Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હે ભારતીયો, હેલ્થને હળવાશથી ન લો!

આખી દુનિયામાં આપણી ચરક સંહિતાને માન આપવામાં આવે છે. દેશી ઓસડિયાં અને આયુર્વેદ તરફ લોકો વળી રહ્યા છે. પહેલું સુખ તે જાતે નર્યાં આ કહેવત આપણે ખાલી બોલીએ જ છીએ. એને જીવતાં નથી. એને પાળતાં નથી. ભારતીયો પોતાની તબિયત માટે સૌથી વધુ બેદરકાર છે. આખી દુનિયાના વર્લ્ડ હેલ્થ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો ભારતનો નંબર પડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતાં પણ પાછળ આવે છે.  આજે વર્લ્ડ હેલ્થ ડે છ
09:15 AM Apr 07, 2022 IST | Vipul Pandya
આખી દુનિયામાં આપણી ચરક સંહિતાને માન આપવામાં આવે છે. દેશી ઓસડિયાં અને આયુર્વેદ તરફ લોકો વળી રહ્યા છે. પહેલું સુખ તે જાતે નર્યાં આ કહેવત આપણે ખાલી બોલીએ જ છીએ. એને જીવતાં નથી. એને પાળતાં નથી. ભારતીયો પોતાની તબિયત માટે સૌથી વધુ બેદરકાર છે. આખી દુનિયાના વર્લ્ડ હેલ્થ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો ભારતનો નંબર પડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતાં પણ પાછળ આવે છે.  
આજે વર્લ્ડ હેલ્થ ડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના થઈ ત્યારથી વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે.  
સૌથી પહેલો સવાલ થાય કે, સ્વસ્થ હોવું એટલે શું? 
શારીરિક રીતે સ્વસ્થ એટલે તમે તંદુરસ્ત? માનસિક રીતે તંદુરસ્ત એટલે તમે સ્વસ્થ?  
સંપૂર્ણપણે સ્વસ્થ એટલે શારીરિક, માનસિક અને સૌથી વધુ મહત્ત્વનું છે સામાજિક રીતે પણ સ્વસ્થ હોવું. સરસ મજાના તૈયાર થઈને તસવીરો પડાવો પણ મનની અંદર તૂમુલ યુદ્ધ ચાલતું હોય તો તમે સ્વસ્થ નથી. ચીપકાવેલું પ્લાસ્ટિકીયું સ્માઈલ ચહેરા પર હોય તો તમે સ્વસ્થ નથી. વાતો ચાલતી હોય અને તમે ત્યાં એ પળમાં હાજર ન હોવ તો એ તમારી અસ્વસ્થતા બતાવે છે. રોજેરોજ કોઈ અસલામતીમાં જીવો છો તો તમે સ્વસ્થ નથી. એ પછી સંબંધોની હોય કે નોકરીની હોય કે પછી પરિવારની કે જીવનસાથીની હોય.  
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આજે આખા જગતને ચેતવ્યું છે કે, 99 ટકા લોકો ઝેરી હવામાં શ્વાસ લે છે. હવા ઝેરી છે એની સાથોસાથ મનની અંદર અને આપણી આસપાસ કેટલું ઝેર અને નેગેટીવિટી ભરેલા છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. કોવિડ પહેલાનો સમય અને કોવિડ પછીનો સમય જોઈ લો. દરેક વ્યક્તિ કોઈને કોઈ સ્ટ્રેસમાંથી પસાર થાય છે. મનોચિકિત્સકો અને કાઉન્સેલરો એક સૂરે કહે છે કે, માનસિક અસ્વસ્થ લોકોની સંખ્યામાં જબરો વધારો થયો છે. સંબંધોના સ્ટ્રેસથી માંડીને નોકરીના સ્ટ્રેસના કારણે લોકોમાં માનસિકની સાથોસાથ લાઈફસ્ટાઇલ ડિસીઝની સંખ્યા પણ વધતી રહી છે. 2025ની સાલમાં આખી દુનિયામાં સૌથી વધુ ડાયાબિટીસથી પીડાતા લોકોની સંખ્યા ભારતમાં હશે એવું આંકડાના એક્સપર્ટસ કહે છે.  
