Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાહબ, અગર મેરી બાતમી ગલત નીકલી તો મેરા ગલા કાટ દેના

મુખબીર...  પોલીસખાતામાં નોકરી કરતા કોઈપણ અધિકારીનો એક વણ લખેલો નિયમ છે કે, એ ઘરે બાળકોને કે પત્નીને સરખી રીતે ન સાચવે તો કદાચ ચાલી જાય પણ એ એના મુખબીરને હંમેશાં સર આંખો પર રાખે. પોલીસના દિલ અને દિમાગ વચ્ચેની અસબદ્ધ કડીઓના અંકોડા મેળવવા માટે મુખબીર બહુ જરુરી છે. એના લાડકોડ પૂરાં કરવાથી માંડીને એ મુખબીર સાથે પોલીસને મીઠી ગાળો આપવાના પણ સંબંધ હોય છે. જઘન્ય ગુનાઓ હોય કે વર્ષો સુધી કોઈ ગà
સાહબ  અગર મેરી બાતમી ગલત નીકલી તો મેરા ગલા કાટ દેના
મુખબીર...  
પોલીસખાતામાં નોકરી કરતા કોઈપણ અધિકારીનો એક વણ લખેલો નિયમ છે કે, એ ઘરે બાળકોને કે પત્નીને સરખી રીતે ન સાચવે તો કદાચ ચાલી જાય પણ એ એના મુખબીરને હંમેશાં સર આંખો પર રાખે. પોલીસના દિલ અને દિમાગ વચ્ચેની અસબદ્ધ કડીઓના અંકોડા મેળવવા માટે મુખબીર બહુ જરુરી છે. એના લાડકોડ પૂરાં કરવાથી માંડીને એ મુખબીર સાથે પોલીસને મીઠી ગાળો આપવાના પણ સંબંધ હોય છે. જઘન્ય ગુનાઓ હોય કે વર્ષો સુધી કોઈ ગુનામાં ઉકેલ સુધી ન પહોંચી શકાય એમ હોય ત્યારે મુખબીર એમાં કામ લાગે છે.  
મુખબીર એટલે બાતમીદાર. પોલીસ ચોપડે કામ ન કરતો પોલીસનો ઈન્ટેલિજન્ટ પાર્ટનર એટલે બાતમીદાર. શાર્પ, સાયલન્ટ અને સમજદાર વ્યક્તિ એટલે પોલીસનો બાતમીદાર. પોલીસને એના માહિતીના સોર્સ ઉપર એટલે ભરોસો હોય છે કે, કદાચ કોઈ ઘટના માટે ઉપરથી ભગવાન આવીને કહી જાયને કે, આ ગુનામાં હકીકત આ છે તો પણ પોલીસ એના બાતમીદાર ઉપર વધુ ભરોસો કરે. વફાદારીનો એવો નાતો બાતમીદાર સાથે હોય છે જેના ક્યાંય ડોક્યુમેન્ટ નથી બનતાં. આવા જ એક મુખબીરે વણ ઉકેલાયેલા મર્ડરનો ભેદ ખોલ્યો હતો.  
2014ની સાલમાં સિંઘમની છાપ ધરાવતા એક પોલીસ અધિકારીનો ફોન રણકે છે. ગુનેગારો જો આ સિંઘમની સામે આવી જાય તો પટપટ ગુનો કબૂલ કરવા માંડે. બસ એકવાર એ અધિકારીની નજર એની સાથે મળવી જોઈએ. એ અધિકારીનો ઈન્ફોર્મર સામેની સાઈડે ફોન પર હતો. એણે કહ્યું કે, સાહેબ આજે રાત્રે બારેક વાગા આસપાસ તમે સરખેજ અંબર ટાવર પાસે પહોંચી જજો. અંબર ટાવર પાસે પહેલો લેમ્પપોસ્ટ આવે છે એની ડાબી બાજુએ બે લોકો ચાલ્યા આવતાં હશે. એ લોકોએ 2005ની સાલમાં એક મર્ડર કર્યું છે.  
બાતમીદારની વાત સાંભળીને એ પોલીસ અધિકારીની આંખો પહોળી થઈ ગઈ. તું ક્યા મર્ડરની વાત કરે છે? એમ પૂછ્યું એટલે પેલા બાતમીદારે કહ્યું, વધુ આંચકાજનક ડીટેલ તો એ લોકો આપશે. તમે એકવાર એને પકડી તો લાવો. 
