Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા, બુધવારે સવારે 8 વાગ્યા સુધી થઇ શકશે અંતિમ દર્શન

અહેવાલઃ કૃષ્ણ રાઠોડ, નડિયાદ  નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક જ્ય ગુરૂજી પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા છે. આજરોજ તારીખ-10/10/2023 મંગળવાર સવારે 9-15 કલાકે તેમનું દેહાંત થયું. પૂજ્યશ્રીના અંતિમ દર્શન બુધવાર તા.11/10/2023 સવારે 8 કલાક સુધી નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કારધામમાં થશે. પદ્મશ્રી...
નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા  બુધવારે સવારે 8 વાગ્યા સુધી થઇ શકશે અંતિમ દર્શન

અહેવાલઃ કૃષ્ણ રાઠોડ, નડિયાદ 

Advertisement

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક જ્ય ગુરૂજી પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા છે. આજરોજ તારીખ-10/10/2023 મંગળવાર સવારે 9-15 કલાકે તેમનું દેહાંત થયું. પૂજ્યશ્રીના અંતિમ દર્શન બુધવાર તા.11/10/2023 સવારે 8 કલાક સુધી નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કારધામમાં થશે.

પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીનો જીવન પરિચય

Advertisement

તેમનો જન્મ તા. ૨૬, ફેબ્રુઆરી, 1926ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ડાભલા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ મણીબેન, પિતાનું નામ કરુણા શંકર અને પત્નીનું નામ મંગળાબેન છે. શ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીએ અભ્યાસ વ્યાકરણ/ સાહીત્યાચાર્ય, હિન્દી વિશારદ કર્યુ હતુ. તેઓ પેટલાદ રાજકીય સંસ્કૃત પાઠશાળામાં આચાર્ય તરીકે અધ્યાપન કરાવતા હતા.

તેમના લેખન કાર્યમાં લગ્ન સંસ્કાર, બ્રાહ્મણ, પ્રમુખ પીયુષ, સ્મરણ સુધા, જીવન સુધા, સપ્ત સુધા, સંસ્કૃતિ સુધા, સ્તુતિ સુધા, ભારતીય તત્વદર્શન, આચમન, વૈદિક વાડ્મયનો પ્રાથમિક પરિચય વગેરેનો સમાવેશ કરી શકાય . પદ્મશ્રી ડો. ડાહ્યાભાઈ શાસ્ત્રીજીને ઉત્તમ કાર્યો બદલ અનેક સન્માન મળ્યા હતા... તેમને વર્ષ ૨૦૧૬માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને વર્ષ ૧૯૯૭માં વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત પંડિત સન્માન, ૨૦૦૨માં સાંદીપની બ્રહ્મર્ષી એવોર્ડ અને પરશુરામ યુવા સંસ્થાન બ્રહ્મ સેવા સન્માન , ૨૦૦૭/૨૦૧૦માં સાહિત્ય ગૌરવ સન્માન, ૨૦૦૭મા બ્રહ્મરત્ન એવોર્ડ, ૨૦૧૪માં ચાણક્ય એવૉર્ડ, સંસ્કૃત વિદ્યા વારિધી, ૨૦૧૫માં સ્વાધ્યાય મંડળ સન્માન, નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય સન્માન, ગુર્વભિવાદનમ, સન્માનમ – ગુરૂકુળ - છારાડી, રાજ્ય ગોરવ સન્માન અને ગ્લોરી ઑફ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરાયા હતા.. . આ ઉપરાંત શાસ્ત્રીજીને સોમનાથ સંસ્કૃત યુનિ. - વેરાવળ તરફ થી માનદ્ ડી.લીટ્.,ની પદવી પણ એનાયત કરવામાં આવી હતી. . આ સિવાય તેમણે શ્રી બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અને સદભાવના એવૉર્ડ – ઉમરેઠ પણ મેળવી હતી. .

Advertisement

પદ્મશ્રી ડો. ડાહ્યાભાઈ શાસ્ત્રીજીએ તેમના જીવનમાં ઘણી સેવાકીય પ્રવૃતિઓ અને ફરજો બજાવેલ હતી. તેમણે નવી દિલ્હી ખાતે આવેલ ધર્મ જાગરણ ન્યાસમાં પૂર્વ અધ્યક્ષ તરીકે, સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પૂર્વ અધ્યક્ષ તરીકે, નવી દિલ્હી ખાતે આવેલ ભારત સંસ્કૃત પરિષદમાં કેન્દ્રિય અધ્યક્ષ તરીકે, નવી દિલ્હી ખાતે આવેલ સંસ્કૃત ભારતીમાં ટ્રસ્ટી તરીકે અને વિશ્વ હિન્દુ પરિષદમાં અખિલ ભારતીય ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી હતી. તથા નડિયાદ ખાતે આવેલ શ્રી અંબાઆશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમજ કિલ્લા પારડી ખાતે આવેલ સ્વાધ્યાય મંડળના અધ્યક્ષ તરીકે અને ગુજરાત પ્રદેશમાં વિ.હિ. પરિષદના સંરક્ષક તરીકે તેમણે સેવા આપી હતી. .

આ ઉપરાંત તેમણે નડિયાદ ખાતે આવેલ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ, કરૂણામણિ મંગલા સેવા ટ્રસ્ટ, મહેસાણા ખાતે આવેલ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામની સ્થાપના કરી હતી. તેથી જ તો શાસ્ત્રીજી સમાજ અને રાજ્યના અનેક મહારથીઓ વચ્ચે પોતાનું પૂજનીય સ્થાન અચળ રાખી શક્યાં હતા. રાજ્ય અને રાષ્ટ્રની સરકારે તેમને સમગ્ર ચરોતર પ્રદેશના સર્વપ્રથમ પદ્મશ્રી પ્રતિભા તરીકે નવાજ્યાં હતા.. આમ જોવા જઈએ તો આખા રાજ્યમાં સંસ્કૃત અને સંસ્કૃતિના જતન તથા એજ્યુકેશન ક્ષેત્રે આવા સન્માનિત પ્રતીકથી નવાજાયેલા શ્રી કે.કા.શાસ્ત્રી પછીના બીજા જ સ્થાને પૂ. શાસ્ત્રીજીનું અભિવાદન થયુ હતું. . જે બતાવે છે કે એક વ્યક્તિ પોતાના એક જીવનમાં અર્જિત કરેલા જ્ઞાનને જ્યારે સંસ્કૃતિની સ્વસ્થતા, શોભા અને સમર્પણ માટે ખર્ચી નાંખે છે ત્યારે તેમને પ્રાપ્ત થતા આવા સન્માનો વ્યક્તિગત ન બની રહેતાં આખા સમાજ અને શહેર માટે ગૌરવાન્વિત બને છે. આ અર્થમાં આપણે એમ કહી શકીએ કે રાજ્ય અને રાષ્ટ્રની સરકારે શાસ્ત્રીજીને પદ્મશ્રીથી નવાજ્યા અને શાસ્ત્રીજીએ સંસારી તપસ્વીના જીવન થકી પોતાની કર્મભૂમિ ગણાતા નડિયાદ અને પેટલાદને ગદ્ગદ્ છાતિ ફૂલેણો આદર એનાયત કરાવ્યો હતો.

પિતા કરુણાશંકર, માતા મણિબા અને ભાર્યા મંગળાના નામનો પવિત્ર ત્રિવેણી રાખીને શાસ્ત્રીજીએ ૯૦ના દાયકામાં નડિયાદ ખાતે શ્રી કરણામણિ મંગલા સેવા ટ્રસ્ટની સ્થાપના કરી. જેમાં પોતાની તમામ અંગત માલ-મિલકતો સમર્પિત કરી. તેમાંથી નડિયાદથી ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર તરફ જતાં માર્ગ ઉપર છ વિઘા જમીન ખરીદી. પાછળથી તેમાં બીજા ૪ વિઘાનો ઉમેરો કર્યો, અને દૃઢ સંકલ્પ થકી કાર્યસિદ્ધિ કેવી રીતે કરી શકાય તેનું ઉત્તમ સાંસ્કૃતિક ઉદાહરણ પુરું પાડ્યું. કારણ કે આ સ્થળે તેમણે મહિર્ષ વ્યાસ, વસિષ્ઠ, વાલ્મિકી અને સાંદિપનીના ઋષિઆશ્રમો જેવું, સતયુગની આભા ઉભી કરતું બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ઉભું કર્યું. અહીં ગુરુકુળની પરંપરામાં વેદ,વ્યાકરણ, સાહિત્ય, વેદાન્ત, ધર્મશાસ્ત્ર, જ્યોતિષ, ઉપનિષદ, પુરાણના ઊંડા જ્ઞાનની સાથોસાથ વૈશ્વિક ભાષા અંગ્રેજી અને ગ્લોબલ ટેકનોલોજીના પ્રવેશદ્વાર સમા કોમ્પ્યુટરનું જ્ઞાન પણ પીરસાય છે. આજ સુધીમાં શાસ્ત્રીજીના જ્ઞાનવડલા તળે પેટલાદથી અગણિત વિદ્યાર્થીઓએ અને નડિયાદ બ્રહ્મર્ષિમાંથી લગભગ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ સંસ્કૃત અને વેદ-વેદાંતનો અભ્યાસ મેળવી લીધો છે. સાથોસાથ અહીં ગૌશાળાની ગાય માતાઓનું જતન, શિવાલયના વેદમંત્રોનું ગાન અને નક્ષત્રમંદિરના વૃક્ષદેવતાઓ માટેની લગન પણ શાસ્ત્રીજીના જીવનકાર્યનું અવિભાજ્ય અંગ બની છે.

નોકરીની નિવૃત્તિ પછીનું જીવન શાસ્ત્રીજીએ સમાજ સેવાના ભેખધારી તરીકેનું જ વિતાવ્યું હતું. ગુજરાતભરમાં સંસ્કૃત પાઠશાળાઓનો વિકાસ થાય, સાચા કર્મકાંડી બ્રાહ્મણો સક્રિય થાય, વિશ્વ હિંદુ પરિષદની શાખા-પ્રશાખાઓના સર્જન થકી હિંદુ સંગઠનો રચનાત્મક કાર્યો તરફ કૂચ કરી, સમૂહ યજ્ઞોપવિતથી માંડીને અગણિત સમાજયજ્ઞોની ધૂણી ધખાવી , અનેક સંસ્થાઓનો વિકાસ કર્યો, અને ૯૦ ના આંકડાને આંબ્યા પછી પણ નડિયાદ જેવું જ બીજું બ્રહ્મર્ષિ ધામ મહેસાણામાં ઉભું કરવાનો પુનશ્ચય કર્યો .... એ જ શાસ્ત્રીજીનો સ્થાયી જીવનરસ રહ્યો છે. વળી આ બધું જ કોઈપણ જાતની, પદની, અર્થની કે માન-સન્માનની આશા-અપેક્ષા વગર તેમણે પ્રજવલિત રાખ્યું .. તેથી આ વાચસ્પતિ શાસ્ત્રીજી માત્ર નડિયાદનું જ નહીં આખા ગુજરાતનું ભૂષણ બન્યા હતા.

Tags :
Advertisement

.