Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મને એકાએક ગુસ્સો આવી ગયો અને મેં છરી કાઢીને ગણેશના પેટમાં મારી દીધી....

વર્ષ 2017ની સાલ અને ડિસેમ્બર મહિના શિયાળાની ઠંડી વાતાવરણમાં અનુભવાતી હતી. વર્ષના અંતિમ દિવસોમાં શહેર પોલીસ કંટ્રોલ રૂમના નંબર પાર વહેલી સવારે એક કોલ આવ્યો. આ કોલ કરનાર એક ફાર્મહાઉસના માલિકનો હતો કે તેમના ફાર્મની બહાર એક યુવકની લાશ પડેલી છે. પૂરતી વિગતો મેળવીને શહેર પોલીસ કંટ્રોલ રૂમે વાયરલેસ મેસેજ પાસઓન કર્યો. આ મેસેજ નારોલ પોલીસ સ્ટેશનમાં પીએસઓ ટેબલ પર બેઠેલા પોલીસકર્મીએ ર
08:39 AM Jun 23, 2022 IST | Vipul Pandya

વર્ષ 2017ની સાલ અને ડિસેમ્બર મહિના શિયાળાની ઠંડી વાતાવરણમાં અનુભવાતી હતી. 

વર્ષના અંતિમ દિવસોમાં શહેર પોલીસ કંટ્રોલ રૂમના નંબર પાર વહેલી સવારે એક કોલ આવ્યો. આ કોલ કરનાર એક ફાર્મહાઉસના માલિકનો હતો કે તેમના ફાર્મની બહાર એક યુવકની લાશ પડેલી છે. પૂરતી વિગતો મેળવીને શહેર પોલીસ કંટ્રોલ રૂમે વાયરલેસ મેસેજ પાસઓન કર્યો. આ મેસેજ નારોલ પોલીસ સ્ટેશનમાં પીએસઓ ટેબલ પર બેઠેલા પોલીસકર્મીએ રિસીવ કર્યો. બનાવની વિગત કાગળિયામાં નોંધી લીધી અને તરતજ કંટ્રોલ વર્ધી બુકમાં એન્ટ્રી કરી.  નારોલ પોલીસ સ્ટેશનની PCR વાનને સમગ્ર બનાવનો મેસેજ આપવામાં આવ્યો. વહેલી સવારનો સમય હતો એટલે નાઈટ ડ્યુટીમાં નારોલ ચાર રસ્તા પાસે ઉભી રહેલી PCR વાને મેસેજ રિસીવ કરી લીધો. ગણતરીની મિનિટોમાં પોલીસની એક ગાડી ઘટના સ્થળ એટલેકે શાહવાડી ગામની સીમમાં આવેલા સાબરમતી નદીના તટ પાસે આવેલા અશોક રામજીના ખેતર પાસે પહોંચી ગઈ. 
ખેતરમાં જઈને જોયું તો એક 30 વર્ષનો યુવાકની લાશ હતી. લાશ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે, કોઈએ તેની હત્યા કરી છે. એ યુવકના શરીર પર તીક્ષ્ણ હથિયારથી ઘા મારેલા હોય તેવા નિશાન પણ મળી આવ્યા. નિયમ મુજબ સ્થળ પર ઉભી રહેલી PCR વાન કંટ્રોલ વર્ધી પણ લખાવી દે છે કે બનાવવાળા સ્થળ પરથી એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં ડેડબોડી મળી આવી છે. આ સમગ્ર બનાવની જાણ તાત્કાલિક નારોલ પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓને કરવામાં આવે છે. અધિકારીઓ પણ થોડા જ કલાકોમાં ઘટનાસ્થળે પહોંચી જાય છે. ઘટનાસ્થળ પરથી પોલીસને કોઈ એવા પુરાવાઓ મળતા નથી જેનાથી મૃતકની ઓળખ થઇ શકે.
