CM Yogi Adityanath : શ્રીરામ મંદિર અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, નોંધાઈ FIR
હાલ સમગ્ર દેશ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં (Ayodhya) નિર્માણ પામી રહેલા ઐતિહાસિક શ્રીરામ મંદિરની (Shri Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. ત્યારે અયોધ્યામાં પણ આ મહોત્સવને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રીરામના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ પણ શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ગઈકાલે એટલે કે રવિવારે અયોધ્યાને (Ayodhya) કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી. ત્યારે આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને (CM Yogi Adityanath) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) અયોધ્યા મુલાકાતના એક દિવસ બાદ જ શ્રીરામ મંદિરને બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી છે. સાથે જ યુપીના સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને યુપી ATF ના વડા અમિતાભ યશને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ધમકી ISI સાથે સંકળાયેલા એક આરોપીએ ઈ-મેલ થકી આપી છે, જે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને (Devendra Tiwari) મોકલવામાં આવ્યો છે. આ મામલામાં લખનૌના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
આરોપી ISI સાથે સંકળાયેલ હોવાની આશંકા
મીડિયા અહેવાલ અનુસાર, ભારતીય કિસાન મંચ અને રાષ્ટ્રીય ગૌ પરિષદ સાથે જોડાયેલા દેવેન્દ્ર તિવારીને 27 ડિસેમ્બરે બપોરે 2:07 વાગ્યે એક ઈ-મેલ મળ્યો હતો, જેમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરાયો હતો અને ઇ-મેઇલ મોકલનારે અયોધ્યામાં શ્રીરામ મંદિર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ATF ચીફ અમિતાભ યશને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ઈ-મેલ મોકલનાર વ્યક્તિનું નામ ઝુબેર હુસૈન (ખાન) હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેનું કહેવું છે કે તે આતંકી સંગઠન ISI સાથે જોડાયેલો છે. આ ત્રણ લોકોના કારણે તે પરેશાન છે.
દેવેન્દ્ર તિવારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી
આ મામલે દેવેન્દ્ર તિવારીએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, 'ઝુબેર ખાન નામના વ્યક્તિ પાસેથી એક ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. આ સંદર્ભે હું આ સમાચાર સાથે મળેલા ઈ-મેઇલની ફોટોકોપી જોડું છું અને સરકાર અને વહીવટીતંત્ર પાસેથી સુરક્ષાની વિશેષ તપાસની માગ કરું છું. જો આ અંગે સંજ્ઞાન લેવામાં નહીં આવે, તો કદાચ હું સ્વીકારીશ કે મારો નંબર પણ બિન-સમુદાયના આ જેહાદી વ્યક્તિઓ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. બહુ જલદી હું પણ ગૌ સેવાના નામે શહીદ થઈ શકું છું'.
આ પણ વાંચો - Covid 19 : દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ! 227 દિવસ પછી નોંધાયા સૌથી વધુ, 3ના મોત