Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માફી માગવી સહેલી છે કે આપવી?

જીવન છે ત્યાં સુધી ભૂલો થવાની છે. ભૂલો થાય એનો વાંધો ન હોય શકે. જાણી જોઈને કરેલી ભૂલથી કોઈનું અહિત થયું હોય તો માફી માગવી પણ એટલી જ જરુરી છે. અજાણપણે પણ કોઈને નુકસાન પહોંચે તો આપણે સહજતાથી સોરી કહી દઈએ છીએ. પણ જાણીને કોઈની પાછળ લાગી જઈએ અને પછી એને સોરી કહીને વાત પૂરી કરી દઈએ તો એ એકતરફી રહેવાનું છે. માફી માગવી જેટલી મહત્ત્વની છે એટલું જ જરુરી છે દિલથી કોઈને માફ કરી દેવું. જિંદગીને આસાà
માફી માગવી સહેલી છે કે આપવી
જીવન છે ત્યાં સુધી ભૂલો થવાની છે. ભૂલો થાય એનો વાંધો ન હોય શકે. જાણી જોઈને કરેલી ભૂલથી કોઈનું અહિત થયું હોય તો માફી માગવી પણ એટલી જ જરુરી છે. અજાણપણે પણ કોઈને નુકસાન પહોંચે તો આપણે સહજતાથી સોરી કહી દઈએ છીએ. પણ જાણીને કોઈની પાછળ લાગી જઈએ અને પછી એને સોરી કહીને વાત પૂરી કરી દઈએ તો એ એકતરફી રહેવાનું છે. માફી માગવી જેટલી મહત્ત્વની છે એટલું જ જરુરી છે દિલથી કોઈને માફ કરી દેવું. 
જિંદગીને આસાનીથી જીવવા માટે સૌથી વધુ જરુરી છે મનમાં રહેલા કચરાને સાફ કરવો. પાણી જો ગંદુ હોય તો આપણે એમાં ફટકડી ફેરવીને એને ચોખ્ખું કરીએ છીએ. પણ મનમાં ભરાયેલા કચરા માટે આપણે ભાગ્યે જ કંઈ કરીએ છીએ. કોઈના માટે મનમાં એટલું ઝેર ભરી રાખીએ અને પછી એને મનમાંને મનમાં હેટ કરતા રહીએ તો એનાથી સામેવાળી વ્યક્તિને તો નુકસાન થતાં થશે સૌથી વધુ નુકસાન તો તમે તમારું કરી રહ્યાં છો. સૌથી પહેલાં તો જરુરી છે પોતાની જાતને માફ કરવી. પોતાની જાતને પ્રેમ કરવો.  
માફી માગી લેવાથી હળવાશ લાગતી હશે કે નહીં એ તો તમે કેટલાં મનથી માફી માગો છો એના ઉપર આધાર છે. પણ માફી આપી દેવાથી અસ્તિત્વને એક હળવાશ તો લાગે જ છે. સમસ્યા એ હોય છે કે, આપણે ઘણી વખત માફી માગવામાં મોડું બહુ કરી દઈએ છીએ. માફી માગવાનો પણ એક સમય હોય છે. વર્ષો વીતી ગયા હોય અને સામેવાળી વ્યક્તિને એ ઘટના યાદ પણ ન હોય ત્યારે માફી માગવાનો કોઈ મતલબ રહેતો નથી. કોઈ અફસોસ વગર મરવું હોય તો માફી માગી લેવી અને માફી માગે એને માફ કરી દેવા સૌથી વધુ કારગર ઈલાજ છે.  
આજે સંવત્સરી છે. સવારથી મિચ્છામિ દુક્કડમના મેસેજ અને ફોન ચાલી રહ્યા છે. પર્યુષણ પર્વ બાદની આ પરંપરા જ દિલને સ્પર્શી જાય એવી છે. મન, વચન અને કર્મથી હું આપની માફી માગું છું. આ વાક્ય જ કેટલું અદ્ભૂત છે. આ વાક્ય એક સંવેદના છે. આ વાક્ય એ આયખું છે.  
એક મુલાકાતમાં ડચેસ ઓફ સસેક્સ મેગન માર્કલે કહ્યું કે, શાહી પરિવારને હું માફ નથી કરી શકતી. કેટલીક એવી વાતો છે કેટલુંક એવું વર્તન થયું છે કે, દિલમાંથી માફી નથી નીકળી શકતી. મેગન માર્કલ અને પ્રિન્સ હેરી કેલિફોર્નિયામાં શાહી પરંપરાઓ ત્યાગીને સામાન્ય માણસની જેમ જિંદગી જીવે છે. પરંતુ, મેગનની માફ નહીં કરી શકવાની વાત બહુ મહત્ત્વની છે. કોઈ માફી માગે કે ન માગે તમે એ બોજારુપ પળને જો ભૂલી જવા માગતા હોવ તો તમારે જ એનાથી મુક્ત થવું પડે.  
આજની તારીખે આપણે જલિયાવાલાં બાગ હત્યાકાંડ માટે બ્રિટિશ હકુમતને માફ નથી કરી શકતાં. આજે પણ અમેરિકી પ્રેસિડેન્ટ જ્યારે જ્યારે જાપાની મુલાકાતે જાય છે ત્યારે જાપાનાવાસીઓને એક આશા હોય છે કે, જાપાન ઉપર પરમાણુ બોંબ ફેંક્યા એ માટે એકવાર તો અમેરિકી રાષ્ટ્રપતિ માફી માગે. પરમાણ બોંબ ફેંક્યા પછી એના જનકે એવું કહેલું કે, આ શું થઈ ગયું? એ બોંબ ફેંકનાર પાયલટ પણ જિંદગીની છેલ્લી પળો સુધી પશ્ચાતાપમાં રહેલો.  
પશ્ચાતાપ થવાની લાગણીનો અંત તો માફી માગવામાં જ રહેલો છે. પરંતું ઘણી વખત માફી માગવામાં આપણને આપણો ઈગો નડતો હોય છે. માફી માગવાથી હું નીચો થઈ જઈશ તો! આ લાગણી જ દિલને આડે આવતી હોય છે. એકવાર આ લાગણી પર કાબૂ મેળવી લઈએ તો માફી માગવી અઘરી નથી. હા, સાથોસાથ તમારા શબ્દો અને લાગણી પણ સામેવાળાને સ્પર્શવા જરુરી છે. ઝિંદગી ના મિલેગી દોબારામાં એક સીનમાં સોરી કહેવાની વાત આવે છે ત્યારે રિતીક રોશન એના દોસ્ત ફરહાન અખ્તરને કહે છે, જ્યારે દિલથી માફી નીકળે ને ત્યારે કહેજે.  
કેટલીકવાર માફી માગવાથી પણ સામેવાળો માફ ન કરે તો! આવું પણ ઘણાંની સાથે થતું હોય છે. સોરી કહી દેવાથી કે મિચ્છામી દુક્કડમ કહી દેવાથી પણ સામેવાળી વ્યક્તિ માફ ન કરે તો? એ વ્યક્તિ અને લાગણીને જતું કરી દેવામાં જ જિંદગી છે. છેલ્લે ગાલિબની બે પંકિતઓ વગર તો આ વાત સાવ અધૂરી જ લાગે, કુછ ઈસ તરહ સે મૈં ને ઝિંદગી કો આસાં કર લિયા, કિસી સે માફી માંગ લી, કિસી કો માફ કર દિયા.... 
jyotiu@gmail.com
Advertisement
Tags :
Advertisement

.