Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આપણે હજુ શેનાથી આઝાદી મેળવવાની જરુર છે?

આઝાદી.... સ્વતંત્રતા... ફ્રીડમ...મુક્તિ... આ ફક્ત શબ્દો નથી. દરેકેદરેક શબ્દ એક અહેસાસ છે. હાશ છે. અનુભૂતિ છે. સંતોષ છે. લાગણી છે. સંવેદના છે.  એ પછી દેશની આઝાદી હોય કે વ્યક્તિત્વ સાથે જોડાયેલી આઝાદીની વાત હોય. આખો ભારત દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આઝાદીના ઈતિહાસ અને લડવૈયાઓ વિશે આપણે વાંચ્યુ છે અને જોયું છે. આપણને મળેલો વારસો કેવી રીતે જાળવવો એ અંગેની વાત કરવી છે.  દેશ આઝાદ થઈ
આપણે હજુ શેનાથી આઝાદી મેળવવાની જરુર છે
આઝાદી.... સ્વતંત્રતા... ફ્રીડમ...મુક્તિ... આ ફક્ત શબ્દો નથી. દરેકેદરેક શબ્દ એક અહેસાસ છે. હાશ છે. અનુભૂતિ છે. સંતોષ છે. લાગણી છે. સંવેદના છે.  એ પછી દેશની આઝાદી હોય કે વ્યક્તિત્વ સાથે જોડાયેલી આઝાદીની વાત હોય. આખો ભારત દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આઝાદીના ઈતિહાસ અને લડવૈયાઓ વિશે આપણે વાંચ્યુ છે અને જોયું છે. આપણને મળેલો વારસો કેવી રીતે જાળવવો એ અંગેની વાત કરવી છે.  
દેશ આઝાદ થઈ ગયો પણ હજુ એવી ઘણી બાબતો છે જેમાંથી આપણે મુક્તિ મેળવવાની જરુર છે. આપણે દેશની અને દેશના રાજકારણીઓની,  નેતાઓની ટીકા કરતાં જરાય અચકાતાં નથી કે, બધાંને પોતાની પડી છે.  કોઈ પ્રજાનું નથી વિચારતું. સૌથી પહેલાં તો આ વિચારમાંથી મુક્તિ મેળવવાની જરુર છે. કોઈ આપણાં માટે શું કરે છે એ કરતાં તમે દેશ માટે શું કરી શકો છો એ વિચારને આપણી અંદર રોપવાની જરુર છે. કોઈની ટીકા કરવાની માનસિકતામાંથી આઝાદી મેળવવાની જરુર છે. એ પછી નેતાઓની હોય, ઘરના લોકોની હોય કે પોતાના બોસની હોય કે સહકર્મચારી કે પછી સાથે ભણતાં મિત્રની હોય કે પછી પરિવારના કોઈ સભ્યની હોય. કોણે શું કરવું જોઈએ એના જજ બનવા કરતાં પોતે શું કરવું જોઈએ એ કેળવવાની આઝાદી અપનાવવાની જરુર છે.   
ઘર કરી ગયેલી માન્યતાઓ. રુઢીગત અને અત્યારના સમયમાં અસંગત લાગે એવી ગેરમાન્યતાઓમાંથી આઝાદ થવાની જરુર છે. દીકરા-દીકરીના ભેદભાવમાંથી મુક્ત થવાની જરુર છે. દીકરી-વહુના ફરક કરવામાંથી આઝાદી મેળવવાની જરુર છે. વણલખાયેલા કેટલાંક નિયમોમાંથી મુક્ત થવાની જરુર છે. કોઈને સુધારવા કરતાં પોતે કેટલું સુધરી શકીએ એમ છીએ એ વિચારને રોપવાની જરુર છે. આપણે બધાંએ આપણી આસપાસના લોકો કે આપણી સાથે કામ કરતાં લોકો ઉપર પોતાની વિચારસરણી ઠોકી બેસાડવાની વૃત્તિમાંથી મુક્ત થવાની જરુર છે.  
કેટલીક બેડીઓ આપણે પોતે જ આપણી જાત સાથે બાંધી દીધી છે. આ બેડીઓમાંથી મુક્ત થવાની જરુર છે. હા, સમાજના પ્રવાહોથી થોડું જુદું વિચારીએ કે સામા પાણીએ તરવાનું સાહસ કરીએ ત્યારે ભોગવવાનું આવે. પરંતુ એ સંઘર્ષ પછી એ કેડી ઉપર ચાલનારા લોકો માટે રાહ થોડીક આસાન થઈ જવાની છે એ વિચારને અંદર ઉતારવાની જરુર છે.  
