હોંગકોંગને પછાડીને આગળ નીકળ્યું ભારત...બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ
ભારતીય બજારને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે . બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત હોંગકોંગ(Hong Kong) ને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. ભારતીય એક્સચેન્જો પર સૂચિબદ્ધ શેરોનું કુલ મૂલ્ય સોમવાર સુધીમાં $4.33 ટ્રિલિયન સુધી પહોંચ્યું હતું, જેની સરખામણીમાં હોંગકોંગ માટે $4.29 ટ્રિલિયન હતું.
શેરોનું સંયુક્ત મૂલ્ય 4.33 ટ્રિલિયન ડોલર પહોંચ્યું
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારતના શેરબજારે પ્રથમ વખત વૈશ્વિક સ્તરે ચોથા સૌથી મોટા ઇક્વિટી માર્કેટ તરીકે હોંગકોંગ(Hong Kong) ને પાછળ છોડી દીધું છે. ભારતની શેરબજાર મૂડી પ્રથમ વખત $4.29 ટ્રિલિયનને વટાવી ગઈ હતી. ભારતીય શેરબજારમાં ઝડપથી વિકસતા છૂટક રોકાણકારોનો આધાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) તરફથી સતત ભંડોળનો પ્રવાહ, મજબૂત કોર્પોરેટ કમાણી અને સ્થાનિક મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સમાં સુધારો થવાથી ભારતીય શેરબજારને વેગ મળ્યો છે.
વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારતે તેના સ્થિર રાજકીય માળખા અને ગ્રાહક આધારિત અર્થવ્યવસ્થાને કારણે વૈશ્વિક રોકાણકારો અને કંપનીઓ તરફથી નવી મૂડી આકર્ષિત કરીને ચીનના વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરી છે. હાલમાં, ભારત સૌથી ઝડપથી વિકસતા મોટા દેશોમાંનો એક છે.
ટોચના સ્તરથી $6 ટ્રિલિયનથી વધુ ઘટી ગયું
બીજી તરફ, હોંગકોંગના બજારો, જ્યાં ચીનની કેટલીક સૌથી પ્રભાવશાળી સ્ટાર્ટઅપ કંપનીઓ લિસ્ટેડ છે, તેમાં ઘટાડો થયો છે. ચાઈનીઝ અને હોંગકોંગના શેરોનું કુલ બજાર મૂલ્ય 2021માં ટોચના સ્તરથી $6 ટ્રિલિયનથી વધુ ઘટી ગયું છે. બેઇજિંગના કડક કોવિડ-19 પ્રતિબંધો, કોર્પોરેશનો પર સરકારી એજન્સીઓ દ્વારા કડક કાર્યવાહી, રિયલ્ટી સેક્ટરમાં કટોકટી અને પશ્ચિમ સાથેના ભૌગોલિક રાજનૈતિક તણાવના કારણે વિશ્વના વિકાસ એન્જિન તરીકે ચીનની અપીલમાં ઘટાડો થયો છે, બ્લૂમબર્ગ અહેવાલ આપ્યો છે.
એશિયાની નાણાકીય પ્રવૃત્તિનું કેન્દ્ર
બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, હોંગકોંગ (Hong Kong) જે એક સમયે એશિયાની નાણાકીય પ્રવૃત્તિનું કેન્દ્ર હતું, તે પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે વિશ્વના સૌથી લોકપ્રિય બજારોમાંના એક તરીકેનું સ્થાન ગુમાવી રહ્યું છે કારણ કે હોંગકોંગમાં નવી સૂચિઓ લગભગ અટકી ગઈ છે.
આ પણ વાંચો - Stock Market : રામ મંદિરની પ્રતિષ્ઠા બાદ આ 10 શેરોમાં મોટો ઉછાળો