VADODARA : ઢોરપાર્ટીની ગાડીમાં ભારે સ્ટંટ બાજી સામે આવી
VADODARA : વડોદરામાં પાલિકા (VADODARA -VMC) દ્વારા રખડતા પશુ પકડવાની કામગીરીમાં ઉપયોગી ઢોરપાર્ટીની ગાડીમાં સ્ટંટ બાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આ વીડિયોમાં ઢોર પાર્ટીની ગાડીમાં પાછળ કર્મીઓને ઉભા રાખીને મેદાનમાં ગોળ ગોળ આંટા મારવામાં આવતા હોવાનું વીડિાયોમાં જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ઢોર પકડવા માટેની ગાડી એકલી કામે નથી જતી. તેની જોડે પશુ પુરવા માટેનું પીંજરૂ, પોલીસ, તથા પાલિકાના સ્ટાફની ગાડીઓ પણ હોય છે. આ પરિસ્થિતીથી તદ્દન વિપરીત મેદાનમાં માત્ર ઢોર પાર્ટીની ગાડી જ જોવા મળી છે. અને તેમાં આમ-તેમ આંટા ફેરા મારીને સ્ટંટ બાજી કરવામાં આવી રહી છે. હવે આ વીડિયો સપાટી પર આવ્યા બાદ શું કોઇ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું.
વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો
વડોદરામાં પાલિકા દ્વારા રખડતા પશુ પકડવાની કામગીરીને લઇને અનેક વખત ઘર્ષણની ઘટનાઓ સામે આવતી હોય છે. રખડતા પશુ પકડવા માટે પાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત, ઢોર પકડવા માટેનો સ્ટાફ, તથા પાલિકા સ્ટાફના કાફલા સાથે સામાન્ય રીતે કામગીરી કરવામાં આવતી હોય છે. જ્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં પાલિકાની ઢોરપાર્ટીની કારમાં સ્ટંટ બાજી કરવામાં આવી રહી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. આ ગાડીઓ નવલખી મેદાનમાં આંટાફેરા મારીને સ્ટંટ બાજી કરી રહી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. બે ગાડીઓ પૈકી એક ગાડીમાં ત્રણ જેટલા ઇસનો જોખમી રીતે ઉભા રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
કાફલો જોવા મળતો નથી
આ વીડિયોમાં નજીકમાં કોઇ રખડતું પશું, અથવા સામાન્ય રીતે નિકળતો ઢોર પાર્ટીનો કાફલો જોવા મળતો નથી. જેના કારણે સ્ટંટ બાજી માટે ગાડીઓ આમ-તેમ દોડાવી, મેદાનમાં ગોળ ગોળ ફેરવવામાં આવતી બોવાની શંકા પ્રબળ થવા પામે છે. હવે આ મામલે પાલિકાની ગાડીઓમાં સ્ટંટ બાજીને લઇને તપાસ હાથ ધરવા માટેની લોકમાંગ ઉઠવા પામી છે. તંત્ર આ મામલે તપાસ કરીને બેજવાબદારો સામે કોઇ પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : બેદરકાર બે ગેમઝોનના સંચાલક-મેનેજર સામે નોંધાઇ ફરિયાદ