બિલાવલ સાથે ભારતીય વિદેશમંત્રીનો વ્યવહાર આપણા માટે શરમની વાતઃ ઇમરાન ખાન
બિલાવલ ભૂટ્ટોની ભારત યાત્રા અને આ યાત્રાની જે કંઇ પણ ફળશ્રૃતિ છે તેને લઇને ઇમરાન ખાને બિલાવલ ભુટ્ટો પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે.
દુનિયાભરમાં પાકિસ્તાનની આબરુના ધજાગરા થઈ રહ્યા છેઃ ઇમરાન ખાન
તેમણે લાહોરમાં પોતાની પાર્ટી પાકિસ્તાન તહેરીક એ ઈન્સાફની એક સભાને સંબોધતા કહ્યુ હતુ કે, દુનિયાભરમાં પાકિસ્તાનની આબરુના ધજાગરા થઈ રહ્યા છે. બિલાવલ સાથે ભારતના વિદેશ મંત્રીએ જે વ્યવહાર કર્યો તે આપણા માટે શરમની વાત છે.
શક્તિશાળી કાયમ શક્તિશાળી નથી રહેતો અને કમજોર કાયમ કમજોરઃ ઇમરાન ખાન
ચારે તરફથી ઘેરાઈને હતાશ થઈ ચુકેલા ઈમરાન ખાને તો ભારતના વિદેશ મંત્રી જયશંકર પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે શું ભારતમાં આવી રીતે મહેમાનોને બોલાવીને તેમની આબરુ કાઢવામાં આવે છે? ભારતને અભિમાન આવી ગયુ છે પણ ઉપરવાળાનો નિયમ છે કે શક્તિશાળી કાયમ શક્તિશાળી અને કમજોર કાયમ કમજોર નથી રહેવાનો.
બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના બેશકિંમતી વિદેશી મુદ્રા ભંડારને ખાલી કરી રહ્યાછેઃ ઇમરાન ખાન
ઈમરાન ખાને કહ્યુ હતુ કે બિલાવલ એવા સમયે ભારત ગયા જ્યારે પાકિસ્તાન બહુ મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં ભાગ લેવા માટે લંડન ગયા છે.તેમણે કહ્યું કે બિલાવલ ભુટ્ટો આખી દુનિયા ફરી રહ્યા છે પણ તેની પાછળ જે પૈસા ખર્ચાઈ રહ્યા છે તેનાથી દેશને શું ફાયદો થયો તેનો જવાબ પણ તેમણે આપવો જોઈએ.ઈમરાને આગળ કહ્યુ હતુ કે, બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના બેશકિંમતી વિદેશી મુદ્રા ભંડારને વિદેશ પ્રવાસો પાછળ ખાલી કરી રહ્યા છે.આ વિદેશ પ્રવાસોથી પાકિસ્તાનને સ્હેજ પણ ફાયદો થયો નથી.ભારતની મુલાકાત બાદ તેમના વિદેશ મંત્રી એસ જયશંકરે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે તે પછી બિલાવલ કહી શકે તેમ છે કે પાકિસ્તાનને તેમાંથી શું મળ્યું?