Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ખાનગીને જોરદાર ટક્કર આપતી સુવિધાઓ સરકારી શાળામાં

VADODARA : રાજ્ય સરકાર દ્વારા શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થાય, શિક્ષણ અને કન્યા કેળવણીનાં મહત્વ વિશે જાગૃતતા વધે તે આશયથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. રાજ્ય સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે...
vadodara   ખાનગીને જોરદાર ટક્કર આપતી સુવિધાઓ સરકારી શાળામાં

VADODARA : રાજ્ય સરકાર દ્વારા શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થાય, શિક્ષણ અને કન્યા કેળવણીનાં મહત્વ વિશે જાગૃતતા વધે તે આશયથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. રાજ્ય સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે ૧૦૦ ટકા બાળકોનું શાળામાં નામાંકન થાય. ત્યારે વાત વડોદરા (VADODARA) શહેરની એવી પ્રાથમિક શાળાની કરવી છે કે, જ્યાં બાળકોનું ૧૦૦ ટકા નામાંકન તો થાય જ છે પરંતુ સાથે-સાથે શાળામાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓના કારણે બાળકો હોંશે હોંશે શાળામાં ભણવા માટે આવી રહ્યા છે આ શાળા છે, કવિ દુલા કાગ પ્રાથમિક શાળા.

Advertisement

શિક્ષક સતત પ્રયત્નશીલ

કહેવાય છે કે શિક્ષણ એ સમાજમાં આશાવાદ ઉભો કરવાનું સૌથી મહત્વનું માધ્યમ છે વ્યક્તિના જીવન ઘડતરમાં શિક્ષકની પાયાની ભૂમિકા રહેલી છે. શિક્ષક ફકત ભણાવવા પૂરતો સિમિત ન રહેતા વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રનિર્માણની ત્રિસ્તરીય જવાબદારી નિભાવતો હોય છે વિદ્યાર્થીના વ્યક્તિત્વના તમામ પાસા ખુલે અને વિદ્યાર્થી ફક્ત સ્વકેન્દ્રી ન રહેતા સમાજકેન્દ્રી બને એ માટે શિક્ષક સતત પ્રયત્નશીલ રહેતા હોય છે.

Advertisement

પાંચ શિક્ષકોએ મેળવ્યા એવોર્ડ

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેનાર વિદ્યાર્થીઓને સતત પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડનાર આવા જ એક શિક્ષકની, વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી જીગરભાઈ ઠાકરની શિક્ષક તરીકે પોતાની શૈક્ષણિક કારકીર્દિની શરૂઆત કરનાર જીગરભાઇએ એમ.એ.બી.એ. પી.ટી.સી. કરેલ છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવવે છે. આ શાળામાં અચાર્ય જીગરભાઈ ઠાકર સહિત પાંચ શિક્ષકો મહાનગરપાલિકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક અને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવી ચુક્યા છે.

Advertisement

શિક્ષણ અને ઈતરપ્રવૃત્તિઓ બંનેમાં સારું કાઠું કાઢ્યું

શાળાના આચાર્ય જીગરભાઈ ઠાકર સ્કૂલ વિશે વાત કરતા જણાવે છે કે, શાળામાં દરેક ક્લાસ સ્માર્ટ ક્લાસ છે આ ક્લાસમાં ટચ બોર્ડના માધ્યમથી શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. શાળામાં વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ છે.અમારી શાળા પાસે પોતાના રચનાત્મક કામોની રજૂઆત માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. દરરોજની શૈક્ષણિક પ્રવૃતિઓ યુ ટયુબ અને ફેસબુક ચેનલ પર મુકવામાં આવે છે. આ માધ્યમો થકી ઘણી બધી શાળાઓ પોતાની શાળામાં થતા રહેલા રચનાત્મક કાર્યો, નવાચાર વગેરેને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકી રહી છે અને લોકો તેની નોંધ લઈ રહ્યા છે. શાળાના શિક્ષણ અને ઈતરપ્રવૃત્તિઓ બંનેમાં સારું કાઠું કાઢ્યું હોય તેવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,વડોદરા સંચાલિત કવિ દુલાકાગ પ્રાથમિક શાળા છે. શાળામાં પ્રવેશ કરતા જ આપણને એમ લાગે જાણે આપણે કોઈ ખાનગી શાળાના ભવ્ય સંકુલમાં પ્રવેશતાં હોઇએ. શાળામાં પ્રવેશતાં જ સંકુલની શરૂઆત ખો-ખો, વોલીબોલ અને કબડ્ડીના મેદાનથી થાય. બીજી તરફ ખુબ મોટો એવો બાગ જોવા મળે.

રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે

શાળાના આચાર્ય ઠાકરે કહ્યું કે, છેલ્લા આઠ વર્ષોથી વડોદરા કોર્પોરેશન અને જિલ્લા કક્ષાએ. ખો-ખો અને લંગડી જેવી રમતમાં તેમનો સિક્કો પડે છે. સતત સાતત્ય પૂર્વક રમતગમતમાં બાળકો ભાગ લઈ રહ્યા છે અને રાજ્યકક્ષા સુધીની અંડર ૧૪ની ટીમોમાં બાળકોની પસંદગી થાય એ નવું કહેવાય. કવિ દુલા કાગ પ્રાથમિક શાળા માત્ર રમતગમત ખાતે જ સિદ્ધિઓ મેળવે છે તેવું નથી રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે તેમાં પણ રાજ્યકક્ષા સુધી બાળકો જાય અને રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે જીતીને આજે રાસ ગરબા જેવી સંસ્કૃતિ સાથે જોડાયેલી સાંસ્કૃતિક બાબતોનું પણ ખાસ ધ્યાન રાખીને બાળકોના સર્વાગી વિકાસમાં તેનું પણ યોગદાન છે.શિક્ષણ ક્ષેત્રે પણ અવ્વલ છે. સ્કૂલ ઇન્સ્પેક્ટર સમગ્ર શાળાનું મૂલ્યાંકન નાના મોટા ૫૦ થી ૫૫ જેટલા માપદંડોના આધારે કરે છે. આ ૫૦-૫૫ જેટલા માપદંડોમાં મુખ્યત્વે શાળામાં અધ્યયન અને અન્ય પ્રવૃતિઓ કેવી રીતે કરાવાય છે, શાળા વ્યવસ્થાપન, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંસાધનો અને તેનો ઉપયોગ, એકમ કસોટી, સત્રાંત કસોટી, અધ્યયન માટે અસરકારક વાતાવરણ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ, શાળામાં બાળકની હાજરી, શાળાનું સંચાલન અને સલામતી, પ્રાર્થના સભા, યોગ વ્યાયામ અને રમતગમત, શાળા પુસ્તકાલયનો ઉપયોગ, કોમ્પ્યુટર લેબનો ઉપયોગ અને એ સિવાય શાળામાં મધ્યાહન ભોજન યોજના, પાણી શૌચાલય અને સ્વચ્છતા જેવા તમામ પાસાઓને આવરી લઈને મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે.

સતત સુધારો લાવે છે

શાળા સતત બે વર્ષથી સરકાર દ્વારા કરવામાં આવતા ગુણોત્સવમાં ગ્રીન ઝોન ૨ માં સ્થાન મેળવી રહી છે. આ નાની ઉપલબ્ધિ નથી. ગ્રીન ઝોન ૨ માં આવવું એટલે શાળા રાતત બે વર્ષથી ૧૦૦ માંથી ૮૫ ગુણ મેળવી રહી છે. આ ૮૫ ગુણ તે તમામ પાસાઓને આવરીને, તેની પર ધ્યાન આપે, તેમાં સતત સુધારો લાવે છે, એટલા માટે મેળવી શકે છે.

ચૂંટણીનું રીતસરનું જાહેરનામું પ્રસિદ્ધ

શાળાના આચાર્ય જીગરભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, બાળકોમાં નેતૃત્વના ગુણો વિકસાવવા માટે શાળામાં બાળ સંસદની કુટીર બનાવવામાં આવી છે. શાળાના પ્રાંગણમાં મેદાનની સામેની તરફ બાળ સંસદની કુટીર છે. બાળ સંસદની કુટીરનો ઉપયોગ શાળાનું સંચાલન કરનારા બાળ સાંસદો દ્વારા થાય છે. આ બાળ સાંસદોની ચૂંટણી વર્ષની શરૂઆતમાં થાય છે. ચૂંટણી એટલે માત્ર કાગળિયા ઉપરની નહિ. શાળાના નોટિસ બોર્ડ ઉપર ચૂંટણીનું રીતસરનું જાહેરનામું પ્રસિદ્ધ કરે છે.

પ્રયત્નો ઉડીને આંખે વળગે

બાળકો ઉમેદવારી પત્ર ભરી ચૂંટણીનો માહોલ શાળા પૂરતો જ ના દેખાય બાળકો જે વિસ્તારમાંથી શાળામાં પહોંચે છે તે વિસ્તારના રહીશો પણ જાણી જાય કે દુલા કાગમાં બાળકોની બાળસંસદની ચૂંટણી આવી ગઈ છે. શાળાના કેમ્પસમાં ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની જેમ જ, ચૂંટણીના દિવસે જે વર્ગખંડમાં મતદાન થવાનું હોય ત્યાં સુધી યેનકેન પ્રકારે ઉમેદવારો પોતાના સમર્થન માટે સતત પ્રયત્ન કરતો જોવા મળે છે, અલબત્ત આ બધુ આચારસંહિતાની મર્યાદામાં રહીને જ થાય. પરિણામની પણ એટલી જ ઉત્સુકતા હોય છે. એકંદરે એવું લાગે કે શાળાનું નેતૃત્વ આજે જે બાળક કરે છે તે આવનાર સમયમાં વ્યવહાર જીવનમાં પણ સહજતાથી નેતૃત્વ પુરૂ પાડશે. નેતૃત્વના ગુણમા, લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન થાય તે માટે પણ શાળા કક્ષાએ થતા પ્રયત્નો ઉડીને આંખે વળગે છે. આ બાળ સાંસદો પોતપોતાને ફાળવેલ સમિતિમાં સક્રિય ભૂમિકા ભજવે છે. મધ્યાહન ભોજન સમિતિ, પ્રાર્થના સમિતિ, સ્વચ્છતા સમિતિ, બાગકામ સમિતિ, આરોગ્ય સમિતિ, પાણી સમિતિ અને બુલેટિન બોર્ડ જેવી સમિતિ શાળાના તમામ રોજિંદા કામોમાં સક્રિય ભૂમિકા ભજવે છે. આમ, બાળકોમાં તંદુરસ્ત સ્પર્ધા, કામમાં ચીવટ, નવું કરવાની અને વિચારવાની ધગશ, પોતાનું કામ સારામાં સારી રીતે રજૂ કરવું જેવી અનેક બાબતો ખીલવવા, શાળાના પ્રાંગણમાં બાળ સંસદના પ્રમુખ અને મંત્રી બંને અઠવાડિયે કે પંદર દિવસે તમામ સમિતિઓની સાથે બેસીને ચર્ચા કરે. શાળામાં શું બની રહ્યું ? શું નવું કરી શકાય છે? વગેરેની ચર્ચા કરી તેનો ટૂંકો અહેવાલ જે તે સમિતિ જવાબદાર શિક્ષકને અને આચાર્યને જણાવે છે.

મન હોય તો માળવે જવાય

શાળાના આચાર્ય અને શિક્ષકગણ શાળાની તમામ પ્રકારે, તમામ પાસાઓમાં પ્રગતિ થાય તેના માટે પણ એટલા જ સક્રિય છે. શાળાએ આજ દિન સુધીમાં શાળાના ઉત્કર્ષ માટે, શાળાની પ્રગતિ માટે સમાજ પાસેથી સીએસઆર રૂપે ૭૫ લાખથી વધુ રકમનું તો અનુદાન મેળવ્યું છે. કહેવાય છે કે, મન હોય તો માળવે જવાય. શાળામાં ત્રણેય બિલ્ડીંગ એટલા સ્વચ્છ કે કોઈને કશું ન આપવું હોય તો પણ આપવાનું મન થાય શાળાનો તમામ વર્ગ સ્વચ્છાગ્રહી છે. ૧૫ લાખનો પ્રાર્થના સભાનો શેડ હોય, દસ લાખના રમત ગમતના મેદાન હોય, પાંચ લાખના સ્માર્ટ ક્લાસ હોય કે પછી પાંચ લાખની કોમ્પ્યુટર લેબ હોય. લાખ બે લાખ આપનારા દાતાઓની સૂચિ તો લાંબી છે.

યુનિસેફની ટીમ દ્વારા શાળાની મુલાકાત

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ શાળામાંથી જ્ઞાાનસંગમ પ્રોજેકટનો શુભારંભ કરાવ્યો હતો. વર્ષ ૨૦૧૬માં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ, વર્ષ૨૦૧૬-૧૭માં શાળા સ્વચ્છતા એવોર્ડ સહિત રમતગમત અને શેક્ષણિક ક્ષેત્રે વિવિધ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે આ શાળાના જીગરભાઈ ઠાકરને મહાનગરપાલિકા કક્ષાએ વર્ષ-૨૦૨૦માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ શાળામાં દરવર્ષે ખાનગીશાળાના એક સોથી વધુ બાળકો પ્રવેશ મેળવે છે. આ શાળામાં તમામ શિક્ષણગણ યુનિફોર્મમાં ફરજ બજાવે છે. સ્વચ્છતા બાબતે યુનિસેફની ટીમ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી.

આ પણ વાંચો -- VADODARA : કમાલ થઇ ગયો ! એક આંબા પરથી સાડા ચોત્રીસ મણ કેરી ઉતરી

Tags :
Advertisement

.