Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાચું કહેજો, તમને મરી જવાનો વિચાર ક્યારેય આવ્યો છે?

જિંદગી.... જીવન.... સંઘર્ષ.. ખુશી... ડિપ્રેશન... નેગેટિવ વિચાર... અને મરી જવાની ભાવના હાવી થઈ જવી. જીવ ટૂંકાવી દેવો જેથી આપણને આપણી પીડામાંથી મુક્તિ મળી જાય.  છૂટકારો. આ શબ્દ છેલ્લે કદાચ મરી જનારના દિમાગમાં ઘૂમતો હશે. એટલે જ માણસ પોતાના  જીવને છૂટો કરીને એમાંથી ભાગી જાય છે. પણ બીજાને આખી જિંદગીની પીડા આપતો જાય છે.  આજે વર્લ્ડ સુસાઈડ પ્રિવેન્શન ડે છે. આજે આત્મહત્યાના આંકડા આવ્યા છે. જે જોઈને ચà«
09:29 AM Sep 10, 2022 IST | Vipul Pandya
જિંદગી.... જીવન.... સંઘર્ષ.. ખુશી... ડિપ્રેશન... નેગેટિવ વિચાર... અને મરી જવાની ભાવના હાવી થઈ જવી. જીવ ટૂંકાવી દેવો જેથી આપણને આપણી પીડામાંથી મુક્તિ મળી જાય.  
છૂટકારો. આ શબ્દ છેલ્લે કદાચ મરી જનારના દિમાગમાં ઘૂમતો હશે. એટલે જ માણસ પોતાના  જીવને છૂટો કરીને એમાંથી ભાગી જાય છે. પણ બીજાને આખી જિંદગીની પીડા આપતો જાય છે.  
આજે વર્લ્ડ સુસાઈડ પ્રિવેન્શન ડે છે. આજે આત્મહત્યાના આંકડા આવ્યા છે. જે જોઈને ચોંકી જવાય એવું છે. છેલ્લા પચાસ વર્ષના આત્મહત્યાના આંકડા એવું કહે છે કે, આત્મહત્યા કરવાનો દર સાંઈઠ ટકા જેટલો વધ્યો છે. ભારતમાં આ દર ત્રીસ ટકાથી વધુ છે. આખી દુનિયામાં દર વર્ષે સાત લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે. રોજ 1927 લોકો મોત ગળે લગાવે છે. દર કલાકે એંસીથી વધુ લોકો પોતાનો જીવ કાઢી નાખે છે.  
સાઈકિયાટ્રીસ્ટ, સાયકોલોજિસ્ટ, કાઉન્સેલરથી માંડીને મેડિકલ ફિલ્ડ સાથે જોડાયલા તમામ લોકો એક વાત સાથે તો સહમત થશે જ કે, માનસિક અસ્થિરતા કે, માનસિક રોગો અગાઉના સમયમાં આટલા બધાં પીક ઉપર ન હતા. આપણે ત્યાં તો હજુ પણ એવું કહેવાય છે કે, માનસિક રોગના ડોક્ટર પાસે જાય એ તો ગાંડા હોય. કરુણતા એ વાતની છે  કે, મન નબળું પડે ત્યારે કોઈ દવા લેવી એ આજે પણ આપણે ત્યાં એક શરમજનક વાત ગણાય છે.  
જિંદગીમાં કરિયર કે પરિવારની સમસ્યાને લઈને નબળા વિચારો હાવી થઈ જાય એ કોઈ મોટી વાત નથી. પણ એ નબળા વિચારોને કાબૂ ન કરી શકાય એ સૌથી અઘરી વાત છે. પોતે કંઈ કામની વ્યક્તિ નથી. પોતાના હોવાથી કે નહીં હોવાથી કોઈને કંઈ ફરક નથી પડતો. પરિવારમાં કોઈને મારી પડી નથી. પોતાનું અસ્તિત્વ જ શા માટે છે? પોતે ક્યા કારણોથી આ દુનિયામાં છે? આ અને આવા અનેક સવાલો મન પર કબજો મેળવી લે એ પછી બધું છોડી દેવાના વિચારોની શરુઆત થાય છે. પોતાની જિંદગી worth નથી વ્યર્થ છે એવું લાગવા માંડે એટલે મરી જવાના વિચારો ઘૂંટાતા રહે છે.  
