Porbandar : ધી ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ 2024 અંતર્ગત કાર્યક્રમ યોજાયો
અહેવાલ -કિશન ચૌહાણ -પોરબંદર
Porbandar : કોર્નેલ લેબ ઓફ ઓર્નિથોલોજી અને નેશનલ ઓડુબોન સોસાયટી,ન્યુ યોર્ક,યુ.એસ.એ.દ્વારા તારીખ 16 ફેબ્રુઆરી, 2024 થી 19 ફેબ્રુઆરી 2024 સુધી યોજાયો હતો. “The Great Backyard Bird Count-2024”એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં પક્ષીની પ્રજાતિની વિવિધતા અને પ્રવાસના દસ્તાવેજીકરણ તથા તેની ગણતરી માટે વિશ્વભરમાંથી હજારો લોકો જોડાયા હતા. જેમાં પોરબંદરના ઉત્સુક પક્ષી નિરીક્ષક એવા પરેશ પિત્રોડા, નયન થાનકી અને વિજય જેઠવાએ પણ આતુરતાપૂર્વક ભાગ લીધો હતો.
પોરબંદર (Porbandar )આ સ્થાનિક પક્ષી નિરીક્ષકોએ નિયુક્ત ગણતરીના સમયગાળા દરમિયાન પોરબંદર જીલ્લાના કર્લી જળાશય, છાંયા ખાડી વિસ્તાર, ધરમપુર વિસ્તાર, રતનપર પાસે આવેલ સીરોડાધાર વિસ્તાર તથા મોકરસાગર જળપ્લાવિત વિસ્તારની મુલાકાત લઇ પોરબંદર જિલ્લા વિસ્તારમાં નોંધાયેલ 345 પક્ષીની પ્રજાતી પૈકીની 97 જેટલી સામાન્ય, અસામાન્ય, દુર્લભ તથા યાયાવર પક્ષીની પ્રજાતિઓને ઓળખવા, ગણતરી કરવા અને તેની વિવિધ શ્રેણીનું બારીકાઈથી દસ્તાવેજીકરણ કરીને તેમની કુશળતા અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
સ્થાનિક પક્ષી નિરીક્ષકોના આ પ્રયાસોએ પોરબંદરની સ્થાનીક અને યાયાવર પક્ષીઓની પ્રજાતીની સમૃદ્ધિને માત્ર ઉજાગર કરી નથી પરંતુ વૈશ્વિક પક્ષી સંશોધન અને સંરક્ષણના પ્રયાસો માટે નિર્ણાયક માહિતી (ડેટા) પણ પૂરી પાડી છે. જે પક્ષીઓની વસ્તીના અભ્યાસ અને સંરક્ષણમાં ફાળો આપશે અને આખરે પક્ષીઓની જૈવવિવિધતાના રક્ષણમાં મદદ કરશે. પોરબંદરના સ્થાનિક પક્ષી નિરીક્ષકોનો આ સમુદાય ઉત્સાહથી પક્ષી નિહાળવાની સાર્વત્રિક અપીલ અને પાયાના સંરક્ષણ પ્રયાસોના મહત્વને રેખાંકિત કરે છે. તેમજ પક્ષી નિરીક્ષકોને આ વૈશ્વિક પહેલનો એક મહત્વનો ભાગ બનવા બદલ પુછતા જણાવ્યું હતું કે, “આ વૈશ્વિક પહેલનો ભાગ બનીને અમે રોમાંચિત છીએ. The great Backyard Bird Count-2024 માં અમારા અવલોકનોનું યોગદાન આપીને અમે અર્થપૂર્ણ સ્તરે પ્રકૃતિ સાથે જોડાઈને પક્ષીઓ અને તેમના રહેઠાણોને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીએ છીએ.
આ પણ વાંચો - Organ Donation: અર્ધાંગિનીએ પાળ્યું સાતમું વચન! બ્રેઇનડેડ પતિના અંગોનું હ્રદયપૂર્વક કર્યું દાન