થોડીઘણી માહિતી આપીને પેલા બાતમીદારે ફોન મૂકી દીધો. બાતમીદારની બાતમી એટલે સો ટકા સત્ય જ હોય એવું માનનારા પોલીસ અધિકારીઓમાં આ પોલીસ ઓફિસરનો પણ સમાવેશ થાય. નક્કી કર્યા મુજબ સિવિલ ડ્રેસમાં ટીમને લઈને આ સિંઘમ પહોંચી ગયા સરખેજના અંબર ટાવર નજીક. સમયનો કાંટો આગળ ધપતો હતો. પણ બાતમીદારે જે હુલિયો આપેલો એવા દેખાવવાળું કોઈ દૂર દૂર સુધી નજરે નહોતું પડતું. પીળી ચટ્ટાક લાઈટ અને લાઈટની આસપાસ ઉડી રહેલાં જીવડાં સિવાય કોઈ જીવની હાજરી ત્યાં દેખાતી ન હતી. સૂમસામ ભાસતી એ સડક ઉપર એકલદોકલ વાહન આવતું જતું હતુું.  
પોતાની કારનો કાચ ચડાવીને મધરાતે એ અધિકારીએ પોતાના બાતમીદારને ફોન કર્યો. ધીમે ધીમે ધીરજ જઈ રહી હતી એટલે એક ગાળ નીકળી ગઈ એમના મોઢામાંથી. બાતમીદારે ઉંઘરેટીયા અવાજ સાથે અધિકારીને કહ્યું, સાહબ અગર મેરી બાતમી ગલત નીકલે તો મેરા ગલા કાટ દેના. છુરા લેકર મેૈં ખુદ આઉંગા આપ કે પાસ.  
સહેજ નિરાશ વદને એ અધિકારી ફરી એ લેમ્પ પોસ્ટની નજીક આવ્યા. રસ્તા ઉપર બંને તરફ નજર માંડી. કોઈ નહોતું દેખાતું. બીજી બાજુએ નજર મારીને ફરી અંબર ટાવર પર નજર નાખી. કોઈ ફલેટની લાઈટ ચાલુ નહોતી. મધરાતથી વધુ સમય થઈ ગયો હતો. ઘડિયાળમાં નજર નાખીને એમણે સામે જોયું. ત્યાં જ એમની આંખ ચમકી. બે ઓછાયાં દેખાયા. જે ધીમેધીમે નજીક આવી રહ્યા હતા. પાંચ ફૂટની હાઈટ ધરાવતો થોડાં ફંકી કપડાં પહેરેલો એક યુવક દેખાયો. બાતમીદારે ફોનમાં જે ફોટો મોકલ્યો હતો એ ઝૂમ કરીને ફરી એકવાર એ અધિકારીએ જોયો. અને એમના હોઠની કિનારીએ એક સ્માઈલ રમવા માંડ્યું. એ બે લોકોના પગલાં જેમજેમ નજીક આવતાં હતાં તેમ તેમ એમના બુટ જમીન સાથે વારંવાર ટકટક અવાજ કરતા હતા. સિવિલ ડ્રેસમાં રહેલા પોતાના સાથીદારોને એલર્ટ કર્યાં અને સિંહ જેમ પોતાના શિકારની રાહ જુએ એમ એ અધિકારીએ શિકારીની જેમ ગુનેગાર માટે ફાંસલો તૈયાર રાખ્યો હતો. 
એ બંને યુવકો વાતો કરતા કરતા આગળ વધી રહ્યા હતા. અચાનક જ પાછળથી સાતેક લોકો આવ્યા અને એ બંનેને ઝડપી લીધાં. આ બંને યુવકોની કોઈ જ માનસિક તૈયારી  નહીં હોય એટલે તેઓ કોઈ પ્રતિભાવ આપે કે પ્રતિકાર કરે એ પહેલા તો એમને પોલીસે જીપભેગાં કર્યાં. શરુઆતમાં તો એ લોકોને થયું કે કોઈ મારામારી કરીને લૂંટવા આવ્યા છે. પણ નીચે નજર ગઈ તો એક પગમાં એ યુવકે ખાખી કલરના બૂટ જોઈ લીધાં. એને તરત જ ખબર પડી ગઈ કે, માર્યા ઠાર... આ તો પોલીસ છે.  
