ગોંડલના લોકમેળા માટેના ગ્રાઉન્ડની સૌથી ઉંચી બોલી 45.05 લાખ બોલાઇ
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રતિવર્ષ કોલેજ ચોક ખાતે આવેલ સંગ્રામસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ માટે પાલિકા તંત્ર દ્વારા ટેન્ડર મંગાવાતા લોકમેળા ના ગ્રાઉન્ડ માટે પાંચ ટેન્ડર આવ્યા હતા. જે નગર પાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, ઉપ પ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ તેમજ નગર પાલિકા સદસ્યો ની ઉપસ્થિતિમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. જેમાંથી રૂ.45.05 લાખ નું ટેન્ડર ક્રિપાલસિંહ જાડેજા નુ ટેન્ડર મંજુર થવા પામ્યું હતું. આગામી તારીખ 5 સપ્ટેમ્બર થી તારીખ 11 દરમિયાન લોકમેળાની જમાવટ જામનાર છે.
ગત વર્ષ કરતા 9.50 લાખની આવક ઓછી થવા પામી.
ગોંડલ નગર પાલિકા સંચાલિત લોકમેળાની આજરોજ ટેન્ડર પ્રક્રિયા નગર પાલિકા ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં સીલ પેક કવરમાં કુલ પાંચ ટેન્ડરો આવ્યા હતા. જેમાં ગત વર્ષે 54,51,122 ના ઉંચા ભાવે ટેન્ડર ખુલવા પામ્યું હતું. જ્યારે આ વર્ષે 45.05 લાખ માં ઉંચા ભાવે ટેન્ડર ખુલતા નગર પાલિકાને 9.50 લાખ ઓછા મળ્યા હતા.
લોક મેળા અંગે પાલિકાના લોકમેળા કમિટીના ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ગ્રાઉન્ડની આવેલ કિંમત શહેરના વિકાસના કામોમાં, નંદી શાળામાં તેમજ નગરપાલિકા સંચાલિત સંસ્થાઓમાં વાપરવામાં આવશે. તેમજ લોકો મેળામાં સીસીટીવી કેમેરા, લાઈવ પ્રસારણ, પોલીસ બંદોબસ્ત, વીમા કવચ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. તેમજ સાત દિવસ ચાલનાર આ લોકમેળામાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવ્યા છે.