VADODARA : પારૂલ યુનિ.ના રેક્ટરે રૂ. 31.90 લાખનો ચુનો ચોપડ્યો
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી પારૂલ યુનિવર્સિટી ((PARUL UNIVERSITY - VADODARA) ના રેક્ટરે યુનિ.ને રૂ. 31.90 લાખનો ચુનો ચોપડ્યો હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલ રેક્ટરે વિદ્યાર્થીઓ પાસેથી હોસ્ટેલ ફીના નાણાં મેળવીને અન્ય વિદ્યાર્થીના ખાનગી એકાઉન્ટમાં જમા કરાવી ઉચાપત કરી હોવાનું સોફ્ટવેરમાં ચેક કરતા સામે આવ્યું છે. આખરે આ મામલે રેક્ટર અને વિદ્યાર્થી સામે વાઘોડિયા પોલીસ મથક (WAGHODIA POLICE STATION) માં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
યુનિ.ની કુલ 35 હોસ્ટેલ છે
વાઘોડિયા પોલીસ મથકમાં આશુસિંહ નંદેસિંહ રાજપુત (ઉં.40) (રહે. ટીચીંટ ક્વાટર્સ પારૂલ યુનિ. કેમ્પસ, વાઘોડિયા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે પારૂલ યુનિ. ખાતે ચીફ રેક્ટર તરીકે 19 વર્ષથી નોકરી કરે છે. તેઓની ફરજમાં રેક્ટરની રજા, મેનેજમેન્ટ તથા હોસ્ટેલમાં રહેતા સ્ટુડન્ટ્સની દેખરેખ તેમજ મેસનું કામ જોવાનું આવે છે. યુનિ.ની કુલ 35 હોસ્ટેલ છે, જેમાં 18 હજાર વિદ્યાર્થીઓ રહે છે. અલગ અલગ હોસ્ટેલમાં રહેવા માટે અલગ-અલગ ફી ચુકવવાની હોય છે.
સ્ક્રીન શોટ રજૂ કર્યો
7 જુલાઇના રોડ યુનિ.ના સોફ્ટવેરમાં કેટલા રૂમ બાકી છે, અને કેટલા ભરેલા છે, તથા કેટલા વિદ્યાર્થીઓએ ફી ભરેલી છે, તે તપાસ કરતા જાણવા મળ્યું કે, સરદાર ભવન બી હોસ્ટેલના 29 છોકરાઓને રૂમ ફાળવવામાં આવ્યા છે. પરંતુ તેમણે હોસ્ટેલ ફી ભરી નથી. જેથી શંકા જતા તેમણે પર્સનલ મોબાઇલ નંબર પર ફોન કરીને પુછ્યું હતું. જેમાં છોકરાઓએ જણાવ્યું કે, ફી રેક્ટર પવન બાબુલાલ તંવર ના કહેવાથી ખાનગી એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી છે. અન્ય છોકરાએ રૂ 96 હજાર ઓનલાઇન અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનો સ્ક્રીન શોટ રજૂ કર્યો હતો. જેથી રેક્ટર પવન બાબુલાલ તંવરને પૈસાની ચૂકવણી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.
ક્રિપ્ટો કરન્સીમાં ખરીદ વેચાણ કરતો
બાદમાં તપાસ કરતા રેક્ટર પવન મળી આવ્યો ન્હતો. અને તેનો ફોન સ્વીચ ઓફ બતાવતો હતો. આખરે તેના દ્વારા યુનિ.એ આપેલા રેક્ટરના હોદ્દાનો દુરઉપયોગ કરીને હોસ્ટેલ ફી યુનિ.માં જમા કરાવવાની જગ્યાએ અન્ય એકાઉન્ટમાં જમા લીધા હતા અને તે પૈસાનો ઉપયોગ અંગત કામ માટે કર્યો હતો. ફેબ્રુઆરી - 2024 થી લઇને જુન - 2024 સુધીમાં તેણે 47 છોકરાઓ પાસેથી કુલ રૂ. 31.90 લાખ મેળવ્યા હતા. આ રકમ તેણે કોલેજમાં ભણતા મંથન ગોવિંદભાઇ ગોહેલ (રહે. કિર્તિ કોમ્પલેક્ષ, ઉમાચાર રસ્તાા) (મુળ રહે. ડાયમંડ ટોકીઝ પાસે, વેરાવળ) ના એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા. પવન ક્રિપ્ટો કરન્સીમાં ખરીદ વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
બે સામે ફરિયાદ
આખરે ઉપરોક્ત મામલે રેક્ટર પવન બાબુલાલ તંવર (રહે. બરવાસ, ભીવાની, લોહારૂ) અને મંથન ગોવિંદભાઇ ગોહેલ (રહે. કિર્તિ કોમ્પલેક્ષ, ઉમાચાર રસ્તાા) (મુળ રહે. ડાયમંડ ટોકીઝ પાસે, વેરાવળ) સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો -- Rain in Gujarat : La nina ની અસરથી રાજ્યમાં પડશે અનરાધાર વરસાદ! અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