ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં મૃતકોના પરિવારને મોરારી બાપુએ 50 લાખની સહાય જાહેર કરી
અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ
ઓરિસ્સાના બાલાસોર નજીક સર્જાયેલા ત્રિપલ ટ્રેન અકસ્માતમાં પૂજય મોરારીબાપુએ મૃતકોના પરિવારજનો માટે 50 લાખની સહાય જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે ઓરિસ્સાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં સવા બસ્સોથી વધુ લોકોના મોતનો આંકડો સામે આવી ચૂક્યો છે . આ વર્ષનો આ અત્યંત ભિષણ કહી શકાય એવો આ રેલવે અકસ્માત છે. પૂજ્ય મોરારીબાપુ હાલ રામકથા માટે કોલકાતા છે. એ દરમિયાન એમને આ સમાચાર પ્રાપ્ત થયા હતા.
આ અત્યંત કરુણ ઘટનાને અંગે પૂજ્ય મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે. અને આ ઘટનામાં જેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે અને અન્ય ઘાયલ થયેલા લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. રામકથાના દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોની સદગતિ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને ઘાયલ લોકો ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી છે. મૃતકો અને ઘાયલોનાં પરિવારજનોને એમણે દિલસોજી પાઠવી છે.