સ્થાનિક પોલીસે ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી. સતાવાર ફરિયાદ નોંધવાની શરૂઆત કરવામાં આવી ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ક્વોડ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. સ્થાનિક પોલીસ પણ અથાગ પ્રયાસો કરી રહી હોવા છતાં કોઈ નક્કર પરિણામ સુધી વાત પહોંચતી ન હતી. 
કોઈને પણ ગંધ  આવે તે પ્રકારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક PSI અને તેમના સ્ક્વોડના માણસો આ કેસની અંદરખાને તપાસ કરી રહ્યા હતા. આ અધિકારી સ્વભાવે ખૂબ જ શાંત અને ઓછું બોલવાની પ્રકૃતિવાળા. આ અધિકારી ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યા તે પહેલા તેઓએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી. આથી સમગ્ર વિસ્તારથી પણ જાણકાર હતા. તેમના વિશ્વાસુ બાતમીદારો પણ વટવા અને નારોલ વિસ્તારમાં હતા. આ કારણે જ તેમણે બહુ રસ દાખવીને કોઈને ખ્યાલ આવે નહીં તે મુજબ પોતાનું કામ કર્યે રાખ્યું. 
આમ પણ અમદવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મોટા ભાગના અધિકારીઓ પોતે ક્યા કેસની તપાસ કરી રહ્યા છે તે કોઈને કહે નહીં. સમગ્ર કામગીરી ખૂબ જ ગુપ્ત રખવામાં આવે. જો કે, તેની પાછળ પણ ચોક્કસ અને યોગ્ય કારણો રહેલા હોય છે. PSIએ સૌ પ્રથમ તો અમદાવાદ અને તેની આસપાસના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડેટા મંગાવી એનાલિસીસ કર્યું. ગૂમ થયેલા લોકોની યાદીમાં અને મરણ જનાર વ્યક્તિના શરીર પણ નિશાનની તાપસ કરવામાં આવતી હતી. ખાસ લોકોના ફોટા, ચહેરાના નાક નકશાની તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં મોડે સુધી એક રૂમની લાઈટ ચાલુ રહેતી હતી. એ PSI મોડી રાત સુધી ડમ્પડેટા એનાલિસીસ કરતા રહેતા હતા. હજારો ડમ્પડેટા તપર્સમાં આવતા હતા બીજી તરફ સવારે PSI પોતાના માણસોને મળતા હતા. રાત્રિના સમયે ટેક્નિકલ સર્વેલન્સની કામગીરી કરતા. એક પછી એક કરતાં તેમણે લગભગ દોઢ થી બે લાખ જેટલા ડમ્પડેટાનું એનાલિસીસ કરવામાં આવ્યું. રાજ્યભરમાંથી 1500 થી 2000 લોકોનો ડેટા મંગાવ્યો હતો જે લોકો ગૂમ થઇ ગયેલા અને તેમની કોઈ ભાળ મળતી ન હતી. બીજી બાજુ PSIએ પોતાના બાતમીદારોને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દીધી હતી.