પોલીસ સીધી જ લઈ ગઈ એ બંનેને પોલીસ સ્ટેશને. પ્હો ફાટવાની તૈયારી જ હતી. પણ આ ગુનેગારો એનો ગુનો કબૂલ કરવાના મૂડમાં ન હતાં. સરખેજમાં એક લૂંટ થઈ છે એ ગુના શકમંદ તરીકે પોલીસ અમને પકડી લાવી છે એ વાતની ખબર પડી કે તરત જ એ આરોપીએ પીએસઆઈને કહ્યું કે, સાહેબ એ લૂંટ અમે નથી કરી. હા, વર્ષો પહેલા વટવા પોલીસ સ્ટેશન નજીકથી એક બાઈક લૂંટી હતી.  
હવે, પેલા સિંઘમ પીએસઆઈનો મગજ જતો હતો. ગુસ્સાને કંટ્રોલ કરવા એ પોતાની ચેમ્બરમાં ગયા. થોડીવાર શાંતિથી બેઠા. સવાર થવાની તૈયારી હતી. પોલીસ સ્ટેશનની બહાર વહેલી સવારની ચહલ પહલ શરુ થઈ ગઈ હતી. એક કડક મસાલેદાર ચા પીધી અને ટેબલ પર પડેલી બેલ એમણે વગાડી. ફરજ પરનો હવાલદાર દોડીને આવ્યો. એ હવાલદારને પણ ખબર હતી કે, સાહેબનો મગજ કાબૂમાં નથી રહ્યો છતાં એણે હિંમત કરીને પૂછ્યું, સાહેબ બીજી ચા લાવી આપું? 
તીણી નજરે એમણે હવાલદાર સામે જોયું. પોતાની હડપચી ઉપર બે હથેળી ટેકવીને કહ્યું, ના. પેલા બેય મહેમાનોને અહીં લઈ આવ. એ ખાસ મહેમાનોને પણ અંદાજ આવી ગયો કે હવે ગયા કામથી. એ બંનેને લઈને બીજા કોન્સ્ટેબલ ચેમ્બરમાં આવ્યા કે પેલા પોલીસ અધિકારી પોતાની ખુરશીમાંથી ઉભા થઈને મહેમાનોની બેસવાની ખુરશી ઉપર બેસી ગયા. સહેજ શરીરને ખેંચીને લાંબું કર્યું. પોલીસ ચોપડે વોન્ટેડ એવા ઈમરાનને પૂછ્યું, હવે સાચી વાત કરવી છે કે, ખાસ મહેમાનગતિ માણવી છે? 
સિંઘમની આંખોનો ખોફ ઈમરાને ઘડીના છઠ્ઠા ભાગમાં જોઈ લીધો. એટલું જ બોલ્યો, સાહબ વો મેરી બુઆ સાસ કી બેટીયો પે બૂરી નજર ડાલતા થા. સૌતેલા બાપ થા લેકિન કુછ તો શરમ હોની ચાહિએ કી નહીં? 
2014ની સાલમાં મળેલા છેડાના તાણાંવાણાં શરુ થાય છે 2005ની સાલથી. નિરાધાર હુસેનાબીબીની આ વાત છે. પહેલો શૌહર કમોતે જન્નત નશીન થયો. ત્રણ સંતાનોનું ગુજરાન કેમ ચાલશે એમ વિચારીને પિતા સમાન મોટાભાઈએ એના ફિરોજ શા સાથે નિકાહ કરાવી દીધાં. બે ટીન એજ દીકરીઓ અને કાચી ઉંમરનો દીકરો. નવા વ્યક્તિને બહુ આસાનીથી અબ્બાજાન તરીકે સંબોધન કરવા લાગેલા. સૌતેલા અબ્બાની નજર ઓળખવાની દ્રષ્ટિ એ ટીનએજ દીકરીઓમાં હતી નહીં. પણ હુસેનાબીબી તો દીકરીઓની મા હતી.  
