Pahalgam Terror Attack : ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા
- પિતા-પુત્રના પાર્થિવ દેહને ગઈકાલે મોડી રાતે ભાવનગર લાવવામાં આવ્યા
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ રાત્રી રોકાણ ભાવનગરમાં કર્યું
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંતિમયાત્રામાં હાજરી આપી
Pahalgam Terror Attack : જમ્મુ કાશ્મીર ગયેલા ભાવનગરના 20 લોકોના સમૂહમાં પિતા-પુત્રનું આંતકવાદી હુમલામાં મોત થયું છે ત્યારે પિતા-પુત્રના પાર્થિવ દેહને ગઈકાલે મોડી રાતે ભાવનગર લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ રાત્રી રોકાણ ભાવનગરમાં કર્યું છે. તેમજ સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંતિમયાત્રામાં હાજરી આપી છે તથા મુખ્યમંત્રી સહિતના ઘણા અગ્રણીઓએ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપી છે.
મૃતક સ્મિત પરમારના માતા કાજલબેને હૈયાફાટ રૂદન કર્યું
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા અને અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહને જોતા જ મૃતક યતીશભાઈ પરમારના પત્ની અને મૃતક સ્મિત પરમારના માતા કાજલબેને હૈયાફાટ રૂદન કર્યું હતું. પિતા-પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સામેલ થયા હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, ચેરમેન રાજુભાઈ રાબડીયા, કલેકટર ડો.મનીષ બંસલ તથા નગરસેવકો સહિત અધિકારીઓ પણ સામેલ થયા હતા.
કાશ્મીરમાં ચાલી રહેલી મોરારી બાપુની કથામાં ભાગ લેવા માટે ગયા હતા
ગત 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સહેલાણીઓ ઉપર થયેલા આંતકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને હાથમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત હાલતે હજુ પણ કાશ્મીરમાં સારવાર લઈ રહ્યા છે. મૃતક પિતા-પુત્રના પાર્થિવ દેહને કાશ્મીરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મોડી રાતે ભાવનગર લાવવામાં આવ્યા હતા. ભાવનગર શહેર અને જિલ્લામાંથી કુલ 20 લોકોનું એક ગ્રુપ કાશ્મીરમાં ચાલી રહેલી મોરારી બાપુની કથામાં ભાગ લેવા માટે ગયું હતું. જેમાં કેટલાક લોકો પહલગામ ફરવા માટે ગયા હતા.
22 તારીખના બપોરના સમયે આંતકવાદીઓએ પહલગામમાં હુમલો કર્યો
22 તારીખના બપોરના સમયે આંતકવાદીઓએ પહલગામમાં હુમલો કર્યો અને વિનુભાઈ ડાભી નામના વ્યક્તિને જમણા હાથના બાવડા ઉપર ગોળી વાગી હતી, જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે હાથના ભાગે માત્ર ગોળી પસાર થઈને નીકળી હતી જેથી તેમને સામાન્ય ઈજા થઈ હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલાની ઘટના દિવસે પિતા-પુત્ર વિશે કોઈ સમાચાર મળ્યા નહોતા. જો કે તે દિવસે મોડી રાત્રે સમાચાર આવ્યા હતા કે પિતા-પુત્રનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય લોકો સુરક્ષિત છે. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં નંદનવન સોસાયટી પાસે રહેતા યતિશભાઈ પરમાર આશરે 55 વર્ષીય અને તેમનો પુત્ર આશરે 25 વર્ષીય સ્મિત પરમાર આંતકવાદીઓના હુમલાનો ભોગ બનતા મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું હતું, તેને લઈને ભાવનગરના કલેકટર દ્વારા પણ જાહેર કરાયું હતું.
આ પણ વાંચો: Pahalgam Terror Attack : મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ સાંસદ સી.આર.પાટીલ સમક્ષ વ્યથા ઠાલવી