Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુપીઃ ભ્રષ્ટ સરકારી કર્મચારીઓની હવે ખેર નથી

ઉત્તર પ્રદેશમાં આજકાલ સરકારી કર્મચારીઓ ચિંતામાં છે. ભ્રષ્ટ કર્મચારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે. એક પરિપત્ર જાહેર થયો છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, 31મી જુલાઈ સુધી સ્ક્રીનિંગ ચાલવાનું છે. જે સરકારી કર્મચારીઓની ઉંમર પચાસ કે તેનાથી વધુ હશે એ લોકો સરકારની નજરમાં છે. જેમની સામે કોઈ લાંચ લેવાની કે ભ્રષ્ટાચારની ફરિયાદ છે કે તપાસ ચાલે છે તેવા કર્મચારીઓ, જેમની ઉંમર અને સ્વાસ્થ્ય વચ્ચે તા
યુપીઃ ભ્રષ્ટ સરકારી કર્મચારીઓની હવે ખેર નથી
ઉત્તર પ્રદેશમાં આજકાલ સરકારી કર્મચારીઓ ચિંતામાં છે. ભ્રષ્ટ કર્મચારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે. એક પરિપત્ર જાહેર થયો છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, 31મી જુલાઈ સુધી સ્ક્રીનિંગ ચાલવાનું છે. જે સરકારી કર્મચારીઓની ઉંમર પચાસ કે તેનાથી વધુ હશે એ લોકો સરકારની નજરમાં છે. જેમની સામે કોઈ લાંચ લેવાની કે ભ્રષ્ટાચારની ફરિયાદ છે કે તપાસ ચાલે છે તેવા કર્મચારીઓ, જેમની ઉંમર અને સ્વાસ્થ્ય વચ્ચે તાલમેલ નથી તેવા કર્મચારીઓ ઉપર રિટાયરમેન્ટ લાદી દેવામાં આવશે. સાથોસાથ એવું પણ કહેવાયું છે કે, જો તમે સ્વચ્છ છબી ધરાવો છો તો કોઈ ચિંતા કરવાની જરુર નથી. 2017ની સાલ સુધીમાં ચારસો ભ્રષ્ટ અધિકારીઓને યુપી સરકારે સેવામુક્ત્ત કરી દીધા હતા. મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીના આ આદેશથી સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.   
વિશ્વ બેંકે ભ્રષ્ટાચારની વ્યાખ્યામાં કહ્યું છે કે, સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર. જેમાં લાંચ, ગિફ્ટ, છેતરપિંડી, પક્ષપાત વગેરે ગણવામાં આવે છે. ભારતમાં વર્ષે દહાડે ચાર અબજ રુપિયાથી વધુની રકમ લાંચ પેટે ચૂકવવામાં આવે છે. ગ્લોબલ કરપ્શન ઈન્ડેક્સ મુજબ દુનિયાના 198 દેશોમાં ભારતનો નંબર ભ્રષ્ટાચારની બાબતમાં સતત પંચોતેરથી આગળ જ રહ્યો છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે ભ્રષ્ટાચારની  બાબતમાં એવું કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર બની ગયો છે. આ વાક્ય આજે આપણી જિંદગીમાં એટલું સહજ રીતે વણાઈ ગયું છે કે, કોઈ કામ માટે રુપિયા આપવા કે કામ પતી ગયા પછી ગિફ્ટ આપવી એમાં કોઈને કંઈ ખોટું નથી લાગતું.  
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ સર્વે એવું કહે છે કે, ભારતની સરકારી ઓફિસોમાં આવતા સાંઈઠ ટકાથી વધુ લોકો રુપિયા આપીને પોતાનું કામ કઢાવે છે. ઈન્કમ ટેક્સની ચોરીની બાબતમાં તો ભારતને કોઈ પહોંચે એમ નથી. ટેક્સ કેમ બચાવવો કરતા ટેક્સની ચોરી કેમ કરવી એમાં આપણે ત્યાં લોકોએ મહારત હાંસલ કરી છે.  