PSI ને વિશ્વાસ હતો કે આજે નહીં તો કાલે સફળતા જરૂર મળશે. થયું પણ કંઈ એવું જ. PSI જે.એન.ગોસ્વામી પોતાની ચેમ્બરમાં બેઠા હતા. એકાએક તેમનો ફોન રણક્યો અને આ ફોન હતો તેમના બાતમીદારનો. સામે છેડેથી બાતમીદાર બોલ્યો કે, સાહેબ ખેડા જિલ્લાના સોજીત્રા ગામની સીમમાં આવેલા નાયકા નગરમાં એક ખેતરમાં કામ કરતો ગણેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ હતો. એ છેલ્લા કેટલાક દિવસોથી મળી નથી રહ્યો. તેની પત્નીએ સોજીત્રા પોલીસ સ્ટેશનમાં તેનો પતિ ગુમ થઈ ગયો છે તેની અરજી પણ કરેલી હતી. કોઠાસૂઝ ધરાવતા મક્કમ મનનાં આ આધિકારીએ તાત્કાલિક સોજીત્રા પોલીસ સ્ટેશનમાં ફોન લગાવ્યો. મિસિંગ રિપોર્ટની કોપીઓ માંગવી જેમાં ગણેશ પ્રજાપતિ નામના વ્યક્તિની અરજીમાં પર ધ્યાન ગયું. આ ધ્યાન જવા પાછળ પણ ચોક્કસ કારણ હતું કેમકે સાબરમતી નદીના પટમાં અશોક રામજીના ખેતર પાસે જે વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી તેના ડાબા હાથ પર અંગ્રેજીમાં પોતાના નામના પહેલો અક્ષર નું ટેટૂ કરાવેલું હતું. સોજીત્રા પોલીસ મથકે જે મિસિંગ ફરિયાદ નોંધવાઈ હતી તેમાં પણ વ્યક્તિની ઓળખ માટેના નિશાન સ્વરૂપે આ જ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીએસઆઇએ પોતાનો ફોન ઉંચક્યો અને પોતાની સ્ક્વોડના માણસોને સૂચના આપી કે ગાડી તૈયાર કરો આપણે સોજીત્રા જવાનું છે.  પીએસઆઇ તેમના ચાર કોન્સ્ટેબલો સાથે ક્રાઇમ બ્રાન્ચથી સોજીત્રા જવા રવાના થઈ ગયા. સોજીત્રા પહોંચીને સૌથી પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને જે મિસીંગ ફરિયાદ નોંધાઈ હતી તેની એક કોપી મેળવી લીધી. ત્યારબાદ ફરિયાદ નોંધવાનાર મહિલાના ઘરે પીએસઆઇ તેમના બે માણસોને લઈને સોજીત્રા ગામ પાસે આવેલા નાયકા નગરમાં પહોંચ્યા. 
જે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી તેની પૂછપરછ શરૂ કરી. જેમાં મૃતક ગણેશ પ્રજાપતિની પત્નીએ જે વિગતો આપી તેને સાંભળતાની સાથે પીએસઆઈને આઈડિયા આવી ગયો કે, નક્કી જે કંઈ થઈ ગયું એની પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર છે. તેના લીધે જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. પોતાના પતિના મોતને હજી ગણતરીના દિવસો જ થયા હતા અને આ વિધવા મહિલા મોઢું નીચું કરીને પોતાની આપવીતી જણાવી રહી હતી. પરંતુ મહિલાની બોલવાની રીતભાત અને અવાજમાં સહેજ પણ અફઓસ ન હતો દેખાતો. 
સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ પૂછપરછ કરતી વખતે તમામ બાબતોને ધ્યાને લેતા હોય છે. ચહેરાના હાવભાવ અને બોલવાની રીતભાત આ તમામ બાબતોનું ધ્યાન પણ રાખતા હોય છે. આજ બધી બાબતોનું ધ્યાન પીએસઆઇ 
જે.એન.ગોસ્વામી અને તેમની સ્ક્વોડના કોન્સ્ટેબલો રાખી રહ્યા હતા. પતિની હત્યાનો આખો ઘટનાક્રમ કેવી રીતે ઘડાયો તેની એકેએક ડિટેઇલ આ ચબરાક અધિકારીએ મહિલાના મોઢે બોલાવી દીધી. આ બાબતનો ખ્યાલ સુદ્ધાં એ મહિલાને આવ્યો નહીં. એ મહિલાએ કહેલી કેટલીક વાતોના મુદ્દા એ અધિકારીએ પોતાની ડાયરીમાં ટપકાવી લીધેલાં. 
જે ખેતરમાં ગણેશ કામ કરતો હતો એ ખેતરમાં તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નીકળી ગઈ. ખેતરની બહાર ગાડી મૂકીને અડધો કિલોમીટર ચાલીને ખેતરમાં પહોંચીને ખેતરમાં કામ કરતા અન્ય લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી. બહાર નીકળીને પીએસઆઇએ પોતાના બાતમીદારને કોલ કરીને સમગ્ર હકીકત જણાવી હતી. આરોપીઓની ભાળ મેળવવાની સૂચના આપી. 