આપણી આસપાસ જીવતાં લોકોના વર્તનને સતત ચકાસતા રહેવાની જરુર છે. કારણ વિના કોઈ જવાબ ન આપે, સતત મજામાં રહેતી વ્યક્તિ અચાનક મૌન થઈ જાય, ઉદાસ થઈ જાય તો ચેતી જવું. સોશિયલ મિડીયા પર અંગત વ્યક્તિઓની પોસ્ટનું ઓબ્ઝર્વેશન કરતા રહેવું. કોઈ નેગેટિવ વિચાર હાવી હશે તો એ એની પોસ્ટમાં ક્યાંક તમને નજરે ચડી જ જશે. જીવનમાં બનતી ઘટનાઓની માનસિક અસર ઘણી વખત તમને તોડી નાખે છે. આ સંજોગોમાં પરિવારજનોનું અવલોકન સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ક્યારેય પણ તમારા અંગત લોકોના વર્તનમાં થોડુંકેય પરિવર્તન આવે કે કંઈ ન સમજાય એવું લાગે ત્યારે ચેતી જવું વધુ યોગ્ય છે. થોડાં દિવસોમાં સરખું થઈ જશે એવી સાંત્વના આપવા કરતા એને સીધા સારવાર માટે લઈ જવું એ જ સાચો રસ્તો છે.  
મન નબળું પડે ત્યારે નેગેટિવ વિચારો વધારે દૂઝણાં બની જાય છે. એક વિચારમાંથી બીજા વિચારનો જન્મ થતો જ રહે છે. આ વિચારોને કેમ અટકાવવા?  બધાં લોકો કહે છે એમ, મૂડ ન હોય તો પણ ગમતું મ્યુઝિક સાંભળો, લોકો સાથે વાતો કરો, હવા ફેર કરી આવો, ફિલ્મો જુઓ અને મનને ડાયવર્ટ કરો. આ બધાં સલાહ સૂચનોમાં સૌથી વધુ અઘરી અને આકરી હકીકત એ હોય છે કે, આવા સૂચનોનું પાલન કરવાનું પણ મન નથી થતું હોતું. પ્રયત્નપૂર્વક આ બધું કરવામાં આવે તો થોડુંકેય પોઝિટિવ પરિણામ મળે.  
પોતાની વ્યક્તિના નબળા પડેલા મનને જે સાચવી જાણે છે એ જ સાચી સમજદારી છે. જીવનના કોઈ તબક્કે દરેક વ્યક્તિને ક્યારેક તો મરી જવાનો વિચાર આવ્યો જ હોય છે. સામે આવેલી મુશ્કેલીઓથી ભાગી જવું બહુ સહેલું છે. એ પછી પોતાની જાત સાથેની વિડંબણા હોય કે દુનિયા સામેના સવાલો હોય. મરી જવા કરતાં વધુ સહેલું જીવી લેવું છે. મરી જવા માટે કે જીવ કાઢવા માટે બહુ જ હિંમતની જરુર પડે છે. પોતાના ગયા પછી નજીકના પરિવારજનોને એક અજાણી પીડા આખી જિંદગી ભોગવવી પડે છે. જેનો કોઈ ઈલાજ હોતો નથી. મરનાર વ્યક્તિ કદાચ છૂટી જતી હશે પણ એની નિકટના લોકો કોઈ કાળે એ પીડાથી છૂટી શકતા નથી હોતા. એક નબળી પળે અસ્તિત્વ તૂટી જતું હોય એવું લાગે ત્યારે વ્યક્ત થઈ જવું સૌથી બેસ્ટ છે. એ જ તમને મૃત્યુથી દૂર અને જિંદગીની નજીક લઈ જશે.  
jyotiu@gmail.com
Tags :
EditorAngleGujaratFirstHonestlysuicideWorldSuicidePreventionDay
Next Article