Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રમાં કાગળ પર ધારાસભ્યની હાજરી કલહને તારશે?

છેલ્લા ચાર દિવસથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલું ધમાસાણ ક્યા પરિણામો સુધી પહોંચશે એ છાતી ઠોકીને કોઈ કહી શકે એમ નથી. જે હોય તે સામે આવીને કહો. ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત લગભગ એક જ ભાષા બોલે છે. જે ઘટનાક્રમ ભજવાઈ રહ્યો છે એ જોઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.  એકનાથ શિંદે કે ઉદ્ધવ ઠાકરે બેમાંથી કોઈએ એકબીજા સામે સીધી રીતે આક્ષેપબાજી કરી નથી. અણગમો ક્યાંય મિડીયાની સામે દેખાતો નથી. હા, પત્ર લખીને વà
મહારાષ્ટ્રમાં કાગળ પર ધારાસભ્યની હાજરી કલહને તારશે
છેલ્લા ચાર દિવસથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલું ધમાસાણ ક્યા પરિણામો સુધી પહોંચશે એ છાતી ઠોકીને કોઈ કહી શકે એમ નથી. જે હોય તે સામે આવીને કહો. ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત લગભગ એક જ ભાષા બોલે છે. જે ઘટનાક્રમ ભજવાઈ રહ્યો છે એ જોઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.  
એકનાથ શિંદે કે ઉદ્ધવ ઠાકરે બેમાંથી કોઈએ એકબીજા સામે સીધી રીતે આક્ષેપબાજી કરી નથી. અણગમો ક્યાંય મિડીયાની સામે દેખાતો નથી. હા, પત્ર લખીને વાત વહેતી કરાઈ. એકનાથ શિંદેની બોડી લેંગ્વેજ સ્પષ્ટપણે બતાવે છે કે, પડદાંની પાછળ દોરી ખેંચવાવાળું કોઈ છે. ક્લિયર કટ કોઈ બોલતું નથી પણ બધું જ સ્પષ્ટ હોય એવું લાગ્યા વગર રહેતું પણ નથી. એક સ્ક્રીપ્ટ લાંબા સમયથી લખાઈ ગઈ હોય જેની ભજવણી થઈ રહી હોય એવું સતત દેખાઈ રહ્યું છે.  
શિવસેનાના 56 ધારાસભ્યોમાંથી એક-બે નહીં પણ સાડત્રીસ ધારાસભ્યો રાજધાની છોડીને જઈ રહ્યા હોય અને મુખ્યમંત્રીને  ગંધ ન આવે એ વાત કેમ ગળે નથી ઉતરતી? જે હોય એ સામે આવીને કહો એવી વાત વારંવાર કહેવાઈ પછી લેટેસ્ટ અપડેટ એ છે કે, એકનાથ શિંદે ગુવાહાટીથી મુંબઈ આવવા નીકળી ગયા છે.  
રાજ્યસભાના સાંસદ સંજય રાઉતના તેવર આજે કંઈક જુદા જ છે. આક્રમકતા એમનો સ્વભાવ છે એ દેખાઈ રહ્યું છે. શરદ પવારને ધમકી અપાઈ રહી હોવાની વાત કરી અને તેમણે કહ્યું કે, આંકડો ખાલી કાગળ ઉપર છે. શિવસેના સાગર છે. આવી લહેરો તો આવે ને જાય. એમની વાત સાચી પણ ક્યારેક તમારી લહેરોનું વમળ સર્જાય તો તમને પણ ડૂબાડી દે. 
ભારતમાં દરેક રાજકીય પક્ષ અને એમના કાર્યકરોની તાસીર પ્રદેશ પ્રમાણે જુદી જુદી છે. શિવ સૈનિકોની આક્રમકતા અને ઠાકરે પરિવાર તરફની ભક્તિ એક જુદી જ પ્રકૃતિ છે. અહેમદનગર અને નાસિકમાં એકનાથ શિંદેના પોસ્ટરમાં તેમના ચહેરા ઉપર કાળી શાહી કોઈ લગાવી ગયું. હજુ વિદ્રોહી ધારાસભ્યોએ ઠાકરે પરિવારને સમર્પિત શિવસૈનિકોનો સામનો કરવાનો બાકી છે. સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું કે, હિંમત હોય તો સામે આવે. સોશિયલ મિડીયા પરની વોર, આક્ષેપબાજી કે નારાજગીથી રસ્તો નીકળવાનો નથી. સામનામાં પણ સ્પષ્ટરીતે મેસેજ અપાયો કે જ્યાં દાંડીયા રમવા હોય એટલા રમી લો પછી અહીં જ આવવાનું છે.  