સમગ્ર ઘટના કેમ બની હતી તેનો ખ્યાલ તો આવી ગયો પરંતુ ગુનાને અંજામ આપનાર આરોપીઓ સુધી પહોંચવાની તૈયારી કરવી જરુરી હતી. ગુનેગારોએ ગુનો કરે તેના પહેલા અને ગુનો કર્યા બાદ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો ન હતો. ઉપરાંત જે સ્થળ પરથી લાશ મળી આવી હતી તેની આસપાસ એક પણ સીસીટીવી ન હતા કે બીજો કોઈ પુરાવો હાથ લાગે. આ કેસનો ભેદ ઉકેલવો એ ઘાસની ગંજીમાં ખોવાયેલી સોય શોધવા બરાબર હતું.  

પરંતુ કહેવાય છે ને કે, દ્રઢ નિશ્ચય હોય અને ઈચ્છા શક્તિ હોય તો કોઈપણ કામ મુશ્કેલ નથી લાગતું. આવા જ કંઈક દ્રઢ મનોબળ સાથે પીએસઆઇ જે.એન.ગોસ્વામી આ કેસમાં કામ કરી રહ્યા હતા. એ પછીના દિવસોમાં એક સાંજે  તેમના બાતમીદારનો ફોન આવ્યો. એણે કહ્યું કે, સાહેબ તમે જે આરોપીઓને શોધવાં માટે સોજીત્રાના નાયકનગરમાં આવ્યા હતા તે બંને આરોપીઓ આજે રાત્રે વિશાલા સર્કલ પાસે આવવાના છે. આ સાંભળીને  પીએસઆઇની આંખો ચમકી. તરત જ વધુ માહિતી લીધી કે, એણે શું પહેર્યું છે અને કેવા દેખાય છે. વિગતો મેળવીને તાબડતોબ પીએસઆઈ પોતાના માણસો સાથે વિશાલા સર્કલ પાસે વૉચમાં ગોઠવાઈ ગયા. અધિકારી અને તેમના માણસો વિશાલા ચાર રસ્તા પાસે અલગ અલગ દિશામાં ઊભા રહી ગયા હતા કારણકે ચાર રસ્તાથી કોઈપણ દિશામાં આરોપીઓ ભાગી ન જાય.  રાત ધીમે ધીમે ઘેરાતી જતી હતી. કલાકો વીતી રહ્યા હતા. પરંતુ બાતમીદારે આપેલા વર્ણનવાળો વ્યક્તિ હજી સુધી દેખાતો ન હતો. પોતાના સ્ટ્રોંગ બાતમીદારના નેટવર્ક પર પીએસઆઇને સંપૂર્ણ ભરોસો હતો. જેથી રાહ જોઈને તેઓ બેઠા હતા. થોડાક કલાકો રાહ જોયા બાદ વિશાલા સર્કલ પાસે એક બસ આવીને ઊભી રહી. તેમાંથી બે વ્યક્તિઓ હાથમાં થેલો લઈને નીચે ઉતર્યા. આ બંને વ્યક્તિઓ સામે તીણી નજરે જોયું. પીએસઆઈ મનમાં જ મલકાઈ ઉઠ્યા.  બાતમીદારે આપેલી બાતમીના વર્ણન સાથે મેચ થતી હતી. બંને વ્યક્તિઓ બસમાંથી ઉતરીને આગળ વધી રહી હતી.  તે જ સમયે પીએસઆઈએ પોતાના વૉકીટૉકી વડે અન્ય સ્થાનિક પોલીસકર્મીઓને સૂચના આપી. 

તરત જ આરોપીઓને કોર્ડન કરીને ઝડપી લેવાયા. બંનેને ગાડીમાં બેસાડીને ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લાવામાં આવ્યા અને તે સમયે લગભગ રાત્રિના એક વાગી ચૂક્યો હતો. સહેજ પણ રાહ જોયા વગર બંને વ્યક્તિઓના નામઠામ પૂછવાથી શરૂઆત કરવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં વધુ વખત પોતાનું મોઢું બંધ નહિ રાખી શકનાર રાકેશ બેલદાર અને ગણપત ઉર્ફે ભોલોએ સમગ્ર હત્યા અંગેનો ગુનાની કબૂલાત કરી લીધી.
