કેન્દ્ર સરકારે ચીફ ઇલેક્શન ઓફિસર અને અન્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂક સંબંધિત બિલ રજૂ કર્યુ, જાણો મમતા બેનર્જીએ શું કહ્યું
કેન્દ્ર સરકારે ગુરુવારે જ રાજ્યસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ રજૂ કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વવાળી ત્રણ સભ્યોની સમિતિ તેમની પસંદગી કરશે. આ સમિતિમાં એક કેબિનેટ મંત્રી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા પણ હશે. જ્યારે મુખ્ય ન્યાયાધીશને આ સમિતિમાં સ્થાન અપાયું નથી.. મમતા બેનર્જીએ આ બિલને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે ભાજપ અરાજકતા ફેલાવવાની કોઈ તક છોડી રહી નથી.
TMC સુપ્રીમોએ X પ્લેટફોર્મ પર લખ્યું, ચૂંટણી કમિશનરની નિમણૂક કરવા માટે ત્રણ સભ્યોની સમિતિમાં CJI (ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા)ની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. અમે CJIને સ્થાને કેબિનેટ મંત્રીને પેનલમાં સામેલ કરવાના નિર્ણયનો વિરોધ કરીએ છીએ. તેમણે કહ્યું કે સીજેઆઈને પેનલમાંથી બહાર કરીને ભાજપ મનસ્વી રીતે કામ કરવા માંગે છે જેથી વોટની હેરાફેરી પણ થઈ શકે. તેમણે કહ્યું,'ભારતે ન્યાયતંત્રના આ અનાદર પર સવાલ ઉઠાવવો જોઈએ. શું તેઓ ન્યાયતંત્રને મંત્રીઓ દ્વારા ચલાવવામાં આવતી કાંગારૂ કોર્ટ બનાવવા માંગે છે. અમે ન્યાયતંત્ર સમક્ષ ભારત માટે હાથ જોડીએ છીએ. પ્રભુ કૃપા કરીને આપણા દેશને બચાવો.
કોંગ્રેસ પહેલાથી જ આ બિલનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે એલકે અડવાણીએ 2012માં તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને પત્ર લખીને કહ્યું હતું કે CEC અને ECની પસંદગી માટે વિપક્ષના નેતા અને CJI પેનલમાં હોવા જોઈએ. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રવક્તા રણદીપ સિંહ સુરજે વાલાએ કહ્યું કે, આ બિલ બંધારણનું ઉલ્લંઘન છે.
આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે તેઓ તે તમામ બાબતોને બદલવા માંગે છે જેને અમે બંધારણીય અને નૈતિક માનતા હતા. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી ગૃહમાં કાયદો નહીં બને ત્યાં સુધી વડાપ્રધાન, વિપક્ષના નેતા અને CJI આ પેનલમાં રહેશે.