VADODARA : હરણી બોટકાંડ મામલે પાલિકાના કાર્યપાલક ઇજનેર દોષિત ઠર્યા
VADODARA : વડોદરા (VADODARA) ના હરણી બોટકાંડ (HARNI BOAT ACCIDENT - VADODARA) મામલે પાલિકાના કાર્યપાલક એન્જિનીયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેની સામે જીપીએમસી એક્ટ હેઠળ શિસ્તવિષયક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 20, જુલાઇના રોજ વડોદરા પાલિકાની સામાન્ય સભા યોજાવવા જઇ રહી છે. ત્યારે આ પગલાં લેવા અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે.
ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી
વડોદરાના હરણીમાં બોટીંગ માટે ન્યુ સનરાઇઝ શાળાના બાળકો 18, જાન્યુઆરી - 2024 ના રોજ ગયા હતા. દરમિયાન બોટ પલટી જતા બાળકો અને શિક્ષકો સહિત 14 ના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ, પરેશ પટેલ, જીગર સાયણીયા તથા અધિક મદદનીશ ઇજનેર સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બેદરકારી બદલ રાજેશ ચૌહાણ દોષિત ઠર્યા છે.
ખાતાકીય તપાસમાં પુરવાર થયું
રાજેશ ચૌહાણે લેકઝોન ખાતે સીસીટીવીનું નિરીક્ષણ, બોટિંગ માટે સુવિધામાં બોટ તથા અન્ય રાઇડ્સના લાઈસન્સ તેમજ સેફ્ટી સર્ટિફિકેટ લીધાં છે કે કેમ, સમયાંતરે તેનું મેન્ટેનન્સ કરાયું છે કે કેમ તેની તકેદારી રાખવાની હતી. સાથે જ કોન્ટ્રાક્ટરે ફાયર એનઓસી રિન્યુ કરી છે કે કેમ, મનોરંજનનાં સાધનોનું સમયાંતરે મેન્ટેનન્સ થયું છે કે કેમ તેની ચકાસણી કરવાની હતી. તેના લાઇસન્સ, પરવાનગી, ફિટનેસ તેમજ સેફ્ટી સર્ટિફિકેટ લેવાયાં છે કે કેમ જેવી આવશ્યક બાબતોની તકેદારી રાખી ન હોવાનું ખાતાકીય તપાસમાં પુરવાર થયું છે. જેને લઇને તેઓ દોષિત ઠર્યા છે.
જીપીએમસી એક્ટ હેઠળ ભારે શિક્ષાત્મક કાર્યવાહી
હરણી લેક ઝોનમાં બોટ સહિતની રાઇડ્સના મેન્ટેનન્સનું ધ્યાન રાખવા અને અન્ય જવાબદારીમાં બેદરકારી દાખવનાર રાજેશ ચૌહાણ સામે જીપીએમસી એક્ટ હેઠળ ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, તેવું સુત્રો ઉમેરી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : હરણી બોટકાંડ મામલે પોલીસ કમિશનરને કૌભાંડના પુરાવા સોંપાયા