VADODARA : 24.56 લાખ લોકોની રક્તપિત્ત અંગેની ચકાસણી કરાશે
VADODARA : રકતપિત્ત રોગ (Leprosy) ના કારણે સામાન્ય રીતે પીડીત લોકોને સમાજિક ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે. આ રોગમાં કોઈ પણ જાતની પીડા જોવા મળતી ન હોવાના કારણે ઘણા દર્દીઓને રકતપિત્ત રોગની જાણ પણ હોતી નથી. જેથી રકતપિત્ત રોગ વિશે જાગૃતિ વધારવા તથા રકતપિત્ત નિર્મૂલન કરવાના આશયથી વડોદરા જિલ્લાના તમામ તાલુકા અને વડોદરા કોર્પોરેશનના નિયત વિસ્તારોમાં તા. ૧૦ થી તા. ૨૯ જૂન ૨૦૨૪ સુધી રક્તપિત્ત શોધ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ અભિયાનમાં વડોદરા જિલ્લો અને કોર્પોરેશનના નિયત વિસ્તારોમાં કુલ ૧૬૮૭ ટીમ દ્વારા તા. ૧૦/૦૬/૨૦૨૪ થી તા. ૨૯/૦૬/૨૦૨૪ સુધી રક્તપિત્ત દર્દી શોધ ઝૂંબેશ (LCDC) યોજવામાં આવશે.
બે વર્ષથી ઉપરની ચકાસણી
આ કેમ્પેઇનમાં આશા અને પુરુષ વોલેન્ટીયરની ટીમ દ્વારા વડોદરા જિલ્લાના તમામ તાલુકા અને કોર્પોરેશનના મળી કુલ ૨૪,૫૬,૭૩૪ વ્યક્તિઓની રકતપિત્ત માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. ટીમ દ્વારા બે વર્ષથી ઉપરના તમામ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. જે વ્યક્તિને રકતપિત્તના શંકાસ્પદ ચિન્હો જણાય તેઓને નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદીર, પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ પર નિદાન અને સારવાર માટે મોકલી આપવામાં આવશે.
પ્રીવેલન્સ રેટ ૦.૭૦
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં ૧૯૪ અને મહાનગરપાલિકા વિસ્તારમાં ૭૬ મળી કુલ ૨૭૦ દર્દીઓને રક્તપિત્તની સારવાર આપવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં જાન્યુઆરીમાં યોજાયેલ રક્તપિત્ત દર્દી શોધ ઝૂંબેશ દરમિયાન પાંચ લાખ ઉપરાંત ઘરોની ૨૨.૪૭ લાખ વસતીની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ ઝૂંબેશ દરમિયાન જિલ્લામાં કુલ ૭૨ રક્તપિત્તના દર્દીઓ મળી આવ્યા હતા. જેની સારવાર હાલ ચાલી રહી છે. વડોદરાનો હાલનો પ્રીવેલન્સ રેટ ૦.૭૦ છે.
મૂળ કારણો સુધી પહોંચવા તાકીદ
આ શોધ અભિયાન અંગે ગુરૂવારે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર શાહે આ શોધ ઝૂંબેશ દરમિયાન દરેક ઘરની મુલાકાત લઈને ગુણવત્તાસભર કામગીરી સાથે રક્તપિત્તના શંકાસ્પદ દર્દીઓને શોધવા આરોગ્ય વિભાગના અધિકારીઓને જણાવી આ રોગ થવાના મૂળ કારણો સુધી પહોંચવા તાકીદ કરી હતી.
નાગરિકોને અનુરોધ
જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો. શૈલેષ સુતરીયાએ વડોદરા શહેર-જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ ઝૂંબેશના આયોજનની વિગતો આપવા સાથે જાન્યુઆરી માસમાં યોજાયેલા અભિયાન હેઠળ થયેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જે લોકોને આછું, ઝાંખુ કે રતાશ પડતું ચાંઠુ હોય, હાથ-પગ પર બહેરાશ લાગતી હોય તેમણે સત્વરે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ નિદાન અને સારવાર કરાવવા માટે જિલ્લા રક્તપિત અધિકારીએ નાગરિકોને અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો -- VADODARA : નવરચના યુનિ. સહિત અનેક સ્થળે ફાયર વિભાગની કાર્યવાહી