Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકાઃ દેશના નેતા પ્રજાનો વિચાર ન કરે ત્યારે....

શનિવારની સાંજે આખી દુનિયા એક પીડાદાયક ઘટનાની સાક્ષી બની. શ્રીલંકાની રોષે ભરાયેલી જનતાએ રાષ્ટ્રપતિભવન ઉપર હલ્લાબોલ કર્યું. બે દિવસમાં તો રાષ્ટ્રપતિભવન પિકનિક સ્પોટ બની ગયું જાણે. લોકો બગીચામાં બેસીને આરામ કરે છે તો, કોઈ સ્વીમિંગ પુલમાં ધૂબાકા મારે છે, જીમમાં ઘૂસીને કસરત કરે છે અને મોંઘીદાટ વસ્તુઓ સાથે તસવીરો પાડે છે. શ્રીલંકાની જનતાએ રાષ્ટ્રપતિભવનમાં બંકર શોધી કાઢ્યું, તો બીàª
શ્રીલંકાઃ દેશના નેતા પ્રજાનો વિચાર ન કરે ત્યારે
શનિવારની સાંજે આખી દુનિયા એક પીડાદાયક ઘટનાની સાક્ષી બની. શ્રીલંકાની રોષે ભરાયેલી જનતાએ રાષ્ટ્રપતિભવન ઉપર હલ્લાબોલ કર્યું. બે દિવસમાં તો રાષ્ટ્રપતિભવન પિકનિક સ્પોટ બની ગયું જાણે. લોકો બગીચામાં બેસીને આરામ કરે છે તો, કોઈ સ્વીમિંગ પુલમાં ધૂબાકા મારે છે, જીમમાં ઘૂસીને કસરત કરે છે અને મોંઘીદાટ વસ્તુઓ સાથે તસવીરો પાડે છે. શ્રીલંકાની જનતાએ રાષ્ટ્રપતિભવનમાં બંકર શોધી કાઢ્યું, તો બીજી બાજુ ગોતાબાયા રાજપક્સે દેશ છોડીને ભાગી ગયાની અફવા આખી દુનિયામાં ચાલી. નેવીના શીપમાં તેમનો સામાન ભરાતો હોય એવા દ્રશ્યો પણ ફરવા લાગ્યા. આવતીકાલે 13મી જુલાઈએ એ રાજીનામું આપવાના છે. વીસમી જુલાઈએ સર્વ દળીય ચૂંટણી યોજાશે. પણ આજે સવારે એક જુદો જ ટ્વીસ્ટ આવ્યો.  
શ્રીલંકાના નેતાઓની સામે પડનારા પ્રદર્શનકારીઓ એકના બે થવા તૈયાર નથી. રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજીનામું આપે પછી જ બીજી વાત. ટોળામાં આવેલા લોકો સામે પોલીસ કે આર્મી પણ કંઈ ખાસ ન કરી શકી. આજે સવારે સવા કરોડ શ્રીલંકન રુપિયાની બિઝસેન કલાસની ચાર ટિકિટ લઈને ગોતાબાયા પોતાના ભાઈ બેસિલ સાથે દેશમાંથી ભાગવા માગતા હતા. એરપોર્ટમાં ઓળખાઈ ગયા અને ડ્યુટી પરના અધિકારીએ રાષ્ટ્રપતિને જવાની મંજૂરી ન આપી. એમની સામે નારાઓ લાગ્યા અને રાષ્ટ્રપતિએ પોતાની પ્રજાની સામે મોઢું છૂપાવીને ભાગવું પડ્યું. આખી રાત આ પરિવાર એરપોર્ટ નજીકના આર્મી બેઝમાં છૂપાયેલો રહ્યો, સવારે ત્રણ ફલાઈટ જવા દીધી. વાયા દુબઈ થઈને વોશિંગ્ટન ભાગી જવા માગતા ગોતાબાયા પરિવારને શ્રીલંકાની પ્રજા ક્યારેય માફ નહીં કરે.  
તેર તેર કલાક વીજળી કાપ, એક વખત માંડ માંડ જમવાનો વેંત થાય એવી પરિસ્થિતિ, શાળાઓ બંધ, ઓફિસોમાં ત્રણ-ચાર દિવસ કામ ચાલે, ડિઝલના અભાવે દેશ આખો જાણે થંભી ગયો ગયો હોય એવી હાલત છે. શ્રીલંકાની હાલત જોઈને હચમચી જવાય એવું છે. ઈંધણ માટે લાઈનો, ખાવાની ચીજ-વસ્તુઓના ફાંફાં પડે ત્યારે પ્રજા આક્રોશ વ્યક્ત ન કરે તો શું કરે? છેલ્લાં કેટલાક મહિનાઓથી શ્રીલંકામાં રાજકીય અને આર્થિક અસ્થિરતાએ લોકોનું જીવવું દુષ્કર કરી દીધું છે.  