ધર્મ સાથે જોડી દેવાયેલી અંધશ્રદ્ધાઓ જેના કોઈ તાર્કિક કારણો નથી મળતાં કે પછી એના વિશેની કોઈ દલીલનો, સવાલોનો સંતોષકારક જવાબ કોઈ નથી આપી શકતું ત્યારે આ અંધશ્રદ્ધાને હડસેલીને આગળ વધવાની જરુર છે. આગે સે ચલી આતી હૈ... આમ વિચારવાને બદલે હવે આનાથી આગળ નહીં એ વિચારને કેળવવાની જરુર છે.  
આપણે દેશ માટે શું કરી શકીએ? 
આપણાં દેશને સ્વચ્છ રાખવામાં વિચારોની ગંદકીથી માંડીને વસ્તુઓની ગંદકી દૂર કરવાની વૃત્તિ જીવંત રાખવી એ પણ દેશની ઉન્નતિમાં યોગદાન જ છે. કોઈ જોતું નથી એટલે ચાલે એ માનસિકતામાંથી મુક્તિ મેળવવાની જરુર છે. કોઈ જોતું નથી પણ તમે તો તમને જુઓ છોને? આ વાતને સમજવાની એટલી જ જરુર છે. ગંદકીના પણ અનેક પ્રકારો છે, વિચારોની, વસ્તુઓની, દાનતની, નજરની ગંદકીથી માંડીને આપણામાં ઘર કરી ગયેલી ગંદકી પણ હોય છે. એની શુદ્ધીની સુધ લેવાની સમજ કેળવવાની જરુર છે.  
તારાથી આમ ન થાય કે સમાજ શું કહેશે એ ડરમાંથી મુક્તિ મેળવવી પણ એટલી મહત્ત્વની છે. ઘણું ખરું સાચું અને સારું સમાજની બીકે થતું નથી હોતું. જો આમ કર્યું હોત તો કેટલું સારું થાત, બોલવાનું હોય એ સમયે ચૂપ ન રહ્યા હોત તો પરિસ્થિતિ કંઈક જુદી હોત આ વિચારોમાંથી મુક્ત થવાની જરુર છે.  
ટેકનોલોજીએ આપણને જુઠું બોલતાં શીખવી દીધું છે. આ ખોટું બોલવાની આદતની ગુલામીમાંથી બહાર નીકળવાની તો સૌથી વધુ જરુર છે. ઘડીના છઠ્ઠા ભાગ કરતાં પણ ઓછા સમયમાં આપણા મોબાઈલમાં સમાચારોનો ઢગલો થઈ જાય છે. આપણે કોઈ વાત, કોઈ ઘટના કે કોઈ ખબરની ખરાઈ કર્યાં વગર એને સાચું માની લઈએ છીએ અને ફોરવર્ડ પણ કરી દેતાં હોઈએ છીએ. પોતાના વિચારો વ્યક્ત કરવાનો સહુને બંધારણીય અધિકાર છે. આ અધિકારનો યોગ્ય અને વાજબી ઉપયોગ થાય એ જરુરી છે. ફેક ન્યૂઝથી બચવાની અને જે લોકો આવું કરતાં હોય એને રોકવાની જવાબદારી આપણાં સહુની છે.   
દિલમાં જે હોય છે એ જીભ ઉપર નથી હોતું. જેવા છીએ એવા રહેવાની સ્વતંત્રતાનું સંવર્ધન કરવાની જરુર છે. અને સૌથી છેલ્લે, ખોટા હાવભાવને ચહેરા પરથી હટાવીને હસવાનું વધારવાની જરુર છે. ખોટું બોલીને કે જમાનો જેવો છે એવા થઈને રહેતાં આપણે સહુએ થોડીક માણસાઈને આપણી અંદર જીવાડવાની જરુર છે. અંહકારની ગુલામીમાંથી સહજતાની સ્વતંત્રતા કેળવવાની જરુર છે. દેશ આઝાદ છે પણ એ આઝાદ દેશની હવામાં તમે તમારાથી કેટલાં આઝાદ છો? 
jyotiu@gmail.com
Advertisement
Tags :
Advertisement

.