Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાગ-૪ કાળભૈરવ: તામસી પ્રકૃતિના સ્વામીની નિશ્રામાં એક સ્વાનુભવ!

થાઈરોઇડગ્રસ્ત ભારે શરીરને કારણે જમીન પર ન બેસી શકતાં રવિ કાકા માટે બાપુએ પોતાની ઓરડીમાંથી ખુરશી લાવી આપી. અમે પણ ભૈરવબાપાને પ્રસાદ ચઢાવવા માટે બીડી, નારિયેળ, પુષ્પની હારમાળા, દૂધ, ગંગાજળ વગેરે લઈને આવેલાં.અમે સૌએ જમીન ઉપર અમારું સ્થાન ગ્રહણ કર્યુ. આરતીની તૈયારી પૂરી થઈ કે તરત બાપુએ કાકા સામે જોયું. કાકાએ એમની લાક્ષણિક શૈલીમાં માર્મિક સ્મિત આપ્યું.‘મહારાજ... આપો આહ્વાન!’ બાપુએ હાં
ભાગ ૪  કાળભૈરવ  તામસી પ્રકૃતિના સ્વામીની નિશ્રામાં એક સ્વાનુભવ
થાઈરોઇડગ્રસ્ત ભારે શરીરને કારણે જમીન પર ન બેસી શકતાં રવિ કાકા માટે બાપુએ પોતાની ઓરડીમાંથી ખુરશી લાવી આપી. અમે પણ ભૈરવબાપાને પ્રસાદ ચઢાવવા માટે બીડી, નારિયેળ, પુષ્પની હારમાળા, દૂધ, ગંગાજળ વગેરે લઈને આવેલાં.
અમે સૌએ જમીન ઉપર અમારું સ્થાન ગ્રહણ કર્યુ. આરતીની તૈયારી પૂરી થઈ કે તરત બાપુએ કાકા સામે જોયું. કાકાએ એમની લાક્ષણિક શૈલીમાં માર્મિક સ્મિત આપ્યું.
‘મહારાજ... આપો આહ્વાન!’ બાપુએ હાંકલ મારતાં કહ્યું. એમણે કાકાના હાથમાં ગુગળ-લોબાનનું ધૂપેલિયું પકડાવ્યું, જેમાંથી ઉઠી રહેલી ધૂમ્રસેરો સાથે ત્યાં બેઠેલાં સાધુઓએ પરિસરમાં રાખેલાં ઢોલ-નગારા વગાડવાની શરૂઆત કરી.
એ સાથે જ, કાકાએ શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારણો સાથે પ્રચંડ અને ભાવવાહી સ્વરે કાળભૈરવાષ્ટકનું ગાન શરૂ કર્યુ,       
देवराजसेव्यमानपावनांघ्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम् ।
नारदादियोगिवृन्दवन्दितं दिगंबरं काशिकापुराधिनाथकालभैरवं भजे ॥
જેમ જેમ એમના મુખમાંથી શ્લોકો સ્ફૂરતાં જતાં હતાં, એમ એમ વાતાવરણ વધુ એ વધુ દિવ્ય, રહસ્યમય અને અલૌકિક થતું જતું હતું.
... અને, દૂર ક્યાંકથી કૂતરાનો ભસવાનો અવાજ સંભળાયો.
થોડી ક્ષણો પહેલાં આસપાસ જ્યાં બે-ત્રણ કૂતરા માંડ દેખાતાં હતાં, ત્યાં અચાનક પંદરથી વીસ કૂતરાંઓનું ટોળું આવીને એકસાથે લયબદ્ધ રીતે ભસવા માંડ્યું. હું મંત્રમુગ્ધ થઈને આ ઘટના નિહાળી રહ્યો હતો. મારા માટે નવાઈની વાત એટલા માટે નહોતી, કારણકે કાકા જ્યારે આસપાસ હોય ત્યારે કંઈક ને કંઈક અલૌકિક પ્રસંગો બનતાં રહેતાં.
કાકા, બાપુ અને સૌનું ધ્યાન આરતીમાં હતું અને મારું ધ્યાન શ્વાન પર! બધા શ્વાનો જાણે સંપીને આવ્યા હોય એમ ડાબી અને જમણી તરફ બે હરોળમાં વહેંચાઈ ગયા. વચ્ચેની હરોળ એમણે ખાલી રહેવા દીધી. વર્ગખંડમાં શિક્ષકની સામે વિદ્યાર્થીઓ ગોઠવાઈ જાય એવી રીતે, એ શ્વાનો કોઈના માર્ગદર્શન વિના ક્રમબદ્ધ ગોઠવાઈ ગયા. એકની પાછળ એક!
કાકાના મુખમાંથી અસ્ખલિતરૂપે ગવાઈ રહેલું કાળભૈરવાષ્ટક મારા રૂંવાડા ઊભા કરી દેતું હતું,   
भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनम् ।
कालकालमंबुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथकालभैरवं भजे ॥
જેમ જેમ એમનું અષ્ટક પૂર્ણાહુતિ તરફ આગળ વધતું ગયું, એમ એમ અમારી અનુભૂતિઓ અને શરીરના કંપનો વધુ તીવ્ર બનતાં ગયા.
જાણે સાક્ષાત્ મહાકાળને આહ્વાન આપવામાં આવી રહ્યું હતું!
... એ આવ્યા પણ ખરા!
આરતીની પૂર્ણાહુતિ પહેલાં બાપુએ કાળભૈરવ વિગ્રહના ચરણ પાસે ધરાવવામાં આવેલી બીડીનું પડીકું ઉઠાવીને એમાંથી પાંચેક બીડીઓ એકસાથે સળગાવી.
એ સાથે જ, કાળભૈરવના દેહમાં પ્રાણ ફૂંકાયા હોય એમ એમની આંખો સહેજ ચકળવકળ ઘૂમી અને મોટી થઈ. એમના હોઠ પાસે રાખવામાં આવેલી બીડીમાંથી કસ ફૂંકાવા લાગ્યો. પવન વગરના વાતાવરણમાં પણ બીડીની આગળનો પ્રજ્વલિત ભાગ વર્તુળાકારે ઓગળવા માંડ્યો. માણસ સિગારેટ ફૂંકે, ત્યારે જેમ એ ક્રમશઃ ઓછી થતી જાય એમ!
બાપુએ મને ઈશારો કર્યો.
હું વિગ્રહ પાસે પહોંચ્યો કે તરત મારા હાથમાં બીડીનું પડીકું આપવામાં આવ્યું. એકસાથે સાત બીડી સળગાવીને મેં જેવી ભૈરવના હોઠ પર મૂકી કે તરત મારા હાથએ પ્રચંડ ખેંચાણ અનુભવ્યું. કોઈક વ્યક્તિ અધીરું બનીને અત્યંત બળપૂર્વક કસ ખેંચતી હોય એવું ખેંચાણ! મેં વધુ નજીક જઈને એમની આંખોમાં જોવાનો પ્રયત્ન કર્યો. કાળભૈરવાષ્ટકનો અંતિમ શ્લોક ગવાઈ રહ્યો હતો.
...અને, વિગ્રહની બંને આંખોની કીકીએ મારા પર ત્રાટક કર્યુ! મારા તરફ ઘૂમી ચૂકેલી એ કીકીઓમાં અજબ આકર્ષણબળ હતું. કોઈ જાતના પવન વગર ફક્ત બે-ત્રણ સેકન્ડ્સમાં પૂરી થઈ ગયેલી બીડી એ વાતની સાબિતી હતી કે ભૈરવ હાજર થઈ ચૂક્યા છે! મેં પાંચ બીડી નવેસરથી સળગાવીને એમના હોઠ પર મૂકી અને પાછળ કાળભૈરવાષ્ટકની પૂર્ણાહુતિનો સ્વર પડઘાયો,
ૐ नमः महाकाल भैरवाय स्वाहा ।
એટલામાં ક્યાંકથી એક મોટો કાળા રંગનો ડાઘિયો કૂતરો પરિસરમાં પ્રવેશ્યો. તેની તેજથી તગતગતી આંખોમાં કાળરાત્રિ સમાહિત હતી! સામાન્ય માણસ તો એને જોઈને ભયભીત જ થઈ જાય, એટલું કદાવર અને કાળુંમેશ! ડાબી અને જમણી બાજુ આવીને બેસી ગયેલાં શ્વાનોની વચ્ચેથી પસાર થતું એ કાળભૈરવ વિગ્રહ પાસે આવી પહોંચ્યું.
વિગ્રહની સામે માનવની જેમ લાંબા થઈને નમસ્કાર કર્યા બાદ એણે સર્વપ્રથમ બાપુ સામે જોયું, ત્યારપછી કાકા સામે અને છેલ્લે મારી સામે!
મારામાં ક્યાંથી હિંમત આવી અથવા મને કોણે પ્રેરણા આપી, એ તો હું નથી જાણતો... પણ પૂરી થઈ ગયેલી બીડીના ઠૂંઠા જમીન ઉપર મૂકીને મેં એમના મસ્તક ઉપર હાથ ફેરવ્યો અને મારા કપાળ પર સ્પર્શ કરીને નમન કર્યુ.
તત્ક્ષણ, આરતી વેળા સહસા પ્રગટેલાં સૌ શ્વાન પોતપોતાની ગતિએ ફરી અંધકારમાં પરત ફરીને ઓગળી ગયા. જ્યાં સુધી એ મારી નજર સામેથી ઓઝલ ન થયા, ત્યાં સુધી હું એમને તાકતો રહ્યો. મને જાણ નહોતી કે રવિ કાકા અને મહંત બાપુ પણ પ્રસન્નચિત્તે એકીટશે મારી સામે તાકી રહ્યા હતાં!
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com 
Advertisement
Tags :
Advertisement

.