ઉકાઇ ડેમ 70 ટકા ભરાયો, છેલ્લા 29 દિવસમાં ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની સપાટીમાં 22 ફુટનો વધારો
અહેવાલઃ રાબિઆ સાલેહ, સુરત
સુરત શહેર - જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો હવે વહીવટી તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે ઉકાઈ ડેમની સપાટી 331 ફુટને વટાવી જતાં તંત્ર દ્વારા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે. 333 ફુટના રૂલ લેવલ સામે હવે માત્ર એક ફુટ જેટલી જ સપાટી બાકી હોવાને કારણે તંત્ર દ્વારા પણ ડેમમાં ઈનફ્લો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
1લી જુલાઈના રોજ ઉકાઈ ડેમની સપાટી 308.81 ફુટે સ્થિર હતી. જો કે, છેલ્લા 29 દિવસમાં ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની સપાટીમાં 22 ફુટનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને છેલ્લા એક પખવાડિયામાં ડેમની સપાટીમાં જે રીતે ધરખમ વધારો થયો છે તે જોતા આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો ઉકાઈ ડેમના સત્તાધીશો માટે અગ્નિ પરીક્ષા સમાન પુરવાર થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફુટ છે જ્યારે આજે બપોરે 12.00 કલાકે ઉકાઈ ડેમની સપાટી 331 ફુટને વટાવી ચુકી છે. હાલ ઉકાઈ ડેમમાં ઈનફ્લો 58 હજાર કયુસેક નોંધાવા પામ્યો છે. આ સ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ઉકાઈ ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમ 70 ટકા સુધી ભરાઈ ચુક્યો છે અને હજી ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે મહિના સુધી વરસાદની સિઝન બાકી હોવાને કારણે તંત્ર દ્વારા ડેમના ઉપરવાસમાં વરસાદથી માંડીને ડેમની સપાટી પર ચાંપતી નજર રાખવામાં આવશે.