એણે ભત્રીજા જમાઈ ઈમરાન શેખને કહ્યું કે, ફિરોજની નજર નથી સારી. મારી દીકરીઓની મને બહુ ચિંતા થાય છે. અને ઘડાયો એક મર્ડરનો પ્લાન. 2005ની એક કાળી રાત્રે ફિરોજને કામના બહાને બોલાવ્યો. રીક્ષા ચાલક ભત્રીજા જમાઈ ઈમરાને અગાઉ પણ આ રીતે બોલાવેલો એટલે ફિરોજને કોઈ નવાઈ ન લાગી. પણ આજે એનું કાસળ નીકળી જવાનું હતું.  
પીએસઆઈ એ ગુનાની કબૂલાતની જ રાહ જોતા હતા. 2005ની સાલમાં અસલાલી રીંગ રોડ નજીક એક વિકૃત ચહેરા સાથેની લાશ મળી હતી. જેની કોઈ ઓળખ ન મળે એ રીતે એને ફેેંકી દેવામાં આવી હતી. આ વાત યાદ આવી કે, એ પીએસઆઈના વિચારોમાં જાણે એક વાવાઝોડું આવ્યું. એમણે એક ઘાંટો પાડીને ટેબલ ઉપર હાથ પછાડ્યો. એ અધિકારીના વર્તનથી ડઘાયેલા ઈમરાન શેખના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું.  
ઈમરાનને જાણે જીભ આવી હોય એમ બોલવા માંડ્યો. આજથી નવ વર્ષ પહેલાં મેં મારા સસરાની બહેન મતલબ કે બુઆ સાસના શૌહરનું મર્ડર કર્યું હતું. મારી સાથે આઠ લોકો હતા. ફિરોજ શાને કામ માટે બોલાવ્યો પછી એને ઘરે જ રોકી લીધો. રાત્રે લગભગ બે વાગે મારા સાળા યુસુફ અને મિત્રએ મારી મદદ કરી. જિયાઉદ્દીન શેખ અને શેરુએ  એને પકડી રાખ્યો. શરીરે હટ્ટાકટ્ટા ફિરોજ શાને મારી નાખવા માટે એક બે લોકો પૂરતાં ન હતા. એટલે અમે આઠેક લોકો અને હુસેનાબીબીએ સાથે મળીને આ કત્લને અંજામ આપ્યો. ફિરોજ શા સૂતો હતો અને બે લોકોએ એના પગ પકડ્યા અને બે લોકો એ એના હાથ કસીને પકડી લીધાં. અખ્તર હુસેને પલંગ ઉપર પડેલો તકિયો ઉઠાવીને એના મોઢા ઉપર દબાવી દીધો. ઉંઘમાં એણે છૂટવા માટે બહુ મહેનત કરી. પણ છેલ્લે હુસેનાબીબીએ એના ચહેરા ઉપર મૂકેલા તકિયાને દબાવ્યો. તરફડાટ કરતાં એના હાથ પગ એક સમયે ઢીલા થઈ ગયાં અને એનો જીવ નીકળી ગયો.  
એના નિશ્ચેતન પડેલા શરીર સામે જોઈને હુસેના બીબીને ધૃણા ઉપજી. જેના ઉપર ભરોસો રાખ્યો એણે જ મારી ઈજ્જત ઉપર હાથ નાખવાની કોશિશ કરી. એક ફિટકાર ભરેલી નજર નાખીને એણે ઈમરાનને એસિડની બોટલ આપી. કહ્યું, આની આંખો બળી જવી જોઈએ બસ. એની નજરે બહુ નાપાક હરકત કરી છે.  
ઈમરાને ગુનો કબૂલી લીધો પછી એ પીએસઆઈના ચહેરા ઉપર એક હાસ્ય રેલાઈ ગયું. મનમાં ને મનમાં જ બાતમીદારને થેંક્યૂ કહ્યું અને ટેબલ પર રહેલા સિગરેટના પાકિટને ઉઠાવ્યું. એમાં રહેલી પાંચેક સિગરેટ ઉપર આંગળી સેરવી અને એક સિગરેટ હાથમાં લીધી. સળગાવીને કશ લીધો ત્યારે એમની તંગ થયેલી નસો થોડી રિલેક્સ થઈ.  
