World Mental Health Day: ચિંતા, તણાવ અને ડિપ્રેશનથી બચવા ખાસ વાંચો આ અહેવાલ
અહેવાલ-
તારીખ ૧૦ ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા આ દિવસની ઉજવણી સમાજમાં સાચી રીતે માનસિક સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાય એ હેતુથી સાત દિવસના મેન્ટલ હેલ્થ સ્ક્રીનીગ દ્વારા કરી. સતત સાત દિવસ લોકોના માનસિક ઘટકોનું સ્ક્રીનીગ કરી તેમને જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ કરી આપવામાં આવ્યું. આ કેમ્પમાં ૫૪૯૦ લોકોએ સાત દિવસ દરમિયાન મુલાકાત લીધી અને પોતાના માનસિક સ્વાસ્થ્ય અને વિવિધ મનોવૈજ્ઞાનિક ઘટકો વિશે માહિતી મેળવી.
સ્ક્રીનીગ દરમિયાન જોવા મળેલ પરિણામો
૫૪૦ લોકોએ આક્રમકતાનું માપન કરાવ્યું જેમાં ૫૪.૮૯% લોકોમાં ઉચ્ચ, ૩૨.૨૩% લોકોમાં મધ્યમ અને ૧૨.૮૮% લોકોમાં નહિવત આક્રમકતા જોવા મળી. ભાઈઓ અને બહેનોમાં આક્રમકતાના પ્રમાણમાં પાતળી ભેદરેખા જોવા મળે છે. મનોવિજ્ઞાન ભવનના અગાઉના સંશોધન મુજબ બહેનોમાં ફાસ્ટફુડ અને જંકફુડ ખાવાની રૂચીને લીધે તેનામાં રાસાયણિક ફેરફાર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.જેથી તેમની આક્રમકતા પણ પુરુષો સમકક્ષ પહોચી હોય એવું લાગી રહ્યું છે.
વિદ્યાર્થી સમસ્યાઓ: ૧૧૭૦ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી સમસ્યાઓનું માપન કરાવ્યું જેમાં ૬૭.૧૮% વિદ્યાર્થીઓએ કુટુંબની સમસ્યાઓ અને ૩૨.૮૨% વિદ્યાર્થીઓએ ભણવાને લગતી સમસ્યાઓ અનુભવી.
યુવા સમસ્યા: ૧૮૯૦ યુવાનોએ પોતાની સમસ્યાઓનું માપન કરાવ્યું. જેમાં ૪૧.૧૦% યુવાનોને વ્યક્તિગત સમસ્યાઓ,૨૩.૩૨% યુવાનોને કૌટુંબિક સમસ્યાઓ,૨૨.૨૩% યુવાનોને સામાજિક આવેગિક સમસ્યાઓ,૧૩.૩૫% યુવાનોને શૈક્ષણિક સમસ્યાઓ જોવા મળી. યુવતીઓમાં વ્યક્તિગત અને આવેગિક સમસ્યાઓ જયારે યુવાનોમાં કૌટુંબિક સમસ્યાઓ વધુ જોવા મળી .
ડીપ્રેશન:૯૧૦ લોકોએ ડીપ્રેશનનું માપન કરાવ્યું. જેમાં ૧૮.૧૦% લોકોમાં ઉચ્ચ, ૩૫.૪૪% લોકોમાં મધ્યમ અને ૪૬.૪૬% લોકોમાં નહિવત ડીપ્રેશન જોવા મળ્યું. ભાઈઓ કરતા બહેનોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ જોવા મળ્યું.
આવેગિક સ્થિરતા: ૮૧૦ લોકોએ આવેગિક સ્થિરતાનું માપન કરાવ્યું જેમાં ૫૧. ૧૧% લોકો આવેગિક અસ્થિર અને ૪૮.૮૯% લોકો આવેગિક સ્થિર જોવા મળ્યા.
વિદ્યાર્થી મનોભાર: ૧૨૩૦ વિદ્યાર્થીઓએ પોતાના મનોભારનું માપન કરાવ્યું, જેમાં ૨૬.૬૭% વિદ્યાર્થીઓને ઉચ્ચ, ૪૫. ૪૫% વિદ્યાર્થીઓને મધ્યમ અને ૨૭.૮૮% વિદ્યાર્થીઓને નહીવત મનોભાર જોવા મળ્યો.
આવેગશીલતા: ૩૬૦ લોકોએ પોતાની આવેગશીલતાનું માપન કરાવ્યું. જેમાં ૩૪.૫૬% લોકોમાં ઉચ્ચ આવેગશીલતા, ૩૬.૭૬% લોકોમાં મધ્મય અને ૨૮.૬૮% લોકોમાં નિમ્ન આવેગશીલતા જોવા મળી. આવેગશીલતાનું પ્રમાણ ભાઈઓ અને બહેનોમાં લગભગ સરખું જ જોવા મળ્યું.
આવેગિક પરિપક્વતા: ૯૧૦ લોકોએ પોતાની આવેગિક પરિપક્વતાનું માપન કરાવ્યું જેમાં ૩૫.૪૭% લોકોના આવેગો ખુબ જ અપરિપક્વ, ૪૧.૧૦% લોકોના આવેગો મધ્યમ અપરિપક્વ અને ૨૩.૪૩% લોકોના આવેગો પરિપક્વ જોવા મળ્યા. ભાઈઓ કરતા બહેનોમાં આવેગિક પરિપક્વતા ઓછી જોવા મળી.
આત્મહત્યા વૃતિ: 810 લોકોએ આત્મહત્યા વૃત્તિનું માપન કરાવ્યું જેમાં ૨૮.૩૪% લોકોમાં ઉચ્ચ, ૩૧.૧૦% લોકોમાં મધ્યમ અને ૪૦.૫૬% લોકોમાં નહીવત આત્મહત્યાવૃતિ જોવા મળી. બહેનો કરતા ભાઈઓમાં આ વૃત્તિનું પ્રમાણ વધુ જોવા મળ્યું.
મૃત્યુચિંતા: 1240 લોકોએ મૃત્યુચિંતાનું માપન કરાવ્યું જેમાં ૫૧.૧૦% લોકોને મૃત્યુચિંતા વધુ જોવા મળી. બહેનોમાં આ પ્રમાણ વધુ જોવા મળ્યું.
માનસિક સ્વાસ્થ્ય: 1710 લોકોએ માનસિક સ્વાસ્થ્યનું માપન કરાવ્યું જેમાં 21.12 ટકા લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખુબ જ સરસ, 34.45 ટકા લોકોનું માનસિક સ્વાસ્થ્ય મધ્યમ અને 44.43 ટકા લોકો કોઈને કોઈ માનસિક સમસ્યાઓ અનુભવતા જોવા મળ્યા. આ માનસિક સમસ્યાઓમાં તનાવ, ચિંતા, આક્રમકતા, પારિવારિક સમસ્યાઓ, આવેગિકશીલતા વધુ જોવા મળી.
આ પણ વાંચો - નવલા નોરતા : રાજકોટની મહિલાઓમાં વધ્યો નેઇલ આર્ટનો ક્રેઝ