પંજાબમાં ભગવંત માને મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી એના બીજા જ દિવસે લાંચ લેતા લોકોને પાઠ ભણાવવા માટે ફરિયાદ નોંધાવવાનો એક વોટ્સએપ નંબર રિલીઝ કર્યો હતો. થોડાં જ દિવસોમાં એમણે આરોગ્યમંત્રી વિજય સિંગલાને ભ્રષ્ટાચારની ફરિયાદ થતાં સત્તામુક્ત કરી દીધા હતા.   
પચાસ વર્ષના યોગી આદિત્યનાથ અને અડતાલીસ વર્ષના ભગવંત માન આ બંને પોતાના રાજ્ય પૂરતું અજવાળું કરી રહ્યા છે. યથા રાજા તથા પ્રજા. હકીકતે તો અંગ્રેજોના શાસનથી ભ્રષ્ટાચાર ભારતમાં ઘર કરી ગયો છે. એને જડમૂળથી કાઢવો અશક્ય લાગે છે. કેટલાંક શાસકો ઘણી વખત એક મિસાલ કાયમ કરી જતાં હોય છે. કેટલાંક અધિકારીઓની કડક છાપ અને તીણી નજર લાંચ લેનારા લોકો માટે ભારરુપ બની જતી હોય છે. તેમ છતાં છાનાખૂણે આ બધું જ ચાલતું રહે છે.  
સમયાંતરે ભ્રષ્ટાચારના અને લાંચ લેવાના સ્વરુપો બદલાતા રહે છે. ક્યાંય લૂપમાં ન આવીએ એ રીતે ભ્રષ્ટાચાર કરનારા લોકો રસ્તા કરી લે છે. પોતાને સ્માર્ટ સમજીને ખોટો વહેવાર કરતાં લોકો ક્યારેક તો પકડાઈ જ જવાના છે. જો એ લોકો ન પકડાય તો પણ એની સાથે ઘરમાં રહેતા લોકો અને આસપાસમાં જીવતાં લોકોને અંદાજ આવી જ જતો હોય છે. અંતે તો તમારી છાપ કેવી છે એ બધાં સમજી જ જતાં હોય છે.  
યુપીમાં સરકારે કહ્યું છે કે, પચાસ વર્ષથી ઉપરના સરકારી કર્મચારીઓ ચેતી જાય. તેમને રિટાયર કરી દેવામાં આવશે. એક સવાલ એ થઈ આવે કે, શું પચાસ વર્ષથી નીચેની વયના સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર નથી કરતાં? કે પછી એ લોકોને પચાસ વર્ષના થાય ત્યાં સુધી કોઈ ફરિયાદ ન થાય તો ભ્રષ્ટ આચરણ કરવાની છૂટ હશે?  
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ એક વાત જાહેરમાં કહેલી કે, દિલ્હીથી હું તમને મોકલું છું એક રુપિયો પણ તમારા સુધી પહોંચતા એ દસ પૈસા થઈ જાય છે. મતલબ કે બાકીના રુપિયા સિસ્ટમમાં જ ખવાઈ જાય છે. આપણી સિસ્ટમમાં જ આ સડો એટલો વ્યાપી ગયો છે કે, ભ્રષ્ટાચારના વિરોધી ગાંધીજીની જ તસવીરોવાળી નોટો જ સૌથી વધુ ભેટ ધરવામાં આવે છે. એક ઉદ્યોગપતિએ કહેલી બહુ કડવી વાત છે કે, હું લાંચ લેવાનો વિરોધી છું, ભ્રષ્ટાચારનો વિરોધી છું. હું લાંચ લેતો નથી પણ મારે કામ હોય ત્યારે મારે લાંચ આપવી પડે છે અને હું આપું પણ છું.  
જ્યાં સુધી આપવાવાળી પ્રજા છે ત્યાં સુધી લેવાવાળા અધિકારીઓ પણ રહેવાના જ છે. શેખાદમ આબુવાલાની બહુ માર્મિક પંક્તિ છે, મેરે મુલ્ક મેં સિર્ફ એક હી ચીઝ પ્યોર હૈ, ઔર વો હૈ કરપ્શન....
Advertisement
Tags :
Advertisement

.