આરોપીએ નવ વર્ષ પહેલાં આચરેલો ગુનો કબૂલ્યો હતો. જે પોલીસના રેકોર્ડમાં નોંધાયો ન હતો. પીએસઆઈનો રાઈટર બધી જ ઝીણામાં ઝીણી વિગતો નોંધતો હતો. આ બાજુ આરોપીનું કબૂલાતનામું લખાતું હતું અને પીએસઆઈના દિમાગમાં આગળની કાર્યવાહી કેવી રીતે કરવી એની એક્સરસાઈઝ ચાલતી હતી. એક વાત તો એમને સમજાઈ ચૂકી હતી કે, હવેનું પેપરવર્ક સહેલું નથી. આ માટે મારે બહુ જ મહેનત કરવી પડશે એ વાતનો એમને અંદાજ હતો. આ કેસના અંકોડા મેળવવાનું એમણે નક્કી કરી જ લીધું હતું. સાથીદાર અને મિત્ર એવા પીએસઆઈએ તેમની તમામ મદદ કરી. એક પછી એક પુરાવાઓ એકઠાં કર્યાં. વર્ષો પહેલાંના પોસ્ટમોર્ટમના રિપોર્ટસ વાંચ્યા. એમાં ફિરોજ શાનું નામ મળ્યું. એના રિપોર્ટમાં તારણ લખેલું હતું કે, અકુદરતી મોત. કોઝ ઓફ ડેથ એટલેકે મોતનું કારણ દર્શાવેલું હતું અને એમાં લખ્યું હતું કે, સ્ટ્રેન્ગ્યુલેશન. જેનો અર્થ એ થાય કે, મરનારના બોડી પર એવા ચોક્કસ ચિહ્નો મળ્યા છે જેના પરથી સાબિત થાય કે, આ વ્યક્તિનું મોત કુદરતી નથી. ગળાટુપોથી મૃત્યુ થયું.  ચહેરાની ઓળખ ન થઈ શકે એ હદે લાશનો ચહેરો એસિડથી બાળી નાખવામાં આવ્યો હતો. આ પછી કેસને મજબૂત કરવા જરુરી સાયન્ટીફીક પુરાવા એકઠાં કર્યાં. પોલીસે કપડાં ચેક કર્યા અને તે મેચ થતાં હતા. સાથીદાર કોઈ કેસ સુલઝાવવાની નજીક હોય ત્યારે સહિયારી મહેનત રંગ લાવતી હોય છે. આ કેસ પહેલા ઉકેલવામાં આવ્યો પછી દાખલ કરવામાં આવ્યો. 
ઈમરાનના કબૂલાતનામાં ઉપર એની સહી કરાવીને સેફ ડિપોઝીટ વોલ્ટમાં એ પીએસઆઈએ ફાઈલ મૂકી. પછી જીપ ભગાવી સીધી અસલાલી પોલીસ સ્ટેશન. 2005ની પોલીસ સ્ટેશનની ડાયરી મંગાવી. જેમાં અકસ્માતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. સાથે ઘટનાસ્થળેથી મળી આવેલા લોહીના ડાઘા, એફએસએલના પુરાવા વગેરેનું એનાલિસીસ એમણે વાંચ્યું.  
આખા કેસના પુરાવાઓના જે છેડાં અંત સુધી નહોતા જતાં એ મળી ગયા. ઈમરાન શેખની કબૂલાતના આધારે એના સાળા યુસુફની ધરપકડ થઈ. હુસેના બીબીને પણ પોલીસ પકડી લાવી. તમામ સામે ગુનો નોંધીને તેનો કેસ ચાલ્યો.  
જે દિવસે કોર્ટની પહેલી તારીખ હતી એ દિવસે એ પીએસઆઈના ચહેરા ઉપર આનંદ હતો. વણઉકેલાયેલા ગુનામાં પોતાનો બાતમીદાર સાચો પડ્યો એની ખુશી હતી. છાતી ઠોકીને સાચી બાતમી આપતાં મુખબીરો પોલીસ ખાતા માટે ખૂબ જ મહત્ત્વની કડી છે. એ વાત ફરી સાબિત થઈ. એક મા દીકરી સામે નજર ખરાબ કરનારની શું વલે કરે છે એ પણ જોઈ લીધું. છેવટે એમણે એવું કહ્યું કે, ગુનો ગમે ત્યારે આચરવામાં આવ્યો હોય એ ગુનેગાર સુધી પોલીસના હાથ પહોંચી જ જાય છે. દરેક ગુનાની સજા લખાયેલી જ છે.
Advertisement
Tags :
Advertisement

.