ્ય સેવાઓ પણ આપી હતી અને કોરોના પછી નાના વેપારીઓ, ધંધો-વ્યવસાય કરનારાઓને લોન સહાય આપી આર્થિક આધાર પણ પૂરો પાડ્યો છે. ગુજરાતમાં ૩ લાખ ફેરિયાઓને આવી સહાય પી.એમ. સ્વનિધિ અન્વયે અપાઇ છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગરીબોને આવાસ અને તેમના સંતાનોને અભ્યાસની તક મળે તેની પણ ચિંતા કરીને વડાપ્રધાનશ્રીએ ગરીબો, વંચિતોના કલ્યાણ માટે સર્વ સમાવેશી, સર્વવ્યાપી વિકાસનો ધ્યેય રાખ્યો છે.

મુખ્યમંત્રીએ બાંધકામ શ્રમિકોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા બાંધકામ સાઈટ પર જ ધનવંતરી રથની સુવિધા પૂરી પાડવામાં આવે છે તેની પણ સરાહના કરી હતી. તેમણે ‘હર હાથ કો કામ અને ભૂખ્યાને ભોજન’ નો મંત્ર પાર પાડી કલ્યાણ રાજ્ય-રામરાજ્ય બનાવવાની નેમ દર્શાવી હતી. બાંધકામ શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના અન્વયે અપાતા ભોજનની ગુણવત્તા અને નિયમિતતા જળવાઈ રહે તે માટે પણ મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારત@૨૦૪૭ના આપેલા મંત્રને વિકસિત ગુજરાતના નિર્માણથી પાર પાડવા શ્રમિકો, ખેડૂતો સહિત સૌના સાથ, સૌના વિકાસનું આહવાન કર્યું હતું. ભારતીય મજદૂર સંઘના સ્થાપક દત્તોપંત ઠેંગડીનાં ૧૦૪માં જન્મદિને શ્રમિકોના કલ્યાણના આ સેવાયજ્ઞને તેમણે ઉપયુક્ત ગણાવ્યો હતો. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પોષણ અભિયાનને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં પણ શ્રમિકોને પૂરતું પોષણ મળી રહે અને તેમનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે શ્રમિક અન્નપુર્ણા યોજના શરુ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૧૧૮ કડિયાનાકા પર શ્રમિક ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત હતા, તેને મળેલા શ્રમિકોના ખૂબ જ બહોળા પ્રતિસાદ અને શ્રમિકોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને નવા શરૂ કરવામાં આવનારા ૧૫૫ કેન્દ્રો સહિત ૧૭ જીલ્લામાં કુલ ૨૭૩ કડિયાનાકા પરથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધણી કરાવેલ હોય તેવા બાંધકામ શ્રમિકોને પોતાના પૂરા પરિવાર માટે એક ટંકનું ભોજન મળશે. રાજ્યભરમાં આશરે ૭૫,૦૦૦ જેટલાં શ્રમિકો લાભાન્વિત થશે. મુખ્યમંત્રીશ્રીએ પોતે વૈષ્ણોદેવી ખાતે નવા શરૂ થયેલ ભોજન કેન્દ્રની મુલાકાત લઈને શ્રમિકો સાથે બેસીને ભોજન કર્યું હતું તેની વિગતો તેમણે આપી હતી.

મંત્રીએ જણાવ્યું કે, કોરોનાના કપરાં સમયે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર શ્રમિકોની પડખે ઊભી રહી હતી કુલ રૂપિયા ૧૫૦૦ કરોડ ફાળવીને ત્રણ લાખથી વધુ શ્રમિકોના રહેવાની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હતી. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે કુલ ૨૦ જેટલી યોજનાઓ અમલમાં છે. કુલ બે કરોડ જેટલા શ્રમિકોને રાજ્ય સરકારે વેતનમાં ૨૫% નો વધારો આપ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉદ્યોગોને કૌશલ્ય યુક્ત શ્રમબળ પૂરું પાડવાના ધ્યેય સાથે 'કૌશલ્યા - ધ સ્કીલ યુનિવર્સિટી'ની સ્થાપના પણ કરવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્માએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બાંધકામ શ્રમિક ભાઈ-બહેનોના કલ્યાણ માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સતત ચિંતા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સહિત મહાનુભાવોના હસ્તે શ્રમિક પરિવારોને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. શ્રમિકોને પ્રતિક સ્વરૂપે ટિફિન અને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Ahmedabad : ઘી ગુડ રેસ્ટોરન્ટ આવી વિવાદમાં,ગ્રાહકે મંગાવેલ સીંગદાણામાંથી નીકળી ઇયળ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Annapurna festivalconstruction workersDhanterasDiwaliDiwali FestivalGujarat FirstLakshmi's worship
Next Article
Home Shorts Stories Videos