Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબમાં મળેલી સત્તા દેશમાં આમ આદમી પાર્ટીનું ભાવિ નક્કી કરશે

જિંદાદિલ પંજાબીઓના રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ગઈ. લોકોએ કોંગ્રેસને અજમાવી જોઈ. અકાલી દળ ક્યાંય દેખાયું નહીં. ભાજપને ભાગે કંઈ ખાસ ગુમાવવા જેવું હતું નહીં. પંજાબી મતદારોએ એ સાબિત કરી બતાવ્યું કે, રાજકારણી નહીં પણ મતદાર સૌથી શાણો હોય છે.  પંજાબના રાજ્યપાલ બનવારીલાલે આજે 48 વર્ષીય ભગવંત માનને શપથ લેવડાવ્યા. શહીદ ભગતસિંહના ગામ ખટકડ કલાંમાં આજે જાણે વાસંતી વાયરો વાયો હોય એવુàª
પંજાબમાં મળેલી સત્તા દેશમાં આમ આદમી પાર્ટીનું ભાવિ નક્કી કરશે
જિંદાદિલ પંજાબીઓના રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ગઈ. લોકોએ કોંગ્રેસને અજમાવી જોઈ. અકાલી દળ ક્યાંય દેખાયું નહીં. ભાજપને ભાગે કંઈ ખાસ ગુમાવવા જેવું હતું નહીં. પંજાબી મતદારોએ એ સાબિત કરી બતાવ્યું કે, રાજકારણી નહીં પણ મતદાર સૌથી શાણો હોય છે.  
પંજાબના રાજ્યપાલ બનવારીલાલે આજે 48 વર્ષીય ભગવંત માનને શપથ લેવડાવ્યા. શહીદ ભગતસિંહના ગામ ખટકડ કલાંમાં આજે જાણે વાસંતી વાયરો વાયો હોય એવું લાગતું હતું. વંસતનો પીળો રંગ જાણે સરસવનો ઊભો પાક લહેરાતો હોય એવું લાગતું હતું. એ વાત અલગ છે કે, શપથવિધિ સમારોહ માટે સો એકરની જમીન ઉપર ઉગેલા પાકને વાઢી લેવાયો હતો. ભગવંત માને શપથવિધિના સ્થળની પસંદગીમાં પણ બહુ ચીવટ રાખી. ખોબલે ખોબલે મત આપ્યાં એ પ્રજા પણ આજે જાણે હિલોળે ચડી હોય એમ દેખાતું હતું.  
આમ આદમી પાર્ટી ઉપર લોકોએ મૂકેલો ભરોસો પાંચ વર્ષ માટે જ નહીં પણ લાંબા સમય માટે ભગવંત માને જાળવવો પડશે.  ભગવંત માન અને અરવિંદ કેજરીવાલના પર્ફોમન્સ ઉપર બીજા રાજ્યોના મતદારોની નજર રહેવાની જ છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંત પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલું કાઠું કાઢશે એ તો આવનારો સમય જ બતાવશે. કોંગ્રેસ પક્ષની નબળી નેતાગીરી, આંતરિક જૂથવાદ ભાજપને નુકસાન કરવા કરતાં આમ આદમીને કેટલો ફાયદો કરાવશે એ જ જોવાનું રહેશે.  
આમ આદમી પાર્ટીએ પંજાબમાં કરેલા વાયદા ભગવંત માનની સરકાર કેટલી હદે પૂરા કરી શકે છે એ સૌથી વધુ મહત્ત્વનું રહેશે. સૌથી આકરી કસોટી ખેતીપ્રધાન પંજાબને મફત વીજળી આપવાના વાયદામાં થવાની છે.  18 વર્ષથી ઉપરની વયની દરેક મહિલાને દર મહિને એક હજાર રુપિયા આપવાનો વાયદો  નીભાવવો પણ નેવાના પાણી મોભે ચડાવવા જેટલો અઘરો છે. પંજાબને એવું બનાવીશું કે, અહીંથી વિદેશ સ્થાયી થયેલાં લોકોને પંજાબ પાછું આવવાનું મન થશે. આ વાત કહેવી જેટલી આસાન છે એટલી જ અઘરી એને વાસ્તવિકતામાં કેવી રીતે પલટાવવી એ મહત્ત્વનું છે.  
ભગવંત માને બહુ જ સંયત શબ્દો વાપરીને ઉદબોધન કર્યું. માતૃભાષા પંજાબી પ્રત્યેનો પ્રેમ અને પોતાની જવાબદારીની ગંભીરતા એમની બોડી લેંગ્વેજમાં દેખાતી હતી. એક સમયે ચિક્કાર શરાબ પીતા ભગવંત માને જાહેરસભામાં હવે નશો નહીં કરું એના સોગંધ ખાધા હતા. એમની પોતાની છબીને જાળવી રાખવાની સાથોસાથ ઉડતા પંજાબને ઉઠતા પંજાબ કરવાની વાત એમણે કહેલી એ અમલમાં મૂકવા માટે અનેક અનિષ્ટોનો સામનો ભગવંત માને કરવાનો છે. ડ્રગ્દસ અને શરાબ સેવનના દૂષણે લહેરાતા પંજાબને  સાવ તકલાીદી બનાવી દીધું છે. નવી પેઢીને પંજાબમાં વસવા કરતાં વિદેશનો મોહ વધારે છે. ભગવંત માનના ખુદના બે સંતાનો વિદેશમાં ભણે છે ત્યારે પંજાબની નવી પેઢીને પંજાબમાં જ ભવિષ્ય ઉજ્જવળ લાગે એવો માહોલ પૂરો પાડવો પણ નાનીસૂની ચેલેન્જ નથી.  
સૌથી મહત્ત્વની વાત કે, ફક્ત દસ  વર્ષ જ જૂની આમ આદમી પાર્ટીએ બે રાજ્યોમાં પોતાની સરકાર બનાવી લીધી. આ બે રાજ્યોમાં સરકાર કેવું કામ કરે છે એના ઉપર જ બીજા રાજ્યોમાં એમનું ઝાડું કેવું ચાલશે એ નક્કી થવાનું છે. રસ્તો  સરળ નથી અને મંઝિલ પણ લાંબે  છે ત્યારે મતદારોએ મૂકેલા ભરોસાને સાચો સાબિત કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.
Advertisement
Tags :
Advertisement

.