VADODARA : ભણી-ગણીને શિક્ષક બનેલા યુવકે ચોરીનો રસ્તો પસંદ કર્યો
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના ગોરવા મધુનગર બ્રિજ પાસે આવેલા ચર્ચમાં 28, જુન ના રોજ રાત્રે ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ચોર દ્વારા કોઇ સાધન વડે ચર્ચની ઓફીસના દરવાજાનો કાચ તોડી પ્રવેશી કાચની પેટીમાં મુકેલા બાળ ઇસુની મૂર્તિ કિં. રૂ. 1 લાખ તેમજ મૂર્તિ પર લગાવેલ દોઢ તોલાની સોનાની ચેઇન કિં. રૂ. 45 હજારની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સીસીટીવી, ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સ આધારિત તપાસ શરૂ કરવામાં આવી હતી.
ચોરને ઇજા પહોંચતા સારવાર લીધી
જેમાં ચર્ચમાં ચોરી સમયે સીસીટીવીમાં જોવા મળતા શખ્સથી મળતો આવતો એક શખ્સ પંડ્યા બ્રિજ નીચે સોનાની ચેઇન વેચવાની ફિરાકમાં હોવાની બાતમી મળી હતી. જે બાદ ટીમે શંકાસ્પદ જણાાત જીગ્નેશકુમાર જયંતિભાઇ પટેલિયા (ખ્રિસ્તી) (ઉં.36) (રહે. વાસુ રેસીડેન્સી, એકતાનગર સામે, છાણી) ની અટકાયત કરી હતી. અને તપાસ કરતા તેની પાસેથી સોનાની ચેઇન મળી આવી હતી. જે અંગેના આધાર પુરાવા રજૂ કરવાનું કહેતા શખ્સ કરી શક્યો ન્હતો. તેની સઘન પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, તેને રૂપીયાની જરૂરત હતી. ગોરવા, મધુનગર બ્રિજ પાસેના ચર્ચામાં તે અગાઉ પ્રાર્થના કરવા માટે ગયો હતો. ત્યાં તેણે બાળ ઇશુની મૂર્તિને સોનાની ચેઇન પહેરાવી હોવાનું તેના ધ્યાને આવ્યું હતું. જેથી રાત્રીના સમયે તેણે ચર્ચામાં જઇને પથ્થર વડે કાચની પેટી તોડી હતી. તે સમયે તેને પણ હાથમાં ઇજા પહોંચી હતી. તેણે બાળ ઇશુની મૂર્તિ રસ્તામાં નાંખી દીધી હતી. અને એસએસજી હોસ્પિટલમાં પડી જવાનું કારણ આપીને સારવાર કરાવી હતી.
સોનાની ચેઇન રીકવર
બાદમાં તે સોનાની ચેઇનને વેચવાની ફીરાકમાં પંડ્યા બ્રિજ પાસે ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ગોરવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આરોપી પાસેથી 5 ગ્રામ વજનની સોનાની એક ચેઇન રીકવર કરવામાં આવી છે. જેની અંદાજીત કિંમત રૂ. 26 હજાર આંકવામાં આવી છે.
આરોપીનો ઇતિહાસ
ચર્ચમાં ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી જીગ્નેશકુમાર જયંતિભાઇ પટેલિયા (ખ્રિસ્તી) એ એમ.એ બીએડ સુધીનો અભ્યાસ કરેલો છે. બે વર્ષ સુધી તેણે શિક્ષક તરીકેની નોકરી પણ કરી છે. નોકરીમાં પગાર ઓછો મળતો હોવાથી અને કોરોનાકાળ હોવાથી તેણે નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ બેકાર રહ્યા પછી તેણે 15 - 20 દિવસ માર્કેટીંગનું કામ કરવાનુ શરૂ કર્યું હતું. જો કે, તેમાં ગુજરાન સારી રીતે ચાલતું ન્હતુ, જેથી તેણે ચર્ચામાં ચોરી કરી હતી.
આ પણ વાંચો -- Vadodara : વરસાદ જોવા ગેલેરીમાં ઊભી મહિલા પર અચાનક બાલ્કની પડી, થયું મોત