Israel-Hamas War: ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુનું મોટું નિવદેન, કહ્યું- યુદ્ધમાં વિજય સુધી...!
છેલ્લા કેટલાક મહિનાથી ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન બંને પક્ષે ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અહેવાલ અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધી ઇઝરાયલના 115 જવાનો શહીદ થયા છે જ્યારે બીજી તરફ ગાઝામાં 18 હજારથી વધુ લોકોના મોત નીપજ્યા છે. જો કે, તેમ છતાં હાલ પણ આ યુદ્ધ વિરામના કોઈ એંધાણ જણાતા નથી. આ વચ્ચે હવે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું એક મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.
ગાઝામાં 18,400થી વધુ લોકોના મોત
બેન્જામિન નેતન્યાહૂએ તેમના ઑફિસથી એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, જ્યાં સુધી હમાસના આતંકવાદીઓ સામે ઇઝરાયલનો વિજય નથી થતો ત્યાં સુધી ગાઝા પટ્ટી પર યુદ્ધ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, અમે અંત સુધી આ યુદ્ધ ચાલુ રાખીશું. જ્યારે ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધી ગાઝામાં 18,400થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મહિલા અને બાળકોની સંખ્યા વધુ છે. ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્રનો અનુમાન છે કે, ગાઝામાં 24 લાખ લોકોમાંથી 19 લાખ લોકોએ યુદ્ધના કારણે બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું છે. યુદ્ધ વચ્ચે હમાસ પ્રમુખ ઇસ્માઇલ હનિયેહનું પણ નિવેદન સામે આવ્યં છે. અહેવાલ અનુસાર, તેમણે કહ્યું કે, ઇઝરાયલ હુમલાઓને રોકવા માટે અમે કોઈ પણ વિચાર અને પહલ પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. તેઓ વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી બંને પર પેલેસ્ટાઈનના લોકોને પરત તેમના ઘરે જવા માટે માર્ગ ખોલી શકે છે.