AHMEDABAD : મહિલા હેડ કોન્સ્ટેબલની પુત્રી પર લગ્નની લાલચે દુષ્કર્મ
AHMEDABAD : નરોડા (AHMEDABAD - NARODA) માં મહિલા હેડ કોન્સ્ટેબલની નર્સ પુત્રીને પરિણીત શખ્સે લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. આટલું જ નહિ શખ્સે યુવતી માટે રૂમ ભાડે રાખ્યો હતો. પરંતુ તેના થોડા દિવસમાં જ યુવતીને તેના લગ્ન થઇ ગયા હોવાની જાણ થતા ઘરે જતી રહી હતી. જે બાદ યુવતીની સગાઇ થઇ ગઇ હોવા છતા શખ્સ તેને હેરાન કરતો હતો. તેમજ શખ્સે સગાઇ તોડવા યુવતીની સાસરીમાં તેના અને યુવતીના નગ્ન ફોટા મોકલ્યા હતા. આ અંગે યુવતીએ શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
જાનથી મારી નાખવાની ધમકી
માધુપુરામાં 23 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને બી.એસ.સી નર્સિંગનો અભ્યાસ કર્યો છે. જેમાં તેની માતા ટ્રાફિકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. યુવતી અભ્યાસ કરતી હતી તે સમયે કોરોનાકાળ દરમ્યાન તેને વી.એસ.હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા મૂકી હતી. આ દરમ્યાન હોસ્પિટલની રીકવીજટની ગાડી કોતરપુરનો આકાશ યાદવ ચલાવતો હતો. જેથી યુવતી આકાશ સાથે પરિચયમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. પરંતુ યુવતીને આકાશ યોગ્ય ન લાગતા વાત કરવાનું બંધ કર્યુ હતુ. જે બાદ વર્ષ 2022માં ફરીથી આકાશે યુવતી સાથે સંપર્ક કર્યો હતો અને બંને એકબીજા સાથે વાત કરતા હતા. ત્યારબાદ ગત 26 જૂન 2022માં આકાશે યુવતીને ફોન કરીને આપણે ફરવા જઇએ અને હોટલમાં ચા નાસ્તો કરીએ કહીને નાના ચિલોડા પાસે આવેલ હોટલમાં લઇ ગયો હતો. ત્યારબાદ અચાનક યુવતીને અડપલા કરવા લાગ્યો હતો. પરંતુ યુવતીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતા આકાશે મોઢુ દબાવીને શારિરીક સંબંધ બાંધ્યા હતા. તેમજ જો તુ કોઇને કહીશ તો પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તુ કેમ મારી સાથે વાત નથી કરતી
ત્યારબાદ ગત 23 માર્ચ 2023માં આકાશે યુવતીને તારી સાથે લગ્ન કરવા છે કહીને નોબલનગર રૂમ ભાડે રાખીને ત્યાં લઇ ગયો હતો અને ત્યાં અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. થોડા દિવસ બાદ યુવતીને જાણ થઇ હતી કે આકાશના લગ્ન થઇ ગયા છે. જેથી યુવતી ઘરે જતી રહી હતી. ત્યારબાદ યુવતીની એક યુવક સાથે સગાઇ કરી હતી. તેમ છતા આકાશ મળવા દબાણ કરતો હતો અને રસ્તામાં પીછો કરીને તુ કેમ મારી સાથે વાત નથી કરતી કહીને ઝઘડો કરતો હતો. તેમજ યુવતીના 20 જૂન 2024માં લગ્ન હોવાથી અને ઇજ્જત ન જાય તે માટે કોઇને જાણ કરી ન હતી. પરંતુ આકાશ અને યુવતીના નગ્ન ફોટા આકાશે પાડીને યુવતીના સાસરીમાં કુરિયર કરી મોકલ્યા હતા. જેથી સાસરિયાઓ યુવતીના ઘરે આવતા માતા-પિતાએ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે યુવતીએ પૂર્વ પ્રેમી સામે નરોડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અહેવાલ - પ્રદિપ કચિયા, અમદાવાદ
આ પણ વાંચો -- Chennai : 1800 KM દૂર અપહ્યુતને કેવી રીતે ક્રાઈમ બ્રાંચે બચાવ્યો ?