Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે વિશ્વ નાળીયેરી દિવસ, દાયકામાં વાવેતર વિસ્તારમાં અંદાજે 4,500 હૅક્ટરની વૃદ્ધિ

ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે. કૃષિ  વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે.  ગુજરાતમાં વર્ષ 2012-13માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 21, 120 હેક્ટર હતો, જે...
07:00 AM Sep 02, 2023 IST | Vishal Dave

ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે. કૃષિ  વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે.  ગુજરાતમાં વર્ષ 2012-13માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 21, 120 હેક્ટર હતો, જે વર્ષ 2022-23માં વધીને 25,672 હેક્ટરે પહોંચ્યો છે.

ગુજરાતમાં નાળિયેર ઉત્પાદન અંગેની વિગતો આપતા રાજ્યના બાગાયત નિયામક શ્રી પી.એમ.વઘાસિયા કહે છે કે રાજ્યમાં નાળિયેરનો વાવેતર વિસ્તાર 25 હજાર હેક્ટરે પહોંચ્યો છે. જ્યારે તેનું ઉત્પાદન 21. 42 કરોડ નટ્સ(પાકા નાળિયેર) જેટલું છે. તેઓ ઉમેરે છે કે, ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં થાય છે.

નાળિયેરના પ્રકાર અને ઉપયોગ

નાળીયેરના પાક અંગે પ્રકાશ પાડતા સંયુક્ત બાગાયત નિયામક શ્રી બિપિનભાઈ રાઠોડ કહે છે :  રાજ્યમાં ઉત્પાદન થતા કુલ નાળિયેરમાંથી 20 ટકા નાળિયેરનું ત્રોફા તરીકે, જ્યારે 42 ટકા નાળિયેરનું પાકા નાળિયેર(નટ્સ) તરીકે ઉત્પાદન થાય છે. 5 ટકા ખેડૂતો પોતાના માટે અને બીજ તરીકે નાળિયેરનું ઉત્પાદન કરે છે.શ્રી રાઠોડના મત મુજબ ગુજરાતમાંથી 33 ટકા નાળિયેર દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ થાય છે.

ઉલ્લેખનીય છે કે નાળિયેર આમ તો બારેમાસ મળે છે. પરંતુ ઉનાળામાં ( માર્ચથી જૂન) સુધી નાળિયેરની માંગમાં વૃદ્ધિ થાય છે. નોંધપાત્ર બાબત એ છે કે કૃષિ અર્થતંત્રમાં નાળિયેરના મહત્વને રેખાંકિત કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ગુજરાત નાળિયેર વિકાસ કાર્યક્રમઅમલી બનાવ્યો છે. જેના માટે બજેટમાં રૂ. 403.30 લાખની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારનું આ પગલું નાળિયેરની ખેતીમાં એક મહત્વપૂર્ણ કદમ બની રહેશે. 

નાળિયેરનું ઉત્પાદન અને મૂલ્યવૃદ્ધિ

ભારતીય સંસ્કૃતિમાં નાળિયેરને શ્રીફળનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. ખરેખર તો આ કલ્પવૃક્ષ સમાન ફળ મનુષ્યના સ્વાસ્થ્ય વર્ધનમાં અનેક રીતે આશિર્વાદરૂપ બને છે. અને એટલે જ તે માત્ર શક્તિવર્ધક પીણું કે શુભ પ્રસંગોમાં પ્રસાદ નથી બની રહ્યું. તેની સતત મૂલ્ય-વૃદ્ધિ થઈ રહી છે.

નાળિયેરની મૂલ્યવૃદ્ધિ કરી તેમાંથી તેલ, વર્જિન કોકોનટ ઓઈલ, નાળિયેરનું દૂધ, કોકોનટ કુકી, કોકોનટ બરફી, વિનેગર, ફ્લેક્સ, ચિપ્સ, ઓઈલ કેક અને નીરા વગેરે બનાવી શકાય છે. નાળિયેરના તેલનો ઉપયોગ ખાદ્ય તેલ ઉપરાંત ટોયલેટરી અને અન્ય ઉદ્યોગોમા પણ થાય છે. નાળિયેરના દૂધનો ઉપયોગ એલર્જી માટેના ઔષધોમાં પણ થાય છે. દરેક જૂથ માટે ઉપયોગી એવા નાળિયેરના દૂધનો ઉપયોગ નવજાત શિશુને પીવડાવવામાં વિશેષ રીતે કરવામાં આવે છે. નાળિયેરનું દૂધ ડાયાબિટિસ, સ્થૂળતા, પિત્તાશયના રોગ, સ્વાદુપિંડનો સોજામાં ઉપયોગી છે.