આખીય ઘટનાની હકીકત વર્ણવતા રાકેશ બંને હાથ જોડીને કહ્યું કે સાહેબ આની પહેલા અમે કોઈ ગુનો કર્યો નથી આટલું બોલતાની સાથે જ પીએસઆઇ પોતાની ખુરશી પરથી ઊભા થઈને ઊંચા આવજે બોલ્યા કે "એ તને જોઈને જ ખ્યાલ આવી ગયો હતો" હવે ફટાફટ બોલવાનું ચાલુ કર એટલે રાકેશ બાબુભાઇ બેલદાર કે હજી જુવાનીમાં પગ જ મૂક્યો હતો એવા 23 વર્ષીય યુવાને કહ્યું કે, સાહેબ આ ગણેશ મારી પત્નીને ખરાબ નજરે જોતો હતો. મારા લગ્ન પહેલા પણ તેણે મારી પત્નીની છેડતી કરી હતી તેવું મારી પત્નીએ મને કીધું હતું. જ્યારથી મને મારી પત્નીએ આ વાતની જાણ કરી હતી ત્યારથી મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો કે કેમ કરીને આ ગણેશ પ્રજાપતિનું કાસળ હું કાઢી નાખું.

ખુન્નસ ભરેલી આંખો સાથે એણે વાત આગળ વધારી. 22 ડિસેમ્બરે અમારા એક પાડોશી છે કાંચા તેની પાસેથી એક છરી લીધી. મારા માસીના છોકરા ગણપત બેલદારને સમગ્ર વાતની જાણ કરી. તેની મદદ માગી. અમે બંને જણા મારી રીક્ષામાં સોજીત્રા પાસેના નાયક ગામે ગયા.  મારા સાસરાના ખેતરમાં ગયા. ત્યાં આ ગણેશ પ્રજાપતિ કામ કરી રહ્યો હતો. મેં તેને બોલાવ્યો. અને કહ્યું કે, તું  કેમ મારી પત્નીની પાછળ પડી ગયો છે, આ વાત ચાલતી હતી અને મારો ભત્રીજો પણ તેને સમજાવી રહ્યો હતો.  તેવામાં મને એકાએક ગુસ્સો આવી ગયો અને મેં છરી કાઢીને ગણેશના પેટમાં  મારી દીધી. એનું મોઢું મને જરાય નહોતું પસંદ. એની આંખો મને પજવતી હતી. એટલે મેં એના મોઢા પર પણ મારી દીધી હતી. ગણેશના પેટના ભાગે અને મોઢાના ભાગેથી લોહી નીકળવાની ચાલુ થઈ ગયું એની હાલત જોઈને મને થઈ ગયું કે, હવે આ ગયો. એ જેવો જમીન પર ફસડાઈ પડ્યો એટલે ગણપત ગભરાઈ ગયો. અમે બંને જણા ગણેશને મારી રીક્ષામાં નાખીને નાયકાથી મીરોલી થઈને પીરાણા શાસ્ત્રીબ્રિજ થઈને અમદાવાદ આવી ગયા. શાહવાડી પાસે રામજીભાઈના ખેતર પાસે અમે પહોંચી ગયા. અવાવરુ જગ્યા જોઈને ગણેશ પ્રજાપતિને ત્યાં ફેંકી દીધો. આટલું બોલતાની સાથે બંને આરોપીઓ રડી પડ્યા. પીએસઆઈ જે.એન.ગોસ્વામી સામે હાથ જોડીને કહેવા લાગ્યા કે, સાહેબ આ અમારો પહેલો ગુનો છે આજ પછી અમે આવું ક્યારેય નહિ કરીએ...!
Tags :
CrimeSequenceGujaratFirstLCBPCRPSI
Next Article