ચાર દિવસથી ચાલી રહેલું આ ચક્કર હવે આરપારની લડાઈ બની ગયું છે. ખીંચકે પકડ મુજે જોર આતા હૈ એવું લાગી રહ્યું છે. પોતાની સાથે સમર્થન છે એ જોરે એકનાથ શિંદે અક્કડ છે. તો સંજય રાઉત પણ કંઈ કસર છોડવા નથી માગતા. શરદ પવારની ચાણક્યનીતિ કંઈક જુદું જ વિચારી રહી છે કે, શું? ગઈકાલે એમણે કહ્યું કે, બહુમતી ફલોર પર સાબિત થશે. અગાઉ પણ સરકારની રચના સમયે બહુમતીમાં ધારાસભ્યોના માથાં ગણાયા હતા ત્યારે પણ શરદ પવારની ભૂમિકા બહુ મહત્ત્વની રહી હતી. ઉદ્ધવ ઠાકરેએ એક વખત કહેલું કે, મારે તો મુખ્યમંત્રી બનવું જ ન હતું પણ શરદ પવાર અને સોનિયા ગાંધીના આગ્રહને કારણે મેં સત્તાસ્થાને આવવાનું નક્કી કર્યું. હકીકતે, ઉદ્ધવ ઠાકરેનો પહેલો પ્રેમ રાજકારણ છે પણ નહીં. એમને ફોટોગ્રાફી અને પ્રવાસમાં વધુ રસ છે.  
શિવસેના સુપ્રીમો બાળઠાકરેને આ તબક્કે યાદ કરવા જરુરી છે. એમને પણ સત્તામાં આવવા માટે પૂરા મોકા મળેલાં પણ તેમણે હંમેશાં કિંગ બનવાને બદલે કિંગ મેકર બનવાનું વધુ પસંદ કર્યું. તેઓ હંમેશાં સત્તાથી દૂર રહીને રિમોટ કંટ્રોલ હાથમાં રાખીને સવાયા મુખ્યમંત્રી બની રહેવામાં જ એમને શાણપણ લાગ્યું હશે. ઉદ્ધવ ઠાકરે જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે ઘણાં લોકોએ આગહી કરી જ હતી કે, એમને સાચી રાજનીતિનો અનુભવ નથી. વળી, આ વિદ્રોહીઓનો આખો મુદ્દો અને વિવાદ ચગ્યો ત્યારથી માંડીને આજ દિન સુધી રાજ ઠાકરે તરફથી કંઈ જ આવ્યું નથી. એ વાત પણ અનેક આશ્ચર્ય જગાવે એવી છે.   
ભારતમાં મહારાષ્ટ્રનું રાજકારણ થોડું જુદું પડે છે. અગાઉ ઉદ્ધવ ઠાકરેએ છાતી ઠોકીને કહેલું કે, બીજેપીમાં હિંમત હોય તો મહારાષ્ટ્રની સરકાર તોડી બતાવે. ઉદ્ધવ ઠાકરેને ત્યારે અંદાજ સુદ્ધાં નહીં હોય કે, દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાની એકેએક ચાલ ઉપર નજર રાખીને બેઠાં છે. ઉદ્ધવ ઠાકરે તરફથી એક સંબોધન એ સિવાય કંઈ જ વધુ લોકો સમક્ષ નથી આવી રહ્યું. આ ચૂપકીદી અંગે પણ ગણગણાટ થઈ રહ્યો છે. આટલું મોટું ઓપરેશન થાય અને મુખ્યમંત્રીનું ઈન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટ ગાફેલ હોય એ વાત હકીકત કેમ નથી લાગતી?
Advertisement
Tags :
Advertisement

.