રાજ્યમાં નાળિયેરીનું ઉત્પાદન વધતા પ્રોસેસિંગ થકી તેનું મૂલ્યવર્ધન કરી નાળિયેર પાણીનાં ટેટ્રાપૅક/બૉટલ, નાળિયેર મિલ્ક પાવડર, નાળિયેર તેલ, નીરો, કોયર જેવા અનેક ઉત્પાદનો માટેની પણ વિપુલ સંભાવના રહેલી છે.

નાળિયેર ઉત્પાદન અને ખેડૂતો

રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો નાળિયેરની ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી વિવિધ પ્રોત્સાહન આપવામાં આવે છે. દા.ત. ગુજરાત નાળિયેર વિકાસ કાર્યક્રમ હેઠળ નાળીયેરી ખેડૂતને વાવેતર માટે ખર્ચના ૭૫% મુજબ મહત્તમ રૂ.૩૭,૫૦૦/- પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય તરીકે આપવામાં આવે છે. આ સહાય બે હપ્તામાં(૭૫:૨૫) ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫ન માટે ખર્ચના ૫૦% મુજબ મહત્તમ  રૂ.૫૦૦૦/- પ્રતિ હેકટરે સહાયપેટે આપવામાં આવે છે.

રાજ્ય પ્લાન યોજના અંતર્ગત નાળિયેરીના પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે ખર્ચના મહતમ ૯૦% મુજબ રૂ.૧૩૦૦૦ પ્રતિ હેક્ટરે સહાય તરીકે ચૂકવાય છે.

નાળિયેરની ઉત્પાદન વૃદ્ધિ માટે કેન્દ્રના પ્રયાસો

કેન્દ્ર સરકારે નાળિયેરની ખેતી અને તેના સંલગ્ન ક્ષેત્રના વિકાસ માટે નાળિયેર વિકાસ બોર્ડ ( Coconut Development Board)ની રચના કરી છે. 2 સપ્ટેમ્બર, 2022થી જૂનાગઢ ખાતે તેની પ્રાદેશિક કચેરી પણ કાર્યરત છે. આ કચેરી આ ક્ષેત્રમાં શરુ થતાં નાળિયેરની ખેતી તરફ આકર્ષણ વધ્યું છે.

આ અંગેની વિગતો આપતા કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડના ઈન્ચાર્જ શ્રી અજય કુમારે જણાવ્યું કે, કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડના પ્રયાસોને પગલે  નાળિયેરના વાવેતર વિસ્તારમાં 1,708 હેક્ટરની વૃદ્ધિ થઈ છે. તેઓ ઉમેરે છે કે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં નાળિયેરના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2017થી આજ દિન સુધી રૂ. 444.05 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નાળિયેરની ખેતીમાં ઉત્પાદકતા-વૃદ્ધિ પણ મહત્વનું પરિબળ છે. માટે જ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ઈન્ટિગ્રેટેડ પ્રોડક્ટીવીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ રૂ. 377 લાખના ખર્ચે 2,295 હેક્ટરમાં નવા ડેમોસ્ટ્રેશન પ્લોટ વિકસિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત બોર્ડ દ્વારા રૂ. 5.41લાખના ખર્ચે 10 ઓર્ગેનિક ખાતર એકમ પણ શરુ કરવામાં આવ્યા છે.

નાળિયેર ઉત્પાદન વૃદ્ધિ માટે સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ  “ફ્રેન્ડઝ ઓફ કોકોનટ ટ્રી” ટ્રેઈનિંગ આપવામાં આવી છે. 98 લાખના ખર્ચે અપાયેલી આ તાલીમમાં 2 બેચમાં 45 તાલીમાર્થીઓએ તાલીમ લીધી. આ ઉપરાંત કોકોનટ હેન્ડિક્રાફ્ટ ટ્રેઈનિંગ પ્રોગ્રામમાં રૂ. 2.05 લાખના ખર્ચે 3 બેચમાં 45 લોકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા.કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની વિવિધ યોજનાઓનો લાભ 4,000થી વધુ લાભાર્થીઓને મળ્યો છે.  આમ, નાળિયેર એ સાચા અર્થમાં ગુજરાતના અર્થતંત્ર માટે શ્રીફળ એટલે કે શુભ ફળ બની રહ્યું છે.

Tags :
areaBudgetdecadeGrowthGujarat GovernmenthectaresPlantationWorld Coconut Day
Next Article