પાકિસ્તાનને ડહાપણની દાઢ ફૂટીઃ અમને અમેરિકાની દુશ્મની ન પાલવે
શાહબાઝ શરીફે પાકિસ્તાનની સત્તા સંભાળી એને હજુ બે અઠવાડિયા થયા છે. દેશની પ્રજા બીજીવાર તેમને ચૂંટે એ માટે એમની પાસે હવે દોઢ વર્ષ જેટલો સમય બચ્યો છે. પાકિસ્તાનની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે એવી થઈ ગઈ છે. બેરોજગારી, મોંઘવારી, અસ્થિરતા, અસલામતી, વિદેશી દેવાથી માંડીને અનેક સવાલો સામે પાકિસ્તાનની પ્રજા લડી રહી છે. પાકિસ્તાન એક એવો દેશ છે જે આઝાદ થયો ત્યારથી માંડીને ક્યારેય સ્થિર શાસન àª
Advertisement
શાહબાઝ શરીફે પાકિસ્તાનની સત્તા સંભાળી એને હજુ બે અઠવાડિયા થયા છે. દેશની પ્રજા બીજીવાર તેમને ચૂંટે એ માટે એમની પાસે હવે દોઢ વર્ષ જેટલો સમય બચ્યો છે. પાકિસ્તાનની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે એવી થઈ ગઈ છે. બેરોજગારી, મોંઘવારી, અસ્થિરતા, અસલામતી, વિદેશી દેવાથી માંડીને અનેક સવાલો સામે પાકિસ્તાનની પ્રજા લડી રહી છે. પાકિસ્તાન એક એવો દેશ છે જે આઝાદ થયો ત્યારથી માંડીને ક્યારેય સ્થિર શાસન કે શાસક પામી શક્યો નથી.
ચીન પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવતા શાહબાઝ શરીફ એ બખૂબી જાણે છે કે, ચીનના ચાળે ચડવાથી અમેરિકાના નારાજ ન થવું જોઈએ. શાહબાઝ શરીફે ગઈકાલે કહી જ દીધું કે, અમને અમેરિકાની દુશ્મની પરવડે એમ નથી. પોતાના દેશમાં જ આતંકવાદને પોસતાં પાકિસ્તાન પાસે પોતાના તો ઠીક પણ પોતાના દેશમાં રોજીરોટી રળવા આવતા વિદેશી લોકોને બચાવવા માટે પણ કોઈ એક્શન પ્લાન ન હોય એવું લાગે છે. હજુ બે દિવસ પહેલા એક આત્મઘાતી હુમલામાં બલૂચી શારીએ ચીનની ત્રણ શિક્ષિકાઓને ઉડાવી દીધી. કરાચી યુનિવર્સિટીમાં મેન્ડરીન ભાષા શીખવતી ત્રણ ટીચર સહિત ચારને ઉડાવી દેવાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી. ચીની નાગરિકો ઉપર કંઈ આ પહેલો હુમલો નથી થયો. આ અગાઉ પણ હુમલાના પાંચ બનાવો બન્યા છે જેમાં ચીનના નાગરિકો માર્યા ગયા છે. આ હુમલાથી ચીન પાકિસ્તાન ઉપર બરોબરનું બગડ્યું છે.
વિકાસના નામે દેવું આપીને દેવાળીયા બનાવવાની ડેબ્ટ પોલિસીમાં ચીની માસ્ટરી છે. ચીનના અનેક પ્રોજેક્ટ પાકિસ્તાનમાં ચાલી રહ્યા છે. પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઈમરાન ખાન તો ચીનના ખોળે જ બેસી ગયા હતા. ચીન-પાકિસ્તાની ઈકોનોમીક કોરિડોર, ગ્વાદર બંદરનું ડેવલપમેન્ટથી માંડીને ચીનના અનેક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાકિસ્તાનમાં ચાલી રહ્યા છે. શાહબાઝ શરીફે પાકિસ્તાનના શાસનની ધૂરા સંભાળી કે તરત જ તેમના યોજના મંત્રી અહેસાન ઈકબાલે કહેલું કે, ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પાકિસ્તાન માટે ખોટનો રસ્તો છે. આ પ્રોજેક્ટ બંધ કરવો જોઈએ એવી ભલામણ તેમણે વડાપ્રધાનને કરી. પાકિસ્તાનના સત્તા પલટાનો ઘટનાક્રમ જોઈએ તો ઈમરાન ખાન પાકિસ્તાનના નેશનલ ટેલિવિઝન પર એવું બોલી ગયેલા કે, આ બધું અમેરિકાના ઈશારે થઈ રહ્યું છે. ઈમરાન ખાન જ્યારે સત્તા ઉપર હતા ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડને એકપણ વાર ઈમરાન ખાન સાથે વાત કરવાની ઉત્સુકતા બતાવી ન હતી. એક સર્વે પ્રમાણે પાકિસ્તાનના વીસ ટકા લોકો પણ અમેરિકાને પોતાનું મિત્ર નથી માનતા. જ્યારે એક સમયે શાસક રહેલા પરવેઝ મુશર્રફ તો ચીનને પાકિસ્તનાનું ઓલ વેધર ફ્રેન્ડ કહેતા પણ અચકાતા નહીં.
પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો પાકિસ્તાનની આઝાદી સમયથી મજબૂત રહ્યા હતા. 1947થી માંડીને 2016 સુધી અમેરિકાએ પાકિસ્તાનને 78.3 બિલિયન ડોલર સેનાને મદદ કરવાના નામે આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકામાં સત્તા ઉપર હતા ત્યારે ઈમરાન ખાન એમને 2019ની સાલમાં મળવા ગયેલા. સંબંધો વધુ મજબૂત કરવાના ઈરાદાથી અમેરિકા ગયેલા ઈમરાન ખાનને તાકીદ કરવામાં આવેલી કે, તમારા દેશમાં આતંકવાદીઓ સામે આકરા પગલાં લો. પણ આતંકવાદ સામે કોઈ પગલાં ન લીધા એટલે અમેરિકાએ પાકિસ્તાનની સૈન્યને મદદ કરવાનું બંધ કરી દીધું. એ વાત અલગ છે કે, અફઘાનિસ્તાનમાં પોતાને તકલીફ ન પડે એ માટે અમેરિકાએ પાકિસ્તાનની ભૂમિ અને એરબેઝનો ભરપૂર ઉપયોગ કર્યો હતો.
ચીનના પણ પાકિસ્તાન સાથે 1950ની સાલથી સંબંધો રહ્યા છે. જોકે સરહદના વિવાદો હોવાથી 1966 પછી પાકિસ્તાન અને ચીન નજીક આવ્યા. છેલ્લા થોડાં સમયથી પાકિસ્તાન ચીનના પડખે ચડ્યું છે. જેએફ 17 લડાકુ વિમાનના નિર્માણમાં બંને દેશ સાથે છે. આ ઉપરાંત પાકિસ્તાનની સેના મેઈડ ઈન ચાઈના છે એવું કહીએ તો વધુ પડતું નથી. કેમકે, સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટનો એક સર્વે એવું કહે છે કે, ચીન જે શસ્ત્રો બનાવે છે એનું સૌથી મોટું ખરીદદાર પાકિસ્તાન છે. પાકિસ્તાનની સેના 47 ટકા શસ્ત્રો ચીનની બનાવટના વાપરે છે.
શાહબાઝ શરીફે સત્તા સંભાળી એ પછી ચીન પણ પોતાનું મહત્ત્વ ઓછું કરવા નથી માગતું. નવા વડા પ્રધાનના આવવાથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે એવું ચીને કહ્યું છે. અમેરિકા અને ચીન બંને એવા દેશો જે પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદે જઈ શકે. હજુ ગયા અઠવાડિયે જ શાહબાઝ શરીફે ચીની રાષ્ટ્રપતિ શી જિનપીંગને કરાચી સરક્યુલર રેલવે પ્રોજેક્ટ પૂરો કરવા માટે વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પુનરુદ્ધાર થઈ જશે તો પાકિસ્તાની પ્રજાને પણ ચીનમાં વધુ વિશ્વાસ બેસશે.
સાડા ત્રણ વર્ષથી ફાયનાન્સિયલ ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં પડેલા પાકિસ્તાન માટે અમેરિકાને નારાજ કરવું હવે પોસાય તેમ નથી. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પાકિસ્તાનના સત્તા પલટા બાદ નવા વડા પ્રધાનને અભિનંદન આપીને કહ્યું હતું કે, અમેરિકા પણ પાકિસ્તાન સાથેના પંચોતેર વર્ષ જૂના સંબંધને મહત્ત્વનો માને છે. એ વાત અલગ છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને હજુ સુધી શાહબાઝ શરીફને અભિનંદન આપવા એક ફોન સુદ્ધાં નથી કર્યો.
પીએમ હાઉસમાં યોજાયેલી ઈફતાર પાર્ટીમાં પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાનની વિદેશનીતિની આકરી ટીકા કરી અને કહ્યું કે, પાકિસ્તાના કપરા સમયમાં સાથે રહેલા તમામ સાથીઓને પાછલી સરકારે નારાજ કર્યાં છે. સાઉદી અરબ, ચીન, અમેરિકા, કતારથી માંડીને ઈમરાન ખાને બધાને નારાજ કર્યાં છે. પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકોના મતે શાહબાઝ શરીફ ચીનની પસંદગી છે. પાકિસ્તાનની સેનાના અધિકારીઓ અને ચીનના સિક્યુરિટી અધિકારીઓ વચ્ચે કાફી નજીકના સંબંધો રહ્યા છે. શાહબાઝ શરીફને પણ ચીન સાથે વર્ષોથી સંબંધ છે. તેઓ જ્યારે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી હતા ત્યારે 2008ની સાલમાં એક તોતિંગ મેટ્રો રેલ પ્રોજેકટ પંજાબમાં શરુ કરાયો હતો. ત્યારથી માંડીને આજદિન સુધી શાહબાઝ શરીફ ચીનની ગુડ બુકમાં છે.
પાકિસ્તાના વડા પ્રધાન શાહબાઝ શરીફ આ તમામ હકીકતોથી વાકેફ છે એટલે જ એમણે ગઈકાલે અમેરિકાને વહાલા થવા એવી વાત કરી કે, અમેરિકાની નારાજગી કે દુશ્મની પાકિસ્તાનને ન પોસાય. આર્થિક રીતે હાલક ડોલક એવા પાકિસ્તાનના બેહાલ હાલને સીધા પાટે લઈ આવવા માટે શાહબાઝ શરીફ માટે અનેક ચેલેન્જીસ છે. દેવાના ડુંગરા નીચે દબાયેલા પાકિસ્તાનને જો અમેરિકા આર્થિક મદદ ન કરે તો એની અર્થ વ્યવસ્થા પળવારમાં તૂટી પડે એમ છે. ચીનને નારાજ નહીં કરીને અમેરિકાને ખુશ કરવા માટે શાહબાઝ શરીફ પાસે પોતાના સૂર અમેરિકા તરફી કરવા સિવાય કોઈ રસ્તો જ નથી.