ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ.પૂ. મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્વયંસેવક સભા યોજાઇ

પ.પૂ. મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્વયંસેવક સભા અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવમાં સેવારત સ્વયંસેવકોની વિશિષ્ટ પ્રેરણા સભા    ‘શિસ્ત’, ‘શૈલી’ અને ‘ સંપ’ – થીમ પર પ્રેરણાદાયી વિડિયો, સંવાદો અને BAPS સંસ્થાના વરિષ્ઠ સંતોના પ્રવચનો દ્વારા સ્વયંસેવકોએ દૃઢ કર્યો સેવાનો આદર્શ ૪૫ જેટલાં વિભાગોમાં સંતોની નિશ્રામાં સેવારત ૮૦,૦૦૦ સ્ત્રી-પુરુષ સ્વયંસેવકોનો દિવસ
02:31 PM Dec 12, 2022 IST | Vipul Pandya
  • પ.પૂ. મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્વયંસેવક સભા 
  • અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવમાં સેવારત સ્વયંસેવકોની વિશિષ્ટ પ્રેરણા સભા    
  • ‘શિસ્ત’, ‘શૈલી’ અને ‘ સંપ’ – થીમ પર પ્રેરણાદાયી વિડિયો, સંવાદો અને BAPS સંસ્થાના વરિષ્ઠ સંતોના પ્રવચનો દ્વારા સ્વયંસેવકોએ દૃઢ કર્યો સેવાનો આદર્શ 
  • ૪૫ જેટલાં વિભાગોમાં સંતોની નિશ્રામાં સેવારત ૮૦,૦૦૦ સ્ત્રી-પુરુષ સ્વયંસેવકોનો દિવસ-રાત ભક્તિમય પુરુષાર્થ
  • ૪૫૦૦ જેટલાં બાળ-બાલિકા સ્વયંસેવકો/સ્વયંસેવિકાઓ દ્વારા સંચાલિત થશે મનોહર, પ્રેરણાદાયી બાળ નગરી - શિસ્ત, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર, સંસ્કૃતિના પાઠ દૃઢ કરાવશે આ અદ્ભુત બાળનગરી  
આગામી ૩૦ દિવસ સુધી સમગ્ર વિશ્વને પ્રમુખસ્વામી મહારાજનાં વૈશ્વિક કાર્ય અને મૂલ્યોની પ્રેરણા સમગ્ર વિશ્વમાં જ્યાંથી પ્રસારિત થવાની છે તેવા પ્રમુખસ્વામી નગરમાં સંસ્થાના કરોડરજ્જુ સમાન સ્વયંસેવકોની વિશિષ્ટ સભાનું આયોજન થયું હતું.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રત્યક્ષ આશીર્વચન વરસાવ્યા
શતાબ્દી મહોત્સવનના ઉદ્ઘાટન સમારોહને માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સ્વયંસેવકોની આ વિરાટ સભાને સંબોધીને સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રત્યક્ષ આશીર્વચન વરસાવ્યા હતા. સાંજે ૫ વાગ્યે આ સભાનો આરંભ થયો હતો. આ સભાકાર્યક્રમમાં ‘શિસ્ત’, ‘શૈલી’ અને ‘સંપ’ – આ ત્રણેય ગુણો કેળવીને સ્વયંસેવકોએ કેવી રીતે આદર્શ સેવક બનવાનું છે તેની વિવિધ રોચક, પ્રેરણાત્મક પ્રસ્તુતિઓ દ્વારા દૃઢતા કરાવવામાં આવી હતી. 
પૂ.યજ્ઞપ્રિય સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર એવા પૂ. ઈશ્વરચરણ  સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના જીવનમાંથી કેવી ઉત્તમ રીતે સેવાકાર્ય કરવાનું છે તેની સમજણ દૃઢ કરાવી હતી. 
મહોત્સવ યથાશક્તિ ઋણ ચૂકવવાનો અવસર 
કાર્યક્રમના અંતમાં આ મહોત્સવના પ્રેરણામૂર્તિ અને જેમણે સતત માર્ગદર્શન અને પ્રેરણાવચનો દ્વારા સંતો - સ્વયંસેવકોને આ મહોત્સવમાં યાહોમ કરવાની હાકલ કરી એવા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામીએ પોતાનું સમગ્ર જીવન અન્યોને કાજે સમર્પિત કરી દીધું. તેમનું ઋણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી. આ મહોત્સવ તેમનું યથાશક્તિ ઋણ ચૂકવવાનો અવસર છે. સ્વયંસેવકોની તનતોડ, નિ:સ્વાર્થ સેવાને તેમણે હ્રદયપૂર્વક વધાવી હતી.  
 આબાલ -વૃદ્ધ- સ્ત્રી- પુરુષ સૌ કોઈ અહી સાચા ભાવથી સમર્પિત
ઉલ્લેખનીય છે કે અહી સેવારત હજારો સ્વયંસેવકોમાં, કોઈ ઉદ્યોગપતિ છે, તો કોઈ સરકારી પદાધિકારીઓ છે, કોઈ સામાજિક પ્રતિષ્ઠિત અગ્રણી છે, તો કોઈક સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે, કોઈક સ્વાસ્થ્યની મુશ્કેલીજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તો કોઈક સામાજિક પ્રસંગોના આયોજનો વિચારી રહ્યા હતા,  પરંતુ પોતાના પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ ઉત્સવમાં સ્વયંસેવકોએ ધંધા-વ્યવસાય, કોઈક સામાજિક પ્રસંગો ઠેલીને તો કોઈક પોતાની નોકરીમાંથી રજા લઈને સેવામાં જોડાયા છે. આબાલ -વૃદ્ધ- સ્ત્રી- પુરુષ સૌ કોઈ અહી સાચા ભાવથી સમર્પિત થયાં છે. 

સ્વયંસેવકોની અસંખ્ય પ્રેરણાદાયી ગાથાઓમાં એક દૃષ્ટિ : 
ગાંધીનગરના બેન્ક ઓફ બરોડામાં પૂર્વે  ડેપ્યુટી રિજીઓનલ મેનેજર તરીકે અને ત્યારબાદ ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફ BoB, લંડન માટે ફરજ બજાવતા પુરુષોત્તમ ભાલિયા પ્લમ્બિંગ કામ અને બાંધકામમાં સેવા માટે શતાબ્દીની સેવામાં શરૂઆતથી આવી ગયા. 
અમદાવાદના ભૂપતભાઈ કાટેલિયા તેમના મિસ્ત્રીકામના વ્યવસાયમાં દેશની પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપનીમાંથી આશરે ૪ વર્ષ સુધી ચાલે તેટલાં મોટા કોન્ટ્રાક્ટ છોડીને શતાબ્દી સેવામાં સમર્પિત થઈ ગયા. 
અમરેલીના પ્રિયાંક પટોડીયાએ B.E. (બાયોમેડીકલ એન્જી.) નો અભ્યાસ GTU માંપૂર્ણ કરીને ઇન્ટર્નશીપ પૂર્ણ કરી. કેનેડા સેન્ટેન્યોલ કોલેજમાં માસ્ટર ડિગ્રીમાં બાયોમેડીકલ એન્જી.માં પ્રવેશ લીધો હતો. વિઝા આવી ગયા હતા અને ફી પણ ભરી દીધી હતી, પરંતુ તેઓ છ મહિના સેવામાં આવી ગયા.
અમદાવાદના કમલેશભાઇ પટેલે પોતાની ફ્લેટ સ્કીમ ‘ગણેશ જીનેસીસ’ ના નવા જ બનાવેલા 168  ફ્લેટ હરિભક્તો અને સ્વયંસેવકોના ઉતારા માટે  આપ્યા છે અને પોતે પાણી વિભાગમાં, બાંધકામ વિભાગમાં વગેરે સેવાઓમાં જોડાયા.  
મુંબઈના વિવેક વાલીયાએ CA ની જૂનમાં પ્રિલિમિનરી પરીક્ષા આપી અને ૫૦ દિવસની સેવામાં જોડાય. તેમની CA ની બીજી પરીક્ષા ડિસેમ્બરમાં આવવાની હોવાથી ઘરે જવાનું હતું, પરંતુ નગરમાં સેવાનો માહોલ જોઈને CA ની બીજી પરીક્ષાને છોડીને મહોત્સવની સેવા ચાલુ રાખી છે. 
પાલનપુરના જયંતીભાઈએ શતાબ્દી મહોત્સવમાં સેવા થઈ શકે તે માટે પોતાની પાસેના ૧૦ જેટલાં  ઢોર ઢાંખર હતા તે વેચીને ફક્ત ખેતીનો વ્યવસાય રાખ્યો અને ૧૨૦ દિવસની સેવામાં આવી ગયા. પ્રમુખસ્વામી મહારાજનો તેઓ પોતાને વ્યસનમુક્ત કરી જીવન ઉત્કર્ષ કરવા બદલ આભાર માની  રહ્યા છે.
સુરતના ધીરેનભાઇ પટેલ, જેમની સુરતમાં ઍલ્યુમિનિયમની મોટી ફેક્ટરી છે, સાથે સાથે વાપી, નવસારી, અમદાવાદમાં પણ જેમની ફેક્ટરીઓમાં 500 વ્યક્તિઓ કાર્ય કરે છે અને એક હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે, તેમણે બાંધકામ વિભાગમાં તગારા ઊંચકવા, ઈંટો ઉપાડવી, સિમેન્ટ-કપચી ભરવા વગરે સેવાઓ કરી છે.   
અમેરિકામાં એડિસનમાં રહેતા કમલેશ ટીંબડિયાએ  અમેરિકામાં નિર્માણાધીન અક્ષરધામમાં ૮  મહિનાઓ સુધી  સેવા બજાવી અને  પોતાની ફાર્મસી સ્ટોરમાં નોકરી છોડીને શતાબ્દી મહોત્સવમાં 45 દિવસની સેવામાં જોડાયા છે, અને તેમની સાથે અન્યોને પણ પ્રેરણા આપી અહી સેવામાં બોલાવ્યા છે. 
શતાબ્દી મહોત્સવના સમગ્ર આયોજનમાં સંતો અને  સ્વયંસેવકો દ્વારા દરેક  વિભાગની સેવાનું ઊંડું આયોજન, શિસ્ત અને સેવા-સમર્પણની ભાવનાઓ સૌને નતમસ્તક કરી દે તેવી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BAPSGujaratFirstMahantswamyMaharajShatabdiMahotsav
Next Article