રાજ્યમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થશે પ્રિ-સ્કૂલ અને આંગણવાડી
ભૂલકાઓ ફરી શાળાએ જશે
રાજ્યમાં દૈનિક સામે આવતા નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેથી એવું કહી શકાય કે કોરોનાની ત્રીજી લહેર પણ પુરી થવામાં છે. આવી સ્થિતિમાં સરકાર પણ જુદા જુદા પ્રતિબંધો હળવા કરી રહી છે, જે અંતર્ગત આજે અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ આગામી 17મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્કૂલ અને આંગણવાડી શરુ કરવાની જાહેરાત કરી છે.
કોરોના ગાઈડલાઈનનું કરાશે પાલન
શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું કે 'આરોગ્ય તથા શિક્ષણની ચિંતા કરીને કોરોના ગાઇડલાઇન સાથે આંગણવાડી અને પ્રિ-સ્કૂલ શરુ કરી શકાશે. જેના માટે બાળકોના વાલીઓની મંજૂરી લેવી જરુરી છે. ખાસ કરીને ભણતર દરમિયાન કોરોના ગાઇડલાઇનનું પાલન થાય તેનું શૈક્ષણિક સંસ્થાઓ ખાસ ધ્યાન રાખે'.
2 વર્ષથી બંધ હતી પ્રિ સ્કૂલ
2 વર્ષ કરતા પણ વધારે સમય બાદ હવે નાના ભૂલકાઓ શાળાએ જઇ શકશે. કોરોના મહામારી શરુ થઇ ત્યારબાદથી આજ સુધી આંગણવાડી કે પ્રિ-સ્કૂલ બંધ જ હતી. કેસમાં વધારાને ઘટાડા સાથે પ્રાથમિક શાળા, હાઇસ્કૂલ કે પછી કોલેજોને શરુ કરવાના અને બંધ કરવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે આંગણવાડી અને પ્રિ-સ્કૂલને તો બંધ જ રખાઇ હતી. ખાસ કરીને નાના ભૂલકાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ શાળાઓ બંધ જ રખાઇ હતી.
રાજ્ય સરકારે ભૂલકાઓને વાલીઓની સહમતિ સાથે ફરી વખત શાળાએ મોકલવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે 7 ફેબ્રુઆરીએ ધોરણ 1થી 9નું ઓફલાઇન શિક્ષણ શરુ કરવાની જાહેરાત કરી હતી.