Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સમલૈંગિકો અને લિવ ઈન પાર્ટનર્સનો પણ પરિવાર હોય શકે....

પુરુષને પુરુષ જ ગમતો હોય કે સ્ત્રીને પોતાના પાર્ટનર તરીકે સ્ત્રી જ પસંદ હોય એવા કિસ્સાઓ શહેરોમાં અને મેટ્રો સિટીમાં કોઈ નવાઈની વાત નથી રહી. તેમ છતાં પરિવારમાં સ્વીકારથી માંડીને અનેક સંઘર્ષનો સામનો ગે કે લેસ્બિયન સંબંધોમાં રહેલા બે પાત્રો કરતા રહે છે. નિખાલતાપૂર્વક કહું તો વર્ષો પહેલાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલને મળી એ પહેલાં આ પ્રકારના સંબંધો વિશે જરા સૂગની લà
09:05 AM Aug 29, 2022 IST | Vipul Pandya
પુરુષને પુરુષ જ ગમતો હોય કે સ્ત્રીને પોતાના પાર્ટનર તરીકે સ્ત્રી જ પસંદ હોય એવા કિસ્સાઓ શહેરોમાં અને મેટ્રો સિટીમાં કોઈ નવાઈની વાત નથી રહી. તેમ છતાં પરિવારમાં સ્વીકારથી માંડીને અનેક સંઘર્ષનો સામનો ગે કે લેસ્બિયન સંબંધોમાં રહેલા બે પાત્રો કરતા રહે છે. નિખાલતાપૂર્વક કહું તો વર્ષો પહેલાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલને મળી એ પહેલાં આ પ્રકારના સંબંધો વિશે જરા સૂગની લાગણી થતી હતી. માનવેન્દ્રસિંહ ગોહિલે જાહેર કર્યું કે, એ ગે છે. એ પછી અનેક સ્ટોરીઝ માટે એમને મળવાનું થયું. લક્ષ્ય ટ્રસ્ટમાં કામ કરતા લોકોને નજીકથી જોયા. થોડીક સૂગ ઓગળી અને લખાણથી માંડીને માનસિક રીતે આ સ્વીકાર સહજ બન્યો.  
સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં બહુ જ ક્રાંતિકારી વાત કહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ભારતનું પારંપરિક માળખું મા-બાપ અને તેમનું સંતાન છે. પરંતુ, સમય અને સંજોગો પ્રમાણે ઘણી વખત આ ઢાંચો બદલાતો રહે છે. પતિ કે પત્નીનું અવસાન થાય એ બાદ એકલા પડેલા પાર્ટનરે બીજા વ્યક્તિ સાથે લગ્નજીવન શરુ કર્યું હોય તો એ પણ પરિવાર છે. એક કિસ્સામાં પત્નીના અવસાન પછી બે સંતાનોના પિતાએ બીજા લગ્ન કર્યાં. આ બંને સંતાનો સાથે લાગણીથી જોડાઈ શકાય એ માટે એ નવી આવનારી સ્ત્રીએ એની નોકરીમાં રજા લીધી. પછી સંજોગો એવા થયા કે, આ યુગલનું પોતાનું એક સંતાન જન્મવાનું હતું. એ સંતાનના જન્મ સમયે મેટરનિટી લીવના મળતા લાભો બાબતે  આખો મામલો કોર્ટમાં ગયો. હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એ એસ બોપન્નાની બેંચે ફેંસલો સંભળાવ્યો કે, બંને કિસ્સામાં પરિવારની ભાવના દેખાઈ રહી છે. માતા-પિતા અને બાળક એ પરંપરામાં બદલાવ આવી શકે છે. આ અપરિવર્તનશીલ પરિસ્થિતિમાં એક વ્યક્તિની ગેરહાજરી, મૃત્યુ કે છૂટાછેડાં બાદ બદલાવ આવી શકે છે.  
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની સાથે બીજી એક વાત એ પણ સામે આવી કે, પરિવારની વ્યાખ્યા બદલાઈ રહી છે. અવિવાહીત સહજીવન જીવતા લોકો મતલબ કે લિવ ઈન પાર્ટનર પણ પરિવારની વ્યાખ્યામાં આવી શકે છે. સાથોસાથ સેમ સેક્સ- સમલૈંગિક સંબંધોનો પણ પરિવાર તરીકે જોવામાં આવી શકે છે. 2018ની સાલમાં સમલૈંગિક સંબંધો અપરાધની કક્ષામાંથી બહાર આવ્યા પછી આ સંબંધોની માન્યતા અંગે પણ બહોળા પરિપ્રેક્ષ્યમાં વિચાર કરાશે.  
સુપ્રીમ કોર્ટે એ વાતની પણ નોંઘ કરી છે કે, ભારતમાં સ્ત્રીઓને ઘર સંભાળવા માટે કોઈ પ્રકારનું વળતર નથી મળતું. આર્થિક સહયોગ અને વિકાસ સંગઠનના આંકડા ટાંકીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતીય સ્ત્રીઓ દિવસની 352 મિનિટ એવી પ્રવૃત્તિઓમાં આપે છે જેમાં એને કોઈ આર્થિક વળતર નથી મળતું. આ મિનિટો પુરુષો દ્વારા કરાતા કામોના સમય કરતાં 577 ટકા વધારે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ભારતની પરંપરા રહી છે કે, સ્ત્રી ઉપર બાળક અને પરિવારને સંભાળવાની જવાબદારી રહેલી છે. પરંતુ, માતા બનતી સ્ત્રીની લાગણીને પણ ગરિમાપૂર્ણ રીતે જોવી જોઈએ. સ્ત્રીની માતૃત્વ માટેની  રજાઓ હોય કે પતિના આગલા ઘરના સંતાનોને સંભાળવાની એની લાગણી હોય એના માતૃત્વ માટે આદર જળવાઈ રહેવો જોઈએ.  
ગે કે લેસ્બિયન લોકો જો પાર્ટનર તરીકે જીવતા હોય તો એમને પરિવાર તરીકેની માન્યતા મળવી એટલી સહજ હજુ આપણા સમાજમાં નથી બની. સાથોસાથ બે પુખ્તવયના યુવક-યુવતી લિવ ઈન પાર્ટનર કે અવિવાહીત જીવન પોતાની મરજીથી જીવી રહ્યા હોય તો એને પણ આપણે ત્યાં પરિવાર તરીકે જોવામાં નથી આવતા. એ વાત અલગ છે કે, લિવ ઈન પાર્ટનરમાં સ્ત્રીના અધિકારો માટે આપણે ત્યાં કાનૂની જોગવાઈ છે.  
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી કેટલાક કોમ્પલીકેટેડ સંબંધોમાં થોડી સ્પષ્ટતા આવશે એવું કાયદાકીય નિષ્ણાતોથી માંડીને કેટલીક સામાજિક સંસ્થાઓનું માનવું છે. પરિવાર અને સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે. પણ અંતે તો સમાજ- સોસાયટી કેટલો સ્વીકાર કરે છે એ સૌથી વધુ મહત્ત્વનું છે.  
jyotiu@gmail.com
Tags :
DefinitionofFamilyDomesticViolencefamilyGujaratFirstLGBTQLiveinRelationshipmaternityleavesupremecourt
Next Article