Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અભાવને પગલે થયેલો સંઘર્ષ વધુ સફળતા અપાવે?

મજૂરી કરતા પિતાની દીકરી 99.99 પર્સેન્ટાઈલ લાવી.  શાકભાજી વેંચતા પિતાની દીકરી જજ બની.  પારકાં કામ કરતી માતાની દીકરી પહેલા નંબરે આવી.  દર વર્ષે દસમા અને બારમા ધોરણના પરિણામો આવે ત્યારે આ પ્રકારના કિસ્સાઓ ચમકતાં રહે છે. સરસ્વતી માતાની કૃપા રુપિયાવાળાના ઘરે જ પગલાં કરે છે એ વાત દર વખતે આ પરિણામોના સમાચારો ખોટી પાડે છે. આજે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડના બોર્ડના પરિણામો આવ્યા. તમામમાં ઉડ
અભાવને પગલે થયેલો સંઘર્ષ વધુ સફળતા અપાવે
મજૂરી કરતા પિતાની દીકરી 99.99 પર્સેન્ટાઈલ લાવી.  

શાકભાજી વેંચતા પિતાની દીકરી જજ બની.  

પારકાં કામ કરતી માતાની દીકરી પહેલા નંબરે આવી.  
દર વર્ષે દસમા અને બારમા ધોરણના પરિણામો આવે ત્યારે આ પ્રકારના કિસ્સાઓ ચમકતાં રહે છે. સરસ્વતી માતાની કૃપા રુપિયાવાળાના ઘરે જ પગલાં કરે છે એ વાત દર વખતે આ પરિણામોના સમાચારો ખોટી પાડે છે. આજે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડના બોર્ડના પરિણામો આવ્યા. તમામમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે, ગરીબાઈ આંટો દઈ ગઈ હોય એવા પરિવારનો સંતાનો વધુ માર્કસ લાવ્યા છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, દીકરીઓ વધુ માર્કસ સાથે દીકરાઓ કરતા આગળ આવી છે.  
કાળી મજૂરી કરતો હોય એવી વ્યક્તિ હોય કે પછી પારકાં કામ કરતી સ્ત્રી દરેક વાલીનું એક જ સપનું હોય છે કે એનું સંતાન ભણે. આપણી આસપાસ એવા અનેક કિસ્સાઓ છે જેમાં પોતાની આગામી પેઢીમાંથી જો એકાદ સંતાન ભણીને આગળ વધે તો પરિવારનો બેડો પાર થઈ જાય એવું સપનું જોવાય છે. એક વ્યક્તિ સફળતા પામે એના પગલે પરિવારના કેટલાંક લોકોનું જીવનસ્તર ઊંચું  આવી જાય છે એ આપણે સહુ જાણીએ છીએ. એક વ્યક્તિ આગળ વધે એટલે આખો પરિવાર ઉંચકાઈ જાય એવા કિસ્સાઓની કમી નથી.  
મા-બાપને સંઘર્ષ કરતાં જોઈને સંતાનો વધુ મહેનત કરે છે. ટ્યૂશન વગર કે ઘરકામ કરતાં કરતાં પણ આ સંતાનો સફળતા પામે છે. આ જોઈને એક વિચાર આવી જાય કે, શું અભાવ તમને વધુ મહેનત કરવા માટે પ્રેરે છે. કંઈક ખૂટે છે એ મેળવવા માટે મહેનત કરવી જરુરી છે એ વાત ગરીબ વર્ગના સંતાનો વહેલા શીખી જાય છે કે શું? કંઈક એવું છે જે, પોતાની અને પોતાના મા-બાપની જિંદગીને સરળ કરવા માટે આ બાળકો નાની ઉંમરમાં સમજી જાય છે. સફળતાના પગલે નોકરી કે બિઝનેસમાં બરકત આવવાની છે. રુપિયા આવે એટલે જીવનસ્તર ઊંચું જવાનું છે. એની સામે બધું જ જેમને આસાનીથી મળી જાય છે ત્યાં ઘણુંબધું ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાઈ જાય છે કે શું? જે પ્રમાણમાં ગરીબ ઘરના સંતાનોને સારા માર્કસ મળે છે એની સામે ધનાઢ્ય પરિવારમાં સારા માર્કસ ઓછાં સંતાનોને મળે છે ખરાં?  આ સવાલ પણ મનમાં આવી જાય છે. કરિયર માટે ફોક્સડ હોય એવા બાળકો પૈસાદાર પરિવારના હોય કે ગરીબ પરિવારના એ સફળતા પામીને જ રહે છે. તેમ છતાં રુપિયાની કદર અને મહેનતના ફળ ચાખવા માટે ભણતર જરુરી છે.  
ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવતા ગોવિંદભાઈ ધોળકિયાના પરિવારમાં એક વાત ઉદાહરણીય છે. પરિવારના બિઝનેસમાં સામેલ થવા માગતા યુવકોને એક કડક પરીક્ષા આપવી પડે છે. થોડાં મહિનાઓ માટે એમને થોડી મૂડી આપીને હોમસ્ટેટથી દૂર કમાવવા માટે મોકલવામાં આવે છે. મા-બાપ કે ભાઈ-બહેનો સાથે વાત નહીં કરવાની. આખો પ્લાન જેમણે ઘડ્યો હોય એ ઘરના વડીલ સાથે જ વાત કરવાની. પંદર દિવસથી વધુ કોઈ નોકરી નહીં કરવાની. સાથે આપેલી મૂડી ઈમરજન્સી સિવાય નહીં વાપરવાની. આ અને આવા અનેક નિયમો સાથે પરિવારના યુવકોને ભણ્યા પછી કમાવવા માટે મોકલવામાં આવે છે. બધું જ સરળતાથી મળી ગયું હોય પણ નાના માણસની જેમ ઓછું કમાઈને કેવી રીતે ગુજરાન ચલાવવું અને નાના માણસો સાથે કેમ વર્તન કરવું એની સમજ આ પ્રકારના પ્રયોગોથી એમની નવી પેઢીના યુવકોમાં આપોઆપ આવી જાય છે.  
 થોડાં સમય પહેલાં એક સ્પીચ બહુ વાયરલ થયેલી. અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડી એરોન મેકીએ  એના કોચ જહોન ચનેય પાસેથી એક વાત શીખી હતી. એ એણે કહેલી. એના કોચે એરોનને કહેલું કે, મારા દાદા રોજ દસ માઈલ ચાલીને કામે જતાં. મારા પિતા પાંચ માઈલ ચાલીને જતાં. હું કેડીલેકમાં ફરું છું. મારો દીકરો મર્સિડીઝમાં ફરે છે. મારો પૌત્ર ફેરારીમાં ફરશે. પણ મારો  પ્રપૌત્ર ફરી ચાલીને એનો સંઘર્ષ કરશે. એરોને એના કોચને પૂછ્યું કે, એવું કેમ? ત્યારે એના કોચ જહોને જવાબ આપેલો કે, ખરાબ સમય માણસને મજબૂત બનાવે છે. મજબૂત માણસ વર્તમાનને સરળ બનાવે છે. સરળ  સમય જિંદગીને સવલતવાળી બનાવે છે. સવલતો સાથે ઉછરતી પેઢી નબળી બને છે. નબળી વ્યક્તિ ફરી સંઘર્ષ સાથે જીવે છે. સંઘર્ષ ફરી તમને મજબૂત બનાવે છે. માટે તમારે આવનારી પેઢીને મજબૂત બનાવવાની છે.   
સરવાળે સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. બહુ સરળતાથી મળી જતું હોય છે એની આપણને જલદીથી કિંમત નથી થતી. એટલે જ કદાચ અભાવ તમને વધુ મહેનત કરવા તરફ પ્રેરે છે. અભાવમાં જીવવું અને બધું જ હોય ને જિંદગી જીવવી એમાં બહુ ફરક છે. સફળતા તો મહેનત કરનારને જ મળે છે. આવનારી પેઢી કેવી બનાવવી છે મજબૂત કે નબળી એ તમારો અત્યારનો સમય અને સંઘર્ષ જ નક્કી કરશે. અભાવમાં થતો સંઘર્ષ અને બધું જ હોય અને થતો સંઘર્ષ બંનેમાં મોટો ફરક છે. ગરીબ લોકોના સંતાનોને સફળતા મળે, સારા માર્કસ મળે એ કરિયરમાં આગળ વધે એનાથી આખી પેઢી તરી જવાની છે. આવનારી પેઢી કેવી હોવી જોઈએ એનું ઘડતર તમારા સંઘર્ષમાં છૂપાયેલું છે.
Advertisement
Tags :
Advertisement

.