મેડીકલ સાયન્સના કારણે હવે માણસ લગભગ અમરત્વ સુધી પહોંચી ગયો છે. ભારત આઝાદ થયું ત્યારે એવરેજ આયુષ્ય 47 વર્ષ હતું જે આજે 70 વર્ષ સુધી પહોંચી ગયું છે. ગંભીરમાં ગંભીર ઓપરેશન હોય તો પણ માણસના બચી જવાની શક્યતાઓ અત્યાધુનિક તકનીકના કારણે અને કુશળ ડૉક્ટર્સના કારણે વધી જાય છે. તેમ છતાં ગ્લોબલ હેલ્થ ઈન્ડેક્સમાં ભારતનો નંબર 66મો છે. અમેરિકા અને સ્વીટ્ઝરલેન્ડ સૌથી વધુ તબિયત પાછળ ખર્ચ કરે છે. આપણાં દેશમાં જીડીપીનો દોઢ ટકો હેલ્થ પાછળ ખર્ચાય છે. જ્યારે આપણી જરુરિયાતો એનાથી ક્યાંય વધુ છે. નીતિ આયોગના આંકડા કહે છે કે, કેરળ સૌથી તંદુરસ્ત રાજ્ય છે જ્યારે ઉતર પ્રદેશ સૌથી નબળું સ્વાસ્થ્ય ધરાવે છે.  
સૌથી વધુ આયુષ્ય દુનિયામાં જાપાનના લોકો ભોગવે છે. તેનું મુખ્ય કારણ સ્વસ્થ ભોજન અને નિયમિત કસરત છે. સૌ વર્ષની આયુથી વધુના લોકો જાપાનમાં પોતાની રીતે જીવે છે. સૌથી વધુ ભૂકંપ જાપાનમાં આવે છે. જાપાનને આપણે શૂન્યમાંથી બેઠું થતુ્ં જોયું છે તેમ છતાં આ દેશ સૌથી વધુ તંદુરસ્ત છે. નોકરીની બાબતમાં સરકારની નીતિથી માંડીને દેશના લોકોનો સ્વભાવ અને તાસીર પણ આમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.  
ભારત દેશની વાત કરીએ તો ખાનગી કંપનીમાં નોકરી કરતા લોકો સતત અને સખત તણાવમાં જિંદગી જીવે છે. નવ નવ કલાકની નોકરી, પોતાના પર્ફોમન્સનું ટેન્શન હોય ત્યાં આજનો યુવક કે યુવતી પરિવાર માટે સમય નથી ફાળવી શકતો. ખાનગી કંપનીઓની પોલિસીથી માંડીને અનેક પરિબળો ભારતીયોની માનસિક, શારીરિક અને સામાજિક તંદુરસ્તી માટે જવાબદાર છે.    
તંદુરસ્તી અને સ્વાસ્થ્યની વાત આવે ત્યારે મહિલાઓની તંદુરસ્તી વિશે ભાગ્યે જ વાત કરવામાં આવે છે. એમાંય ભારતીય સ્ત્રીઓ સૌથી વધુ પોતાની જાત માટે જ બેદરકાર છે. પરિવાર અને બાળકોને સમર્પિત જીવન જીવવું એ ભારતીય સ્ત્રીઓનો વણલખેલો નિયમ છે. પોતાના વિશે વિચારવામાં, પોતાના સ્વાસ્થ્ય વિશે વિચારીશ તો પરિવારજનોને સ્વાર્થી લાગીશ એ ગિલ્ટમાંથી આપણી સ્ત્રીઓ બહાર નથી નીકળી શકતી. હવે વિભક્ત પરિવારો વધુ જોવા મળે છે એમ દીકરીઓ અને મહિલાઓની તબિયત વધુ કથળતી જાય છે. અગાઉ સંયુક્ત પરિવારમાં પ્રૌઢાને મેનોપોઝનો સમય આવીને ક્યારે જતો રહેતો એ ખબર ન પડતી. આજે આપણે ત્યાં એવા લોકોની સંખ્યા વધુ છે જે પોતાના વ્યક્તિઓની તબિયતને, હોર્મોન્સના ઉતાર ચઢાવને કે મૂડ સ્વીંગ્સને લોકો પારખી નથી શકતા. ગુજરાતમાં છેલ્લાં પખવાડિયામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત બોર્ડની પરીક્ષાના પ્રેશરમાં હાર્ટ એટેકથી થયાં. આ પરિસ્થિતિ બહુ ચિંતાજનક છે. ખીલવાની ઉંમરે મૂરઝાઈ જતી જિંદગી વિશે વિચાર કરવાનો સમય આવી ગયો છે. મેડીકલ સાયન્સ પીડા ઓછી કરી શકશે, જિંદગીને એક્સટેન્શ આપી શકશે. પણ જો માનસિક રીતે કે સામાજિક રીતે સ્વસ્થ નહીં હોઈએ તો એ જિંદગીનો કોઈ મતલબ નથી. પોતાની તબિયત વિશે વિચાર કરવાનો યોગ્ય સમય આ જ અને અત્યારનો સમય જ છે.
Tags :
GujaratFirsthealthTakeCareworldhealthdayWorldHealthIndex
Next Article