ઉત્તરકાશીની સુરંગમાં જીવન માટે સંઘર્ષ, રેસ્ક્યૂ ટીમના સભ્યએ આપી જાણકારી
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રા માટે તૈયાર કરાઇ રહેલી એક વિશાળ ટનલનો મોટો હિસ્સો ધસી પડયો હતો. જેને કારણે આ ટનલમાં કામ કરી રહેલા મજૂરો છેલ્લા ૧૧ દિવસથી ફસાયેલા છે. આ મજૂરોને બહાર કાઢવા માટે ઘણા દિવસથી ચાલી રહેલુ રેસ્ક્યૂ ઓપરેશન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ગુરુવાર સુધીમાં આ તમામ મજૂરોને બહાર કાઢી લેવામાં આવે તેવી શક્યતાઓ છે. સરકારે બુધવારે સાંજે ચાર વાગ્યે જણાવ્યું હતું કે મજૂરો હવે માત્ર થોડા જ મિટર દૂર છે. ઓગર મશીનથી મોટી પાઇપ ટનલમાં મજૂરો સુધી પહોંચાડવામાં આવી રહી છે, મજૂરો જે સ્થળે છે ત્યાંથી પાઇપ માત્ર ૧૦ મિટર જ દૂર છે.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Girish Singh Rawat, one of the members of the rescue operation team says, " Rescue operation is almost in the last stage, I hope the result will come in 1-2 hours...pipeline is being inserted to take out the workers...the steel… pic.twitter.com/Wp9EL5yZ5n
— ANI (@ANI) November 22, 2023
હરપાલ સિંહે કહ્યું હતું કે , "હું હમણાં જ ટનલની અંદરથી આવ્યો છું. હું ઝોજિલા ટનલના નિર્માણમાં કામ કરી રહ્યો છું અને અહીં રેસ્ક્યૂ ઓપરેશનનો ભાગ છું. થોડા સમય પહેલા ડ્રિલિંગ દરમિયાન ચાર લોખંડના સળિયા ટનલની અંદર આવી ગયા હતા. જેના કારણે ડ્રિલિંગનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમ ગેસ કટર મશીન દ્વારા સળિયાને કાપવાનો પ્રયાસ કરી રહી છે. મને આશા છે કે આગામી દોઢથી બે કલાકમાં એનડીઆરએફની ટીમ ગેસ કટર મશીન દ્વારા સળિયાને કાપશે. ત્યાર બાદ આશરે 12 મીટરની બે પાઈપલાઈન ડ્રિલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. મને આશા છે કે સવારે 8:30 વાગ્યા સુધીમાં કામદારોને બચાવવાની કામગીરી શરૂ થઈ જશે."
સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે અને તબીબોને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. 15 ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. સ્થળ પર 12 એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.ઉત્તરકાશી જિલ્લામાં ચારધામ યાત્રા રૂટ પર નિર્માણાધીન સિલક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો, જેના કારણે કાટમાળની બીજી તરફ કામદારો ફસાયા હતા, તેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. સોમવારે બચાવદળના સભ્યો કાટમાળમાંથી 53 મીટર લાંબી છ ઇંચની પાઇપલાઇન નાખવામાં સફળ રહ્યા હતા, જેના દ્વારા કામદારોને વધુ ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
ઉત્તરકાશીની ટનલના આ અકસ્માત બાદ હવે દેશભરની ટનલોનું વિશેષ ઓડિટ કરવામાં આવશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરની મોટી અને મહત્વની ટનલોની સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ઉત્તરકાશીની ટનલમાં ૧૨મી નવેમ્બરના રોજ અકસ્માત સર્જાયો હતો. ટનલમાં કામ કરી રહેલા મજૂરોને અકસ્માત સમયે ઇમર્જન્સીમાં બહાર કાઢવા માટે કોઇ બેકઅપ પ્લાન નહોતો તેવા અહેવાલો પણ સામે આવ્યા હતા. જેથી ટનલોની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. આ સ્થિતિ વચ્ચે હવે દેશભરની ટનલોની તપાસનો નિર્ણય લેવાયો છે. જે ટનલોનું કામ હાલ ચાલી રહ્યું છે તેના માટે વિશેષ નિષ્ણાતોની ટીમ તૈયાર કરાઇ છે. જે સાત દિવસમાં પોતાનો રિપોર્ટ રજુ કરશે. હાલમાં દેશભરમાં આશરે ૨૯ જેટલી ટનલોનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. જેમાં ૧૨ હિમાચલ પ્રદેશ અને છ જમ્મુ કાશ્મીર જ્યારે બે મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં આવેલી છે. મ. પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ એક એક ટનલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો -PM મોદીએ G-20 વર્ચ્યુઅલ સમિટમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કહી આ મોટી વાત