ગણેશ ગોંડલ પર પોલીસના ચારહાથ, દલિત સમાજે હવે કંટાળીને ભર્યું મોટુ પગલું
Junagadh :જૂનાગઢમાં ગણેશ ગોંડલ દ્વારા અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર મારવાનો કેસ હવે હાઇપ્રોફાઇલ બની રહ્યો છે. એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ થવા છતા પણ પોલીસ ગણેશ ગોંડલની (Ganesh Jadeja) ધરપકડથી બચી રહી છે. તેવામાં અનુસૂચિત જાતિના અગ્રણીઓ દ્વારા હવે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. પોલીસ (Junagadh Police) દ્વારા પક્ષપાત કરાઇ રહ્યાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. આ મામલે ડેપ્યુટી કલેક્ટર ધોરાજીને પણ આવેદનપત્ર આપ્યું હતું. ગણેશ જાડેજાની (Ganesh Gondal) વહેલીતકે ધરપકડ થાય તે માટેની માંગ કરવામાં આવી હતી.
અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા આ મામલે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગણેશ જાડેજાની ધરપકડ પોલીસ દ્વારા ઇરાદા પુર્વક નહીં કરવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જો ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ આ અંગે ચિમકી ઉચ્ચારી હતી. જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર તો ગંભીર આક્ષેપો કર્યા જ હતા સાથે સાથે જયરાજસિંહ અને તેના પુત્ર ગણેશ ગોંડલ પર પણ ચાબખા વિંઝ્યા હતા. જો ધરપકડ કે કાર્યવાહી ન થાય તો ઉગ્રઆંદોલન અને ત્યાર બાદ સર્જાનારી સ્થિતિ માટે સરકાર અને તંત્ર જવાબદાર રહેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં રહેતા અને દલિત સમાજના અગ્રણી તથા એનએસયુઆઇમાં સક્રિય સંજય સોલંકીનું સામાન્ય બાબતે અપહરણ કરવામાં આવ્યું હતું. તેને ગોંડલ લઇ જઇને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ અંગેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. તેને કોંગ્રેસ છોડી દેવાની અને જાતિસુચક શબ્દો કહીને હડધુત કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી પણ જૂનાગઢના દલિત સમાજમાં મજબુત પકડ ધરાવે છે. અનેક દિગ્ગજો દ્વારા સમાધાનના પ્રયાસ છતા પણ તેઓ ધરપકડ અંગે પ્રતિબદ્ધ છે. હાલ આ સમગ્ર મામલો ઉગ્ર બનતો જઇ રહ્યો છે.