Surat : ખંડિત પ્રતિમાઓની પુનઃસ્થાપનાની વાત કોઈ કાળે સ્વીકાર્ય નથી : જૈનાચાર્ય
પાવાગઢ (Pavagadh) ખાતે જૈન તીર્થકરોની મૂર્તિ ખંડિત થવા મામલે જૈન સમાજનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાવાગઢ ખાતે રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાનાં જૈન અગ્રણીઓ એકત્ર થયાં છે અને મૂર્તિ ખંડિત કરનારી વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી રહી છે. દરમિયાન, સુરત (Surat) ખાતે જૈન મહારાજ પૂ. ફૂલ ચંદ્રવિજય આચાર્ય ભગવંત, જૈન મહારાજ પૂ. વિરાટ ચંદ્ર સાગર મુનિ સહિત અન્ય મહારાજ ભગવંતો અને મોટી સંખ્યામાં સમાજનાં લોકો કલેક્ટર કચેરી (Collector's office) ખાતે પહોંચ્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યા હતા. દરમિયાન જૈન મહારાજ પૂ. ફૂલ ચંદ્રવિજય આચાર્ય ભગવંતનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે, પાવગઢની બાબતે હજુ FIR પણ નોંધાઇ નથી.
ખંડિત પ્રતિમાની પુનઃસ્થાપનાની વાત સ્વીકાર્ય નથીઃ જૈનાચાર્ય
પાવાગઢમાં (Pavagadh) જૈન તીર્થકરોની મૂર્તિ ખંડિત થવા મામલે જૈન મહારાજ પૂ. ફૂલ ચંદ્રવિજય આચાર્ય ભગવંતે કહ્યું કે, ખંડિત પ્રતિમાઓની પુનઃસ્થાપનાની વાત કોઈ કાળે સ્વીકાર્ય નથી. આ મામલે સત્તા એક્શન લેવા માટે બંધાયેલી છે. અમે પણ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરીશું. જ્યાં સુધી આ મામલે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ત્યાર સુધી બેસીસું. આપણે લઘુમતીમાં (Jain Samaj) છીએ તો તેનાં રક્ષણ માટે સત્તા બંધાયેલી છે. જ્યારે જૈન મહારાજ પૂ. વિરાટ ચંદ્ર સાગર મુનિએ કહ્યું કે, તમે ટસનાં મસ થતાં નહિ. આપણે નોટ બેન્ક છીએ વોટ બેન્ક નથી, એટલે આપણે દર વખતે આજીજી કરવી પડે છે. આ આંદોલન આપણને પૂછે છે. અહિંયા આપણે બેઠાં છીએ એ એમની મજબૂરી છે, નહીંતર એ લોકો અપણને ધક્કો મારી ગેટ આઉટ કરી દેતા. અહીંયાથી કઈક નક્કી કરીને જવાનું છે ત્યાં સુધી આપડે ઊભું થવાનું નથી.
ચાર નોકરો પાળવા કરતા એક સંતાનને ઉછેરોઃ જૈનાચાર્ય
જૈનાચાર્યએ લોકોને કહ્યું કે, ચાર નોકરો પાળવા કરતા એક સંતાનને ઉછેરો. જણાવી દઈએ કે આ મામલે જૈન સમાજના (Jain community) લોકો દ્વારા સુરત (Surat) કલેક્ટર કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ગઇકાલે રાત્રે પણ કલેક્ટર કચેરી ખાતે જઇને વિરોધ કર્યો હતો. દરમિયાન, મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો એકત્ર થયાં હતાં. સમાજના લોકોએ આ સમગ્ર મામલે તપાસ કરી કાર્યવાહી કરવા કરી માગ કરી છે.