VADODARA : વિતેલા 24 કલાકમાં ફાયર વિભાગે 2 કાર શોરૂમ સીલ કર્યા, અનેકને નોટીસ
VADODARA : રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટના (RAJKOT FIRE TRAGEDY) બાદ વડોદરા પાલિકા (VADODARA - VMC) એક્શનમાં આવી છે. અને ત્યાર બાદથી લઇને આજદિન સુધી લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને વિવિધ વિભાગની ટીમો દ્વારા ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગતરોજ શહેરના ફાયર વિભાગ દ્વારા કારેલીબાગ અને સોમા તળાવ વિસ્તારમાં આવેલા કારના 2 શોરૂમ સીલ કર્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ અનેક જગ્યાએ નોટીસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અલગ અલગ વિસ્તારોમાં સેફ્ટી ચેકીંગ
રાજકોટ દુર્ઘટના બાદ વડોદરા પાલિકા દ્વારા ફાયર તથા એન્જિનીયરીંગ સહિતના વિભાગોની ટીમો બનાવીને લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સઘન તપાસ કરવામાં આવી રહી છે. જે કોઇ સ્થળે ક્ષતિ જણાય તો નોટીસ પણ પાઠવવામાં આવી રહી છે. અને સ્થિતી તેના કરતા પણ ખરાબ હોય તો સીલ મારી દેવામાં આવે છે. વિતેલા 24 કલાકમાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સેફ્ટી અંગેનું ચેકીંગ હાથ ધર્યું હોવાનું સામે આવ્યું છે. તે પૈકી શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમર કાર, અને સોમા તળાવ વિસ્તારમાં આવેલા એમ એમ વોરા શો રૂમને સુરક્ષાના અભાવે સીલ કરી દેવામાં આવ્યું છે.
અનેકને નોટીસ
આ સાથે એસએસજી ડીન મેડિકલ કોલેજ કેમ્પસ, જી. જે. સેન્ટ્રલ મોલ - અલકાપુરી, ગોકુલ રેસીડેન્સી - પાદરા, બેંકર્સ નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ - પાદરા, જ્યુપીટર હોસ્પિટલ - પાદરા, અંકુર વિદ્યાલય - પાદરા, ને નોટીસ પાઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, વડોદરા ફાયર વિભાગની ટીમ દ્વારા ગતરોજ કોલેજ, હોસ્પિટલ, સ્કુલ, શોરૂમ, મોલ સંચાલકો સામે કાર્યવાહી કરી હતી. લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને પાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહના થઇ રહી છે. તો બીજી તરફ લોકોની સુરક્ષાની અવગણના કરતા એકમોના સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો -- Sabarkantha: નાઈટ ક્રિકેટ ટૂનાર્મેન્ટમાં બોલ લેવા બાબતે બબાલ, ચાર લોકો ગંભીર રીતે ઘાયલ