નવી સરકાર આવે એ પછી કદાચ આ દેશમાં સ્થિરતા આવી શકે. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને મિત્ર દેશો મદદે આવે તો જ શ્રીલંકાની સ્થિતિ જરાકેય સુધરી શકે એમ છે. શ્રીલંકા ઉપર જાપાન, ચીન, ભારત, એશિયન ડેપલપમેન્ટ બેન્ક, વર્લ્ડ બેંકનું  એકાવન અરબ ડોલરનું કર્જ ચડી ગયું છે. દૂરંદેશી વગરના રાજનેતાઓના ખોટા નિર્ણયોને કારણે આજે આખા દેશની પ્રજા બેહાલ થઈ ગઈ છે. એમ્બ્યુલન્સ માટે પણ ડિઝલ નથી, લોકો માછીમારી ઉપર જીવે છે એમની પાસે રુપિયા નથી, ઈંધણ નથી એટલે માછીમારી કરવા નથી જઈ શકતા. ઘણાં ખરા લોકો તો સાયકલ સવારી કરીને પોતાનું કામ રોળવે છે. કોરોનાના કારણે દેશની જીડીપીમાં અગિયાર ટકાનો હિસ્સો ધરાવતું ટુરિઝમ પડી ભાંગ્યું, આખી દુનિયામાં મહત્તમ ચાની નિકાસ કરતા શ્રીલંકાના એટલા ખરાબ દિવસો આવી ગયા તે ઓર્ગેનિક ખેતી તરફ વળેલાં ખેડૂતોનો પાક નિષ્ફળ જતા માથે ઓઢીને રડવાનો વારો આવ્યો.  
દેશની જનતામાં નેતાઓ પ્રત્યેનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ પરિસ્થિતિમાં કોઈપણને એમ જ થાય કે, શ્રીલંકાની પ્રજા જરાપણ ખોટી નથી. શ્રીલંકાના દ્રશ્યોએ અફઘાનિસ્તાનની યાદ અપાવી દીધી. અફઘાનિસ્તાનમાં તાલીબાનોનું શાસન આવ્યું અને અમેરિકન સેનાનું છેલ્લું પ્લેન કાબુલના એરપોર્ટ પરથી જતું હતું એ દ્રશ્યો યાદ કરો. અફઘાનિસ્તાનની હાલત તો દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે. ચીન અને પાકિસ્તાન સિવાય કોઈ દેશ અફઘાનિસ્તાનની મદદ કરવા તૈયાર નથી. કેમકે ત્યાંના શાસકો ઉપર કોઈને ભરોસો નથી. થોડાં દિવસો પહેલાં આવેલા ધરતીકંપ બાદ તો અફઘાનિસ્તાનની હાલત વધુ દયનીય બની ગઈ છે.  
શાસકો તમારા દેશની ઓળખ હોય છે. યુક્રેનના શાસકને ઘણાખરા દેશના લોકો વખાણે છે. તો કેટલાક વખોડે પણ છે. અમેરિકાએ વોલોડીમીર જેલેન્સ્કીને સેફ પેસેજ આપવાની વાત કરી હતી પણ જેલેન્સ્કી દેશમાં જ રહ્યા અને આજે ચાર મહિના બાદ પણ આ શાસક રશિયાની સામે છેડાયેલા જંગમાં એના દેશવાસીઓની પડખે રહ્યા છે. જ્યારે અફઘાનિસ્તાનના શાસક અશરફ ગની લાખોનો સામાન પેક કરીને દેશવાસીઓને તાલીબાનોના ભરોસે છોડીને ભાગી ગયા. અલબત્ત શ્રીલંકા, અફઘાનિસ્તાન, યુક્રેન આ ત્રણેય દેશની રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓ અલગ- અલગ છે. તેમ છતાં એક વિચાર તો આવી જ જાય કે, દેશની પ્રજા દેશના શાસક, નેતા ઉપર વિચારીને ભરોસો મૂકતી હોય છે. એમને ચૂંટીને સત્તાસ્થાને પહોંચાડે છે. આ શાસકો ભાગી જાય ત્યારે પ્રજા આ શ્રીલંકામાં જેમ લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી એમ જ કરે. રોજેરોજ પરિવારને ભૂખ્યો જોઈને થોડોથોડો ગુસ્સો ઘૂંટાતો જ હોય એ પરિસ્થિતિ અસહ્ય બને ત્યારે જ ટોળું પોતાની તાકાત બતાવતું હોય છે. શ્રીલંકાની પ્રજાએ જે કર્યું એ સાચું છે કે ખોટું એ માટે દરેક વ્યક્તિનો મત જુદો જુદો હોવાનો. અરાજકતા, અજંપો, અસલામતી હોય ત્યાં આક્રોશ ફાટી ન નીકળે તો જ નવાઈ લાગે.
Advertisement
Tags :